LLBના પેપરોમાં 30 ભૂલ:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને નોટિસ મળતાં 3 મહિને ઝબકી, હવે 1200 માર્કશીટ બદલાશે; LLM કે પ્રેક્ટિસ કરવા ઈચ્છનારને મુશ્કેલી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેમ-5ની MCQ આધારિત પરીક્ષામાં CRPCના પેપરમાં 20 અને IPRના 10 પ્રશ્નોમાં લોચા મરાયા હતા
  • ફરિયાદોને કોરાણે મૂકીને માર્કશીટ-ડિગ્રી આપી દેવાયા હતા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અણઘડ વહીવટનો વધુએ પુરાવો સામે આવ્યો છે. LLBના અભ્યાસક્રમની ફેબ્રુઆરીમાં લેવાયેલી પરીક્ષાના CRPCના પ્રશ્નપત્રમાં 20 જેટલી અને IPRના પ્રશ્નપત્રમાં 10 ભૂલ થઇ હોવાની ફરિયાદ અને લીગલ નોટિસ મળ્યા બાદ છેક 3 મહિને ભાન થતા હવે 1200 જેટલા વિદ્યાર્થીઓની માર્કશીટ બદલવામાં આવશે જેના કારણે જૂના માર્કસના આધારે LLMમાં પ્રવેશ મેળવનાર અને સનદ માટે બારમાં રજુઆત કરનાર વિદ્યાર્થીઓની પરેશાની વધી ગઇ છે. યુનિવર્સિટી ભૂલ કરનાર પ્રોફેસર પંડ્યાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

CRPCના પ્રશ્નપત્રમાં 20 અને IPR વિષયમાં 10 પ્રશ્નોમાં ભૂલ હતી
યુનિવર્સિટીS ફેબ્રુઆરી 2022માં LLB સેમેસ્ટર 5ની એમસીક્યુ આધારિત પરીક્ષા લીધી હતી. જેમાં CRPCના પ્રશ્નપત્રમાં 20 અને IPR વિષયમાં 10 પ્રશ્નોમાં ભૂલ હતી. આ અંગે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને માર્કશીટ અને ડીગ્રી પણ આપી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આ માર્કશીટના આધારે LLMમમાં પ્રેવશ પણ મેળવી લીધો હતો. વિદ્યાર્થીઓએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટસ આપી દીધા હતા. જો કે, બાદમાં બ્રહ્મજ્ઞાન થતાં યુનિવર્સિટી જાગી અને 1200 જેટલા વિદ્યાર્થીઓની માર્કશીટ પરત લઇને સુધારો કરી આપવામાં આવી રહ્યો છે.

​​​​​​​યુનિવર્સિટી​​​​​​​ કુંભકર્ણની માફક ઘોરતી રહેતા વિદ્યાર્થીઓ સાથે ઘોર અન્યાય
યુનિવર્સિટી આ પ્રકરણમાં 3 મહિના સુધી કુંભકર્ણની માફક ઘોરતી રહેતા વિદ્યાર્થીઓ સાથે ઘોર અન્યાય થયો હતો. હવે પરિસ્થિતિ એવી થઇ છે કે,માર્કસમાં ફેરફાર થવાના કારણે સારા માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓને આ ભૂલોના કારણે મનપસંદ કોલેજમાં પ્રવેશ નહીં મળી શક્યો તો વિદેશ જનારા વિદ્યાર્થીઓની પણ માર્કશીટ બદલાતાં મુશ્કેલી વધી છે.

પરીક્ષાના બીજા દિવસે જ વિવાદ થવા કોઈ કાર્યવાહી કરાઈ ન હતી
ફેબ્રુઆરીમાં એલએલબીની પરીક્ષા હતી. આ પરીક્ષાના બીજા દિવસે જ વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે,CRPC અને IPR વિષયના પ્રશ્નપત્રમાં ભૂલ છે. ત્યારે વિવાદ થયો હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશોએ કોઇ કાર્યવાહી નહીં કહીને પરિણામ જાહેર કરી દીધુ હતું.

LLMમાં પ્રોવિઝનલ પ્રવેશ પણ રદ કરી દેવા પડ્યા
પેપરોમાં ભૂલ હોવાનું સત્તાધીશો સારી રીતે જાણતા હોવા છતાં LLMમાં પ્રોવિઝનલ પ્રવેશ આપી દેવાયા હતા. પછી એકાએક પ્રોવિઝનલ પ્રવેશ રદ કરી સુધારા સાથે કરવામાં આવ્યા હતા.

કુલ 76 પ્રશ્નમાં ભૂલ હતી, લીગલ નોટિસ મળી હતી
સેમ 5ના તમામ પેપરોની વાત કરીએ તો કુલ 76 ભૂલ હોવાની વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી. વકીલની નોટિસ પણ અપાતાં યુનિ.એ ભૂલ સ્વિકારી 35 માર્કસ આપવાનું નક્કી કર્યું હતું.

‘પ્રોફેસર વિમલ પંડ્યા સામે કાર્યવાહી કરો’
સેનેટ સભ્ય ભાવેશ રબારીએ જણાવ્યું કે, આ પેપરો વિભાગના ડીન પ્રોફેસર વિમલ પંડ્યાએ કાઢ્યા હતા. 1200થી વધુ માર્કશીટ બદલવાનો બનાવ યુનિવર્સિટીના ઇતિહાસમાં ગંભીર છે. ત્યારે આ પ્રોફેસરને બચાવવાને બદલે વિદ્યાર્થીના કેરિયાર સાથે મજાક કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...