ચકાસણી:લિંબાયતમાં 33 અપક્ષ, 12 અભણ, 11 મજૂર, 3 ડ્રાઇવર, 1 પર 7 તો બીજા પર 12 ગંભીર ગુના

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લિંબાયત બેઠક પર 44 ઉમેદવારો પૈકીના 33 અપક્ષમાં ભંગારવાળા, ડ્રાઇવર, શાકભાજીવાળાઓ પણ મેદાનમાં
  • શિક્ષણ, વ્યવસાય અને ક્રિમિનલ રેકોર્ડના ડેટાની ચકાસણી કરાઈ

મુસ્લિમ ઉમેદવારોના રાફડાથી ટોક ઓફ ધ ટાઉન બનેલી લિંબાયત બેઠક પર સૌથી વધુ 33 અપક્ષ ઉમેદવારો પૈકી મોટાભાગના અશિક્ષિત અને 2 ઉપર 19 ગુના છે. દિવ્ય ભાસ્કરે ઉમેદવારોના શિક્ષણ, વ્યવસાય અને ક્રિમિનલ રેકોર્ડના ડેટા ચકાસતા માહિતી સામે આવી હતી. જાણીને નવાઇ લાગશે કે, લિંબાયતમાં અપક્ષ ફોર્મ ભરનાર 12 ઉમેદવારનો અભ્યાસ બિલકુલ અભણ છે તો બે ઉમેદવાર પર કુલ મળીને 19 ગુનાઓ નોંધાયેલા છે. તો 11 ઉમેદવારો મજૂરી કરે છે. 163-લિંબાયત વિધાનસભા બેઠક પર નોંધાયેલા કુલ 44 ઉમેદવારો પૈકીના 33 અપક્ષ ઉમેદવારમાં ભંગાર વાળા, રિક્ષા-ટેમ્પો ડ્રાઇવર, શાકભાજી વેચતા અને ઘરની દલાલી કરનારા છે.

મુસ્લિમ ઉમેદવારોના રાફડાથી ટોક ઓફ ધ ટાઉન બનેલી લિંબાયત બેઠકનો રિપોર્ટ
સૌથી ભણેલા ઉમેદવારનો અભ્યાસ માત્ર ધોરણ-10
લિંબાયત વિધાનસભા બેઠક પર કુલ 33 અપક્ષ ઉમેદવારોમાં સૌથી ભણેલા 1 ઉમેદવારનો અભ્યાસ ધોરણ-10 છે. જ્યારે ધોરણ-1થી 5 સુધીનો અભ્યાસ કરનાર 5 ઉમેદવાર નોંધાયા છે. 12 ઉમેદવારોએ પોતે અભણ હોવાનું સ્વીકાર્યું છે. તો 11 ઉમેદવારો મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. કેટલાક ઉમેદવારો ઘરની દલાલી કરનારાઓનો પણ સમાવેશ થાય છે.

રિક્ષા-ટેમ્પો ચાલક અને શાકભાજી વિક્રેતા જોડાયા
નેતા ન હોવા છતાં લિંબાયત બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂકેલા ઉમેદવારોને પણ અપેક્ષા હશે કે તે ચૂંટણી જીતી જાય.! રિક્ષા-ટેમ્પો ચલાવવાના કામમાંથી સમય કાઢી ઉમેદવારોએ ચૂંટણી પ્રક્રિયામાં ઝંપલાવ્યું છે. આ ઉમેદવારોમાં શાકભાજીનું પાથરણું લગાવનાર પણ છે. 5 ગૃહિણી, 6 વેપારી 4 નોકરીયાતે પણ લિંબાયતથી ઉમેદવારી નોંધાવી દીધી છે.

બે વેપારી પૈકી એક પર 12 તો બીજા પર 7 ગુના
લિંબાયત વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારા ત્રણ ઉમેદવારોએ ક્રિમિનલ રેકોર્ડ ખરડાયેલો હોવાની એફિડેવિટ કરી છે. જેમાંથી એક ઉમેદવાર સામે 12 ગંભીર પ્રકારના ગુના છે જ્યારે બીજા ઉમેદવાર પર મહારાષ્ટ્ર અને સુરતમાં કુલ સાત ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. એક ઉમેદવારે દહેજ પ્રતિબંધક ધારા મુજબના ગુનામાં આરોપનામું ઘડાયાનું સ્વીકાર્યું હતું.

સુરત પૂર્વ બેઠકના 8 અપક્ષ ઉમેદવારના ડેટા પણ રોચક
મુસ્લિમ સમાજના નોંધપાત્ર મતો ધરાવતી સુરતની 159-પૂર્વ વિધાનસભા બેઠકમાં પણ 8 અપક્ષ ઉમેદવારો નોંધાયા હતાં. જેમાં એક ઉમેદવાર પર ચોરીનો ગુનો હોવાનું સામે આવ્યું છે. જ્યારે 1 અભણ જ્યારે બાકીના ઉમેદવારોના અભ્યાસ ધોરણ-12થી વધુ નથી. તેમાંથી કોઇ છુટક ફળ વેચે છે જ્યારે કોઇ રીક્ષા ચલાવી તો કોઇ ઘર-દુકાનની દલાલી કરી પેટિયું રળે છે.

અન્ય સમાચારો પણ છે...