લૂંટનાં દૃશ્યો CCTVમાં કેદ:સુરતમાં ATMમાં રૂપિયા જમા કરાવવા આવેલા યુવકને ચપ્પુ બતાવી 3 લૂંટારાએ 1.92 લાખની લૂંટ ચલાવી

સુરત19 દિવસ પહેલા
ધારદાર ચપ્પુ જેવા હથિયારથી ડરાવીને લૂંટ ચલાવાઈ હતી.
  • ક્લેક્શનના રૂપિયા ભરવા ગયેલા યુવકને લૂંટી લઈ 3 ફરાર

સુરતમાં લૂંટારાઓ જાણે બેખૌફ થઈ ગયા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં યુવક વરાછા કો-ઓપરેટિવ બેંકના ATMમાં રૂપિયા જમા કરાવવા માટે ગયો હતો. એ દરમિયાન ત્રણ શખસ ATMમાં પ્રવેશ કરીને જ્યારે યુવક પૈસા ભરી રહ્યો હતો ત્યારે તેની આસપાસ ગોઠવાઈ જઈને ચપ્પુ જેવું તીક્ષ્ણ હથિયાર બતાવીને લૂંટ ચલાવી હતી. ચહેરા પર માસ્ક અને રૂમાલ બાંધીને આવેલા લૂંટારાઓના ચહેરાથી યુવક તેમને ઓળખી શક્યો નહોતો. જોકે લૂંટારાઓએ ચલાવેલી લૂંટ CCTVમાં કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રોકડ રકમ મોબાઇલ સહિતની વસ્તુઓ લૂંટી લૂંટારા ફરાર થઈ ગયા હતા.
રોકડ રકમ મોબાઇલ સહિતની વસ્તુઓ લૂંટી લૂંટારા ફરાર થઈ ગયા હતા.

પીછો કરીને ATMમાં આવ્યા
સચિન જીઆઇડીસી વિસ્તારમાં ગઇકાલ રાતે 9:50 વાગે ચંદનકુમાર શ્યામદેવપ્રસાદ ચૌરસિયા (ઉં.વ.27) વરાછા કો-ઓપરેટિવ બેન્કના ATM સેન્ટરમાં પ્રવેશે છે. બેગમાં રૂપિયા ભરીને ATMમાં પ્રવેશ કરતાંની સાથે અન્ય ત્રણ ઈસમ જાણે તેનો પીછો કરતા હોય અને બેગમાં રકમ મોટી છે એ પ્રકારની માહિતી હોય એ રીતે અંદર પ્રવેશે છે. યુવક જ્યારે ATM તરફ મોં રાખીને ઊભો રહ્યો ત્યારે તેની પાછળ ત્રણ ઈસમ આવીને ઊભા રહી જાય છે. યુવકની પાછળ યુવકો ઊભા રહેતાં તેનો અંદાજ આવી ગયો હતો કે તેઓ બદઇરાદાથી ATM કેબિનમાં પ્રવેશ્યા છે. યુવક પોતાનો બચાવ કરે એ પહેલાં જ તેમનામાંથી એકે તીક્ષણ હથિયાર કાઢીને તેની બેગમાં રહેલી રોકડ રકમ લૂંટી લઇ તેઓ ફરાર થઈ ગયા હતા.

પોલીસે બેંકના ATMના CCTVના આધારે તપાસ હાથ ધરી છે.
પોલીસે બેંકના ATMના CCTVના આધારે તપાસ હાથ ધરી છે.

CCTVના આધારે તપાસ
લૂંટની જે ઘટના બની છે એના સીસીટીવી સામે આવ્યા બાદ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોઇ જાણભેદુ દ્વારા જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. યુવક પાસે મોટા પ્રમાણમાં રકમ છે એ બાબતની તેમને જાણ હોઈ શકે છે. હાલ CCTVના આધારે સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા ગુનો નોંધી લૂંટારાઓનું પગેરું મેળવવા માટેના પ્રયાસો શરૂ કરાઈ રહ્યા છે.

ATMમાં મદદના બહાને ઠગનારો ઝડપાયો
ATMમાં પૈસા ઉપાડવા જતી મહિલાઓ, સીનીયર સિટીઝનોને મદદ કરવાના બહાને ટાર્ગેટ કરતી ટોળકીના ચીટરને ડિંડોલી પોલીસે પકડી પાડયો છે. આરોપીનું નામ અબ્દુલ હફીક સમસાદખાન(30) છે અને તે નવી મુંબઈમાં એરોલીમાં રહે છે તેની પાસેથી 24 ATM કાર્ડ, મોબાઇલ અને રોકડ કબજે કરી હતી. 23મી એપ્રિલે નવાગામના એસબીઆઈના ATMમાંથી મદદના બહાને 2 શખ્સોએ કાર્ડ બદલી 5 હજારની રકમ ઉપાડ્યા હતા. ડિંડોલી, કાંદીવલી પોલીસના 2 ગુના ઉકેલાયા છે. ચીટરે મુંબઈ-3, નાસીક, પાંડેસરા, સચીન પોલીસમાં 6 ગુનાઓ કર્યાની કબૂલાત કરી છે.