સગર્ભા બહેનો માટે સરકારની જનની યોજના પર કરોડોનો ખર્ચ થવા છતાં સ્મીમેરમાં કુપોષિત બાળકોનો રેશિયો 31.56 ટકા છે. 1 ઓક્ટોબર, 2021થી 30 સપ્ટેમ્બર, 2022 વચ્ચે અહીં જન્મેલા 7,236 પૈકી 2,284 બાળકો કુપોષત હતા. ચોંકાવનારી બાબત તો એ છે કે 4 ટકા નવજાત મૃત્યુ પામ્યા હતા.
સગર્ભા બીજા કે ત્રીજા મહિને તપાસ માટે આવે ત્યારે પોષણક્ષમ આહાર માટે ચાર્ટ બનાવી મહિને 2 કિલો ગોળ, 2 કિલો મગ અને 2 કિલો ચણા અપાય છે. તબક્કાવાર 5 હજારની સહાય ઉપરાંત જનની સુરક્ષા યોજના અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ દર મહિને નજીકની આંગણવાડી પરથી 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લિટર સિંગતેલ પણ મળે છે. આ વર્ષે સરકારે 811 કરોડની અને 5 વર્ષ માટે 4 હજાર કરોડના ખર્ચની જોગવાઇ છે. સગર્ભાને પોષણક્ષમ બનાવવા સરકારના અથાગ પ્રયાસો વચ્ચે પણ સુરતમાં સ્થિતિ વિપરિત છે.
જન જાગૃતિમાં નિષ્ફળતા : સરકાર સગર્ભાઓના પોષણ માટે વર્ષે 800 કરોડથી વધુની જોગવાઈ કરે છે
કુપોષણથી રક્ષણ માટે શું કરવું?
- સગર્ભા બહેનોએ પુરતો પોષણક્ષમ આહાર, ઊંઘ લઈ દિવસમાં પણ આરામ કરવો
- નાની ઉંમરમાં પ્રેગનન્સી ન રાખવી
- બે ડિલિવરી વચ્ચે 3થી 5 વર્ષનો ગેપ જરૂરી
- ઇન્કમ-એજ્યુકેશન વધશે તો કુપોષણ ઘટશે.
જન્મ લેતા જ 165ના, ટૂંકી સારવાર બાદ 128નાં મૃત્યુ : સ્મીમેરના 1 વર્ષના આંકડા પ્રમાણે 165 બાળકો જન્મ લેતાં જ મૃત્યુ પામ્યા, 128 બાળકોના ટૂંકી સારવાર બાદ મોત.
કસૂવાવડ કરવી પડે તો કુપોષિત જ જન્મે છે
હૃદય રોગ-બ્લડ પ્રેશરમાં ખાનગી હોસ્પિટલો ડિલિવરીની ના પાડે તો કેસ સ્મીમેરમાં આવે છે. માતાનો જીવ બચાવવા પ્રિ-મેચ્યોર ડિલિવરી કરવી પડે છે, જેથી બાળક કુપોષિત જન્મે છે. લો બર્થ વેટના આંકડામાં નવજાત કુપોષિત જ છે તેવું કહેવું મુશ્કેલ છે. જોકે અઢી કિલોથી ઓછાં વજનના શીશુને કુપોષિત કહેવાય છે. > ડો. અશ્વિન વછાણી, HOD OG, સ્મીમેર હોસ્પિટલ
સ્મીમેરના કિચનમાં વાંદા અને જીવાત
પાલિકાની હોસ્પિટલ સમિતિના સભ્ય રચના હીરપરા અને કોર્પોરેટર મહેશ અણઘણે સ્મીમેરમાં કિચનની મુલાકાત લીધી તો કેટલી વાનગીમાં જીવાત હતી. શાકભાજી પર વાંદા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.