રૂ.10ના પોપ-પોપએ જીવ લીધો:સુરતમાં 3 વર્ષનું બાળક પોપ-પોપ ગળી ગયું, ભારે ઝાડા-ઊલટી બાદ હોસ્પિટલે લઈ ગયા તો મૃત જાહેર કરાયું

સુરતએક મહિનો પહેલા
બાળક પહેલા ફટાકડા ગળી ગયું, ઝાડા-ઊલટી થયા બાદ તેનું મોત થયું હતું.
  • 24 કલાક બીમાર રહ્યા બાદ બાળકને ઝાડા-ઊલટી થયા હતા

દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાનું બાળકોમાં ઘેલું હોય છે. દરેક બાળકને મા-બાપ ફટાકડા પણ અપાવતા હોય છે, પરંતુ તેઓ એ ફટાકડાં સાથે શું કરે છે એ જોવાનું ચૂકી જતાં તમામ મા-બાપની આંખો ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડિંડોલીમાં 3 વર્ષના બાળક માટે તેના પિતા ફટાકડા લઈ આવેલાં. બાળક નાનું હોવાથી ફેંકે અને ફૂટે એવા પોપ-પોપ સુથારી કામ કરતા મૂળ બિહારના વતની એવા પિતા દુકાનથી લાવ્યા બાદ ઘરે મૂક્યા હતા. જોકે બાદમાં એ ફટાકડા ફોડવાની જગ્યાએ બાળક ગળી ગયું હોય એમ બીમાર પડ્યું અને દવા લીધા બાદ પણ સારું ન થયું, પરંતુ ઝાડા-ઊલટીમાં પોપ-પોપ ફટાકડા નીકળ્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયું હતું, જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું તેમજ ફટાકડાં બાળક ખાઈ જવા બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, સાથે જ તબીબોએ તમામ વાલીઓએ દિવાળીના ફટાકડા ફોડતી વખતે જાગ્રત રહેવા અપીલ કરી હતી.

બાળકના મોતને લઈને પરિવારે શોક વ્યક્ત કર્યો હતો.
બાળકના મોતને લઈને પરિવારે શોક વ્યક્ત કર્યો હતો.

24 કલાક બીમાર રહ્યા બાદ ઝાડા-ઊલટી થયેલા
રાજ શર્માએ જણાવ્યું હતું કે 8 મહિના પહેલાં જ બિહારથી સુરત આવ્યો હતો. સુથારકામ કરી પત્ની 3 વર્ષનો મોટો પુત્ર શૌર્ય અને 2 વર્ષની દીકરીનું ગુજરાન ચલાવી રહ્યો હતો. 24 કલાકથી અચાનક બીમાર પડેલા માસૂમ પુત્રને લઈ તેઓ ચિંતિત હતા. નજીકના ડૉક્ટરની સારવાર દરમિયાન ઝાડા બાદ અચાનક ઊલટી શરૂ થતાં આશ્ચર્યમાં પડી ગયા હતા. એમાં આજે સવારે ઊલટીમાં ફટાકડાના પોપ-પોપ નીકળતાં પત્ની અંજલી ચોંકી ગઈ હતી.

પોપ-પોપવાળી ઊલટી જોઈ ડોક્ટરને જાણ કરી
બસ, મળસ્કે દીકરાની પોપ-પોપવાળી ઊલટી જોઈ ડૉક્ટરને ફોન કર્યો હતો. સ્થાનિક ડોક્ટરના ક્લિનિકમાં બોટલ ચઢાવ્યા બાદ ડોક્ટરોએ તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ લઈ જ્વાનું કહેતાં અમે અહીં આવ્યા હતા, જ્યાં માસૂમ શૌર્યને મૃત જાહેર કરાયો હતો. ખબર નથી પડતી મૃત્યુનું શું કારણ હશે.. હાલ પોલીસની રાહ જોઈ રહ્યા હોવાનું વધુમાં મૃતકના પિતાએ જણાવ્યું હતું.

બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા બાદ મૃત જાહેર કર્યો હતો.(તસવીર વિચલિત કરી શકે છે.)
બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા બાદ મૃત જાહેર કર્યો હતો.(તસવીર વિચલિત કરી શકે છે.)

પીએમ નથી કરાવવું-પરિવાર
સંબંધીઓએ જણાવ્યું હતું કે સાહેબ પોસ્ટમોર્ટમ નથી કરાવવું, ફટાકડા ખાઈ જતાં કોઈએ જોયું નથી, પણ ઊલટી થયા બાદ ફટાકડા (પોપ-પોપ) માતાએ જોયા છે. બીજું કે BHMS ડોક્ટરે બોટલ ચઢાવ્યા બાદ દીકરાની તબિયત બગડી હતી. એટલે સિવિલ લઈ આવ્યા હતાં, જ્યાં શૌર્યને મૃત જાહેર કરાયો છે. ખબર એ નથી પડતી કે મૃત્યુનું કારણ શું છે. પોસ્ટમોર્ટમ ન થાય એ માટે પોલીસને પણ વિનંતી કરી છે, પણ કોઈ સાંભળતું જ નથી.

વધુ પડતો દારૂગોળો શરીરમાં જાય તો મૃત્યુનું કારણ બની શકે
લક્ષમણ તહેલાની (પોસ્ટ મોર્ટમ કરનાર તબીબ) એ જણાવ્યું હતું કે વધુ પડતો દારૂગોળો શરીરમાં જાય તો મૃત્યુનું કારણ બની શકે છે. પણ ઝાડા અને ઊલટી તો થાય છે. માસુમના કેસમાં કેમિકલ અને પેથોલોજીમાં સેમ્પલ મોકલ્યા છે અને મૃત્યુનું કારણ પેન્ડિંગ રાખ્યું છે. હા ખૂબ જ ગંભીર બાબત છે દિવાળોનો સમય છે બાળકોથી ફટાકડા દૂર રાખવા જોઈએ હું તો આજ સલાહ આપીશ.

પોપ-પોપ ફટાકડા ઝાડા-ઊલટીમાં નીકળ્યા હોવાની વાતે તબીબો ચોંકી ગયા હતા .
પોપ-પોપ ફટાકડા ઝાડા-ઊલટીમાં નીકળ્યા હોવાની વાતે તબીબો ચોંકી ગયા હતા .

પોપ-પોપ ફટાકડાને સળગાવવા પડતા નથી
ફટાકડાની અવનવી વરાઇટીઓમાં સાવ નાનાં બાળકો માટે પોપ-પોપ ફટાકડા ભારે ડિમાન્ડમાં રહે છે. પોપ-પોપ ફટાકડા મોટા ચણાના દાણા જેવડી સાઈઝના હોય છે. કાગળની પોટલી જેવા ફટાકડામાં રેતી અને દારૂનું મિશ્રણ કરેલું હોય છે, જે ફેંકતાં જ જમીન કે દીવાલ સાથે અથડાતાં જ ફૂટે છે. સામાન્ય અવાજ આપતાં આ પોપ-પોપ ફટાકડાના એક પેકેટની કિંમત 5થી 10 રૂપિયા સાઈઝ પ્રમાણે હોય છે.

શૌર્ય રાજ શર્મા
શૌર્ય રાજ શર્મા

સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયાં છે: તબીબ
તબીબે જણાવ્યું કે બાળકના પોસ્ટમોર્ટમમાં ફટાકડાના કારણે શરીરમાં કોઈ નુકસાન થયું હોય તે તેના કારણે મોત નિપજ્યું હોય તેવા હાલ સ્પષ્ટ ચિન્હ જણાતા નથી. બાળકને ઝાડા ઊલટી થતા મોત થયું હોય શકે થે. છતાં હાલ સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ બાળકના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

પાંડેસરામાં બે દિવસ તાવ આવી બેભાન થઈ ગયેલા યુવકનું મોત
પાંડેસરામાં જ બે દિવસથી તાવમાં સપડાયેલા યુવકનું બુધવારે મોત નિપજ્યું હતું પાંડેસરા બેંક ઓફ બરોડા પાછળ જલારામ નગર ઉમિયાધામ સોસાયટી ખાતે રહેતા અરવિંદભાઈ રાધેશ્યામ મિશ્રા (૩૨)ને 1 નવેમ્બરના રોજ તાવ આવ્યો હતો. તાવ આવ્યા બાદ તેઓ બીજા દિવસે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જોકે મંગળવારે સાંજે તેમની તબિયત વધુ લથડતા તેઓ બેભાન થઈ ગયા હતા.

જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને અરવિંદભાઈના મોતનું સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી.