સુરત ક્રાઈમ ન્યૂઝ:35 લાખના હીરાની છેતરપિંડી કરનાર 6 વર્ષે જયપુરથી દબોચાયો,બે મહિલાઓ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બની

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
35 લાખના હીરાની છેતપીંડી કરનાર ઝડપાયો - Divya Bhaskar
35 લાખના હીરાની છેતપીંડી કરનાર ઝડપાયો

સુરતના વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા ૩૫ લાખના હીરાની છેતરપીંડીના ગુનામાં 6 વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે રાજસ્થાનના જયપુર ખાતેથી આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

લાખોના હીરાની છેતરપિંડી કરનાર 6 વર્ષે ઝડપાયો
સુરત શહેરને હીરા નગરી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે સુરતમાં અવાર નવાર હીરા વેપારીઓ સાથે ઠગાઈના કિસ્સાઓ પણ પોલીસ ચોપડે નોંધાયા છે. આવો જ એક રૂપિયા 35 લાખના હીરાની છેતરપિંડીનો ગુનો વરાછા પોલીસ મથકમાં નોંધાયો હતો. આજથી છ વર્ષ પહેલા આ ગુનો નોંધાયો હતો. ત્યારે ગુનો નોંધતા જ આરોપી પોલીસને ચકમો આપી નાસ્તો ફરતો હતો. જેમાં પોલીસને છ વર્ષ બાદ છેતરપિંડી કરનારને ઝડપી પાડવામાં સફળતા મળી છે. છેતરપિંડી કરનાર આ આરોપીને ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા હાથ આવી છે.

DCB પોલીસે છેતરપિંડી કરનારને રાજસ્થાનથી ઝડપી પાડ્યો
ડીસીબી પોલીસે બાતમીના આધારે રાજસ્થાનના જયપુર ખાતેથી આરોપી કનૈયાલાલ હીરાલાલજી રાવલને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સરથાણા ખાતે રહેતા ફરીયાદી જગદીશભાઈ દુલાભાઈ કાછડિયા મિનીબજાર ખાતે હીરાનો વેપાર કરે છે.તેમની પાસેથી પકડાયેલા આરોપીએ તેમની ઓફિસે આવી પોતે હીરાનો વેપાર અને દલાલી કરતો હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા. ત્યાર બાદ કનૈયાલાલ હીરાલાલજી રાવલે કુલ ૩૪.૯૪ લાખના હીરા દલાલીથી વેચવા લઇ ગયા હતાં અને બાદમાં નાણા ચૂકવ્યા વિના ઓફીસ બંધ કરી છેતરપીંડી કરી હતી. આ મામલે તેની સામે વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને આરોપી પોતાની ધરપકડથી બચવા પોલીસથી નાસતો ફરતો હતો. ત્યારે 6 વર્ષ બાદ આખરે ડીસીબી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.​​​​​​​​​​​​​​​​​​​​​

ભેજાબાજનો કિમીયો
​​​​​​​
ભેજાબાજો ઠગાઈ કરવા માટે અવનવા કીમિયા અજમાવતા હોય છે ત્યારે સુરતમાં બે મહિલાઓ સાથે ઠગાઈ થઇ છે. જેમાં એક મહિલાએ ઓનલાઈન ઇલેક્ટ્રિક એસેસરીઝ ખરીદવામાં તો અન્ય મહિલા સાથે ક્રેડીટ કાર્ડનું કેવાયસીની માહિતી અપડેટ કરવાના બહાને ઠગાઈ થઇ છે. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

ઓનલાઈન એસેસરીઝ ખરીદવામાં રૂપિયા ગુમાવ્યા
સુરતમાં રહેતી મારિયા બુટવાલાએ ઈન્સ્ટગ્રામ પર બોટનું પેજ જોયું હતું.જેમાં તેઓએ ત્યાં ક્લિક કરતા અન્ય એક પેજ ઓપન થયું હતું. અને તેઓએ તેમાં ઇલેક્ટ્રોનીક્સ એસેસરીઝ પસંદ આવ્યા હતા. જે ઇલેક્ટ્રોનીક્સ એસેસરીઝ ખરીદવા માટે તેઓએ ૧૧૫૯ રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હતું. જો કે ત્યારબાદ તેઓને ઓર્ડરના મળતા તેઓએ બોટ કંપનીની ઓફિશ્યલ વેબસાઈટ પર તપાસ કરી હતી જ્યાં આવો કોઈ ઓર્ડર પ્લેસ થયો હોવાનું જણાઈ આવ્યું ના હતું. જેથી પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું જાણતા તેઓએ આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

કેવાયસીની માહિતી અપડેટના બહાને રૂપિયા ટ્રાન્સફર કર્યા
સુરતના વેસુવીઆઈપી રોડ પાસે રહેતા નિમિષાબેન ચિંતનભાઈ ઠક્કરે ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા ઇસમેં તેઓને ફોન કરી હું એસબીઆઈ બેંકમાંથી બોલું છું અને તમારા ક્રેડીટ કાર્ડનું કેવાયસીની માહિતી અપડેટ કરવાની છે તમારે એક ફોર્મ ભરવું પડશે તેમ જણાવ્યું હતું અને બાદમાં તેઓને વિશ્વાસમાં લઇ ફોર્મ ભરવા માટેની લીંક મોકલી હતી. જેમાં તેઓએ લીંક ઓપન કરી તેમાં માહિતી ભરી હતી. અને બાદમાં તેઓના એસબીઆઈ ક્રેડીટ કાર્ડમાંથી ૫૦ હજાર અને ૯૬ હજાર એમ બે ટ્રાન્સફર મળી કુલ ૧.૪૭ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગેની જાણ નિમિષાબેનને થતા તેઓએ આ સમગ્ર મામલે ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ડુમસ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.આ સાથે બંને ગુનાઓમાં સાયબર પોલીસ સેલ પણ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...