તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:વીવિંગ એકમના 50% કર્મીઓ પરત ન ફરતા 30% એકમો બંધ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના 7 લાખ લુમ્સ મશીન પર 4.5 લાખ કર્મીઓ કામ કરે છે
  • પહેલાં રોજ 4 કરોડ મીટર ગ્રે કાપડ તૈયાર થતું હવે માત્ર 2 કરોડ મીટર

કારીગરોની અછત અને ગ્રે કાપડની ડિમાન્ડ ઓછી હોવાને કારણે વિવિંગ ઈન્ડસ્ટ્રી પર તેની અસર જોવા મળી રહી છે. ટેક્સટાઈલ માર્કેટો શરૂ થયાને 20 દિવસ થઈ ગયા હોવા છતાં વિવિંગ એકમો હજી માત્ર 70 ટકા જેટલા જ શરૂ થયા છે.

કોરોનાની બીજી લહેરના મીની લોકડાઉનની અસર માર્કેટમાં હજી જોવા મળી રહી છે. દેશના અલગ અલગ રાજ્યોની મંડીઓ ખુલી ગઈ છે પરંતુ વેપાર ન હોવાને કારણે વેપારીઓ ઓર્ડર આપી રહ્યાં નથી. જેના કારણે વિવિંગ ઈન્ડસ્ટ્રી પર તેની માઠી અસર થઈ રહી છે. સુરત શહેરમાં 48 હજાર વિવિંગ એકમોમાં 7 લાખ જેટલા લુમ્સના મશીનો છે. જ્યારે સાડા ચાર લાખ કર્મચારીઓ છે. સામાન્ય દિવસોમાં આ તમામ એકમો રાત-દિવસ એમ બે-બે પાળીઓમાં ચાલતા હતાં. પરંતુ કોરોનાની બીજી લહેરમાં વિવિંગ એકમોમાં કામ કરતાં કર્મચારીઓમાંથી 50 ટકા કર્મચારીઓ વતન ચાલ્યા ગયા છે. જેઓ હજી પરત ફર્યા નથી. ટેક્સટાઈલ માર્કેટ શરૂ થયાને 20 દિવસ થઈ ગયા છે પરંતુ હજી માર્કેટના વેપારીઓ ગ્રે કાપડની ખરીદી કરી રહ્યા નથી. કર્મચારીઓની અછત અને ગ્રે કાપડની ડિમાન્ડ ન હોવાને કારણે વિવિંગ એકમો 70 ટકા જ ચાલી રહ્યા છે. કોરોનાકાળ પૂર્વે સામાન્ય દિવસોમાં શહેરમાં રોજનું 4 કરોડ મીટર જેટલું ગ્રે કાપડ તૈયાર કરવામાં આવતું હતું. પરંતુ હવે કોરોના કાળમાં વિવિંગ એકમો એક જ પાળીમાં ચાલી રહ્યા છે અને માત્ર 2 કરોડ મીટર જ કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેના કારણે વિવિંગ ઈન્ડસ્ટ્રીઝ પર માઠી અસર પડી રહી છે.

ગ્રે કાપડનો ઓર્ડર હજુ આવી રહ્યો નથી
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા કહે છે કે, ‘હજી કર્મચારીઓ વતનથી પરત ફર્યા નથી અને કાપડ માર્કેટના વેપારીઓ ગ્રે કાપડનો ઓર્ડર ન આપી રહ્યા હોવાને કારણે એકમો પર તેની અસર થઈ રહી છે અને 30 ટકા એકમો હજી બંધ છે અને જે શરૂ થયા છે તે માત્ર એક પાળીમાં જ ચાલી રહ્યા છે.’

અન્ય સમાચારો પણ છે...