પાલિકા શહેરમાં દિવસ-રાત સફાઇ અભિયાન કરે છે પરંતુ ફરી ગંદકીનું સામ્રાજ્ય ખડકાવા માંડે છે. પાલિકા લોકજાગૃતિ લાવવામાં નિષ્ફળ તો છે જ પણ દંડાત્મક કાર્યવાહી પણ કરતા નથી. અત્યાર સુધીમાં સ્વચ્છતા અભિયાનમાં અધધ 3294 ટન કચરો દૂર કરાયો છે. પરંતુ સફાઇ બાદ કન્ટેનરો હતાં તે સ્થાનો સહિત ફરી ગંદકીનું સામ્રાજ્ય થઈ જાય છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે બીજો ક્રમ તો જાળવી રાખ્યો છે પરંતુ સામે જાગૃત નાગરિકોનું ઇન્દોર શહેર છે. ઇન્દોરથી આગળ વધવા માટે લોકજાગૃતિ જ મહત્ત્વની છે. અગાઉ પાલિકા એન્ફોર્સમેન્ટની તેજ બનાવી પાનના ગલ્લાવાળા કે થુંકનારાઓ સામે દંડનિય કાર્યવાહી કરી હતી. હવે સંસ્થાઓને જોડી કાર્યક્રમો જેવી એક્ટિવીટી પણ તેજ કરવી પડશે. ઇન્દોર 6 વર્ષથી સતત નંબર 1 છે.
ઈંદોરવાસીઓની જાગૃતિને પગલે દેશભરમાં સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મેળવી રહ્યું છે. તજજ્ઞોના મતે ત્યાં લોકો ત્યાં સુધી જાગૃત છે કે કોઇ કચરો ફેંકતું જણાય તો તુરંત ટોકે છે અને કચરો ફેંકતા રોકે છે. ઉપરાંત પાલિકામાં ફરિયાદ પણ કરે છે.
કતારગામમાં લોકો સાફ કરેલાં સ્થળ પર ફરી કચરો ન ફેંકે તે માટે પહેરેદારી
પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે મંગળવારે કતારગામમાં રાઉન્ડ લીધો હતો. કંતારેશ્વર મંદિર, ઝુંપડપટ્ટી સહિતના એરિયામાં ફર્યા હતાં. અધિકારીઓએ સવારથી જ સફાઇ કરી પેમ્ફ્લેટ પણ વહેંચ્યા હતાં. પરંતુ કમિશનરના ગયા બાદ બપોર પછી કચરો ખડકાઇ ગયો હતો. બાળાશ્રમ સામે, કતારગામ દરવાજા પાસે, મુખ્ય રોડ પર જ ઘણાં સ્થાનો પર ફરી કચરો ફેંકાતા કચરાનું સામ્રાજ્ય ખડકાઇ ગયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.