તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે ગજની દૂરી:30% સ્કૂલે બેંચની ડિઝાઇન બદલી, 3ના બદલે 2 જ વિદ્યાર્થી બેસી શકશે

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવી ડિઝાઇનની બેંચ આવી હશે ,સેવન સ્ટેપ સ્કૂલ - Divya Bhaskar
નવી ડિઝાઇનની બેંચ આવી હશે ,સેવન સ્ટેપ સ્કૂલ
  • નવા બેંચની વચ્ચેના ગેપમાં બેગ મૂકવા બાસ્કેટ હશે
  • શહેરના 45 ટકા જેટલા ખાનગી કોચિંગ ક્લાસે પણ બેંચમાં બદલાવ કર્યો

કોરોના સામે સરકારે “બે ગજની દૂરી, ખૂબ જ જરૂરી’ મંત્ર આપ્યા બાદ હવે સ્કૂલોની બેંચોની ડિઝાઇન પણ બદલાઇ ગઈ છે. હવે એક બેંચ પર 3 નહીં, પણ 2 જ વિદ્યાર્થી બેસી શકે એ રીતે નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતની 30 ટકા સ્કૂલો, 45 ટકા કોચિંગ ક્લાસિસે નવી બેંચ બનાવવા ઓર્ડર આપ્યા છે.

કોરોના ઘટતાં રાજ્ય સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરીને સ્કૂલો અને ખાનગી કોચિંગ ક્લાસિસને ધોરણ-6થી 12માં ઓફલાઇન એજ્યુકેશન આપવાની મંજૂરી આપી છે. જો કે, ગાઇડલાઇનમાં સ્પષ્ટ લખાયું છે કે કોરોનાનો ફેલાવો રોકવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવાવું પડશે, જેને કારણે સ્કૂલો અને ખાનગી કોચિંગોએ એક બેંચ પર 2 જ વિદ્યાર્થીઓને બેસાડી રહી છે.

આમ, આવી સ્થિતિને જોતા વલસાડની બેંચ બનાવતી એક એજન્સીએ સ્કૂલો અને ખાનગી કોચિંગ ક્લાસિસ માટે નવી ડિઝાઇનની બાસ્કેટ બેંચ તૈયાર કરી છે. એજન્સીના માલિક દેવાંગ પંચાલે કહ્યું હતું કે, ધોરણ-6થી 12માં ઓફલાઇન એજ્યુકેશન આપવાની મંજૂરી અપાતાં જ નવી ડિઝાઈનવાળી બેંચોના ઓર્ડર મળવા લાગ્યા છે. મહામારીને જોતાં આ નવી ડિઝાઇનની બેંચોની ડિમાન્ડ વધી છે.

નવી બેંચમાં સેનેટાઇઝર તેમજ વોટર બેગ મુકવાની ખાસ વ્યવસ્થા આપવામાં આવી
નવી ડિઝાઇનની બેંચોમાં વચ્ચેના ગેપમાં બેગ મૂકવા બાસ્કેટ હશે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય રહેશે. આ સાથે બેંચ પર સેનિટાઇઝર અને વોટર બોટલ મૂકવા માટે સ્ટેન્ડ પણ અપાયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાની બેંચો પર પાટિયાં નીચે બેગનું બોક્સ હતું. જે ઘણી વખત લાંબા વિદ્યાર્થીઓને પગમાં વાગતું હતું. જેથી પણ આ બદલાવ કરાયો છે.

નવી બેંચોના ભાવ એકથી દોઢ હજાર વધારે
સામાન્ય બેંચ સાડા ત્રણથી ચાર હજારની પડતી હતી. જો કે, નવી બેંચમાં એમએસના પાઇપનો ઉપયોગ વધારે હોવાથી ભાવ સાડા ચારથી સાડા પાંચ હજાર સુધીનો થઈ ગયો છે.

દક્ષિણ ગુજરાતની બેંચ બનાવતી 100 એજન્સીને 25 કરોડોની ખોટ
સહિત દક્ષિણ ગુજરાતમાં બેંચ બનાવતી 100 જેટલી એજન્સી છે. જેમને માર્ચથી જ નવા ઓર્ડર મળતા હોય છે. જો કે, 2020માં કોરોનાની એન્ટ્રી થતાં જ ઓર્ડર રદ થઈ ગયા હતા. એજન્સીઓના જણાવ્યા પ્રમાણે, દોઢ વર્ષથી તમામ પ્રકારનું ઓફલાઈન શિક્ષણ બંધ રહેતા 25 કરોડની ખોટ ગઈ છે.

આજથી ધો. 6થી 8ની સ્કૂલો શરૂ, બીમાર વિદ્યાર્થીને પ્રવેશ નહીં
શિક્ષણ વિભાગના આદેશથી ગુરુવારથી ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓને ઓફલાઇન એજ્યુકેશન શરૂ કરાશે. તેવામાં આચાર્યોએ વાલીઓને સૂચના આપી છે કે વિદ્યાર્થીને શરદી કે ખાંસી કે તાવ હોય તો સ્કૂલે મોકલવા નહીં. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 3,14,698 વિદ્યાર્થીઓ ધો.6થી 8માં અભ્યાસ કરી રહ્યા છે.

પહેલા દિવસે 70% વાલીઓએ બાળકોને સ્કૂલે મોકલવા સંમતિપત્રક આપ્યા છે. જો કે, ચોમાસાને પગલે ઘણા પરિવારમાં શરદી, ખાંસી કે તાવના કેસો જોવા મળી રહ્યા છે. જેથી ડીઇઓએ સ્કૂલ સંચાલકોએ સૂચના આપી છે કે વિદ્યાર્થી કે ટિચિંગ કે પછી નોન-ટિચિંગ સ્ટાફના કર્મચારી બીમાર હશે તો સ્કૂલમાં પ્રવેશ અપાશે નહીં. વાલીઓને સૂચના આપી છે કે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલનારા વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલમાં કઇ કઇ પ્રકારની તકેદારી રાખવી તે બાબતની પૂરતી સમજ આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...