કામગીરી:ભાઠેના જંકશન પર 36 કરોડનો ઓવર બ્રિજ અને 19.50 કરોડના ખર્ચે મીઠી ખાડી પર પુલ બનશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરોલી બ્રિજથી વરિયાવ ખાડી સુધી 53 કરોડનાં ખર્ચે આઉટર રિંગ રોડ ડેવલપ કરાશે

પાલિકામાં 2015-20 ની ટર્મ પૂર્ણ થઈ રહી હોય વિકાસ કામો આગળ ધપાવવા શાસકોમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. જાહેર બાંધકામ સમિતિએ રૂપિયા 119 કરોડના કામોના અંદાજો મંજુરી માટે સામાન્ય સભાને ભલામણ કરતાં ભાઠેના જંકશન પર 36 કરોડના ખર્ચે ઓવર બ્રિજ, મીઠી ખાડી પર 19.50 કરોડ ખર્ચે ખાડી બ્રિજ તથા સરોલી બ્રિજથી વરિયાવ ખાડી બ્રિજ સુધી આઉટર રિંગરોડને 53 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. આ તમામ કામો ગત 11 મીએ સામાન્ય સભામાં રજુ થતાં મહત્ત્વના પ્રોજેક્ટોને મંજુરી આપવામાં આવી છે.

રાંદેર અને ઓલપાડ પરના મહત્ત્વના સરોલી બ્રિજથી વરિયાવ પ્રથમ ખાડી બ્રિજ સુધીના 4.85 કિ.મી. લંબાઈના આઉટર રિંગરોડને કુલ 90 મીટર પહોળાઈમાં ડેવલપ કરાશે. તેમાં પ્રથમ ફેઝમાં 42 મીટરની પહોળાઈમાં આઉટર રીંગરોડને ડેવલપ કરાશે. જેની પાછળ 53.67 કરોડના ખર્ચનો અંદાજ મંજુર કરાયો છે.

લિંબાયત ઝોનમાં આંબેડકર નગર, અનવરનગર તથા આંજણા ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીકના વિસ્તારથી ઝોન ઓફિસ જવા મુખ્યત્વે કેનાલ કોરીડોરનો ઉપયોગ કરવો પડે છે. હાલના મીઠી ખાડીના બ્રિજ પાસેથી એસ.કે.નગર થઈ સીધો ઝોન ઓફીસને જોડતો 18 મીટરનો રસ્તો મુકવામાં આવ્યો છે. રોડ નીચેથી મીઠી ખાડી પસાર થતી હોય જો બ્રિજ બનાવવામાં આવે તો લિંબાયત તથા આંજણા વિસ્તાર અને ઝોન ઓફિસ સીધા જોડાઈ શકે છે. લોકોનો ફેરો બચી જશે તેમજ ઝોન ઓફિસની અવરજવરમાં સરળતા રહેશે. જો સામાન્ય પુરની સ્થિતિમાં કમરૂનગર, ફુલવાડી સહિત લિંબાયત ખાડી કાંઠાના કેટલાંક વિસ્તારમાં પાણી ફરી વળતાં હોય એવા સમયે પણ બ્રિજથી મીઠી ખાડી વિસ્તાર અને ઝોન ઓફીસ વચ્ચે અવર જવર શક્ય થઈ સરળ થઈ શકશે. 19.57 કરોડના ખર્ચનો અંદાજ મંડાયો છે. બ્રિજ 100 મીટર લંબાઈનો અને 25 મીટરના ચાર સ્પાન થકી બનાવવામાં આવશે.

ટ્રાફિકનું ભારણ ઓછું કરવામાં મદદ મળશે
મુંબઈ-અમદાવાદ-દિલ્હી નેશનલ હાઈવે પર આવવા-જવા વાહન ચાલકો કામરેજ તથા સુરત કડોદરા રોડનો ઉપયોગ કરે છે. સુરતથી મુંબઈ તથા બારડોલી-વ્યારા જતા આવતાં વાહનો આ રૂટનો ઉપયોગ કરે છે. સુરત-કદોડરા રોડથી ધુલિયા નવાગામ થઈ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જવા પણ વાહન ચાલકો દ્વારા ઉપયોગમાં લેવામાં આ‌વે છે. પરપ્રાંતના લોકોનો નોકરી ધંધા અર્થે શહેરમાં વસવાટ કરતાં તેમજ સ્થાનિક લોકો દૈનિક આ રસ્તાનો વધુ ઉપયોગ કરતાં હોય છે. તેથી નોંધપાત્ર ટ્રાફીકનું ભારણ વધ્યું છે. શહેર અને શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં સીધી અવરજવર પણ આ રસ્તા થકી થઈ શકતી હોઇ પીક અ‌વર્સમાં ભાઠેના જંકશન પર ભારે ટ્રાફિક જામના બનાવો બને છે. તેમજ રીંગરોડ કિન્નરી સિનેમાની સામેનો 80 ફૂટ પહોળાઈનો રસ્તો પણ કેનાલ જંકશન પાસેથી ક્રોસ થતો હોય ફ્લાય ઓવર બ્રિજની જરૂરિયાતમાં ઉભી થઈ છે. તેથી રૂપિયા 36.23 કરોડના ખર્ચનો અંદાજ મંડાયો છે. પુલની લંબાઈ કુલ 1160 મીટર છે અને પર્વત પાટીયાથી ખરવરનગર સુધી 2 લેન અને ખરવરનગરથી પર્વત પાટીયા તરફ 2 લેન બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...