સુરતનો રિવરફ્રન્ટ તાપીમાં ગરકાવ?:અમદાવાદ જેવા રિવરફ્રન્ટ માટે સુરતમાં 31 કરોડ ખર્ચ્યા એ પાણીમાં, ફેઝ-1નો 'ખંડેર' પટ્ટો દારૂ-જુગારનો અડ્ડો બન્યો

સુરત8 દિવસ પહેલાલેખક: દેવેન ચિત્તે
  • હયાત રિવરફ્રન્ટની જાળવણી ન કરી શક્યા ને સાબરમતી રિવરફ્રન્ટ કરતાં સુંદર-આકર્ષક બનાવવાનાં બણગાં

સુરત કોર્પોરેશનની તિજોરી તળિયાઝાટક થઇ ગઈ છે છતાં પણ તે હજુ હજારો કરોડોના પ્રોજેક્ટ ઊભા કરવાની વાતો કરવામાં જરાય પાછીપાની કરતું નથી. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટેનાં બણગાં ફૂંકવામાં આવી રહ્યાં છે. વર્ષો પહેલાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો ફેઝ-1 તૈયાર કરવામાં આવ્યો છે, એની જ સ્થિતિ દયનીય છે, ત્યારે સુરત મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર અને વર્લ્ડ બેંક સાથે મળીને 3904 કરોડના તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ શરૂ કરવાની દિશામાં કામ શરૂ કર્યું છે. હાલનો રિવરફ્રન્ટ ખંડેર હાલતમાં હોવા સાથે દારૂ અને જુગારનો અડ્ડો બની ગયો છે. આમ, પ્રજાએ પરસેવો પાડીને કરેલી કમાણીમાંથી ભરેલા ટેક્સના 31 કરોડ રૂપિયા પાણીમાં ગયા છે.

સુરતમાં તાપી નદી કાંઠે બનાવવામાં આવેલા રિવરફ્રન્ટની સ્થિતિ ખૂબ જ દયનીય છે. આજે એકપણ મુલાકાતી રિવરફ્રન્ટ ખાતે આવતો નથી. રિવરફ્રન્ટ હાલ ખંડેરમાં ફેરવાઈ ગયો છે. કેટલાંક આસપાસનાં અસામાજિક તત્ત્વો માટે તાપી રિવરફ્રન્ટ આશ્રય સ્થાન બની ગયું છે. અહીં આખો દિવસ જુગાર ચાલે છે અને મોડી રાતે દારૂ પીવાતો હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરીને તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બનાવવા માટે શાસકોએ ખૂબ બણગાં ફૂંક્યા હતા અને સુરત શહેરને એક નવી ઓળખ મળશે એ પ્રકારનાં મોટાં મોટાં સપનાં દેખાડવામાં આવ્યાં હતાં.

એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો લૂલો બચાવ
આ અંગે સુરત મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર કેતન દેસાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારસુધીમાં ભૂતકાળમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ત્રણ જગ્યા પર રિવરફ્રન્ટનું કામ કરવામાં આવ્યું હતું, જેમાં મહદંશે વોક વે બનાવવામાં આવ્યો હતો તેમજ નેહરુબ્રિજની આસપાસ રિવરફ્રન્ટ વિકસાવવામાં આવ્યો હતો. અલગ અલગ તબક્કામાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ઘણાં વર્ષો પહેલાં આ કામ કર્યું હોવાથી હાલ કદાચ એની સ્થિતિ અયોગ્ય હશે. આગામી દિવસોમાં સાબરમતી રિવરફ્રન્ટની માફક સુરતના તાપી નદીના કિનારે રિવરફ્રન્ટ બનાવવામાં આવશે.

ફેઝ-1 ધૂળ ખાય છે ને અમદાવાદ કરતાં સુંદર રિવરફ્રન્ટ બનાવવો છે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક તાપી રિવરફ્રન્ટ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 3904 કરોડનો ખર્ચ થશે, જેમાંથી 70% વર્લ્ડ બેંક, 15% કોર્પોરેશન, 15% રાજ્ય સરકાર ચૂકવશે. રિવરફ્રન્ટ અંતર્ગત બેરેજ બનાવવામાં આવશે. કોઝવેથી ONGC સુધીનો 10 કિલોમીટરના વિસ્તારમાં મીઠા પાણીનો સંગ્રહ કરાશે, જેથી સુરત શહેરની અંદર મીઠા પાણીની મુશ્કેલીનો પણ પ્રશ્ન હલ થઈ જશે. શહેરને 50 વર્ષ સુધી પીવાના પાણીની મુશ્કેલી ન થાય એ પ્રકારનું પણ આયોજન કર્યું છે. પાણીના સંગ્રહને કારણે સુરત શહેરમાં પાણીના સ્તર પણ ઊંચા આવશે, જેનાથી ખૂબ લાભ થશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ કરતાં પણ વધુ સુંદર અને આકર્ષક રિવરફ્રન્ટ બનાવવા તરફ સુરત મહાનગરપાલિકા આગળ વધી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...