ગૌરવ:ગુજરાતની રણજી ક્રિકેટ ટીમમાં સુરતના 3 ખેલાડીઓની પસંદગી, કેપ્ટન તરીકે ભાર્ગવ મેરાઈ સુકાન સંભાળશે

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેલાડીઓની રણજી ટ્રોફી ટુર્નામેન્ટ માટે પસંદગી થઇ છે - Divya Bhaskar
ખેલાડીઓની રણજી ટ્રોફી ટુર્નામેન્ટ માટે પસંદગી થઇ છે
  • ચોથીવાર સુરતથી રણજી ટીમને સુકાની મળ્યો

સુરતમાં 25 વર્ષના લાંબા અંતરાલ પછી ગુજરાતની રણજી ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના મિડલ ઓર્ડર બેટ્સમેન ભાર્ગવ મેરાઇની વરણી કરવામાં આવી છે. તેમની સાથે એસ.ડી.સી.એ.ના મેહુલ પટેલ (પેસ બોલર) અને પાર્થ વાઘાણી (પેસ બોલર)ની ગુજરાત ક્રિકેટ ટીમમાં બી.સી. સી.આઈ. દ્વારા આયોજિત રણજી ટ્રોફી ટુર્નામેન્ટ માટે પસંદગી થઇ છે. આ ટુર્નામેન્ટ તા.13 જાન્યુઆરી 2022થી મુંબઈ મુકામે રમાશે.

ચોથો સુકાની બનશે
ગુજરાત રણજી ટ્રોફી ટીમના સુકાની પદે નિયુક્ત થનાર ભાર્ગવ મેરાઇ સુરત તરફથી રમનાર ચોથો સુકાની બનશે. આ પહેલાં સ્વ. અંબુભાઈ પટેલ, ધનસુખ પટેલ અને નિસર્ગ પટેલ ગુજરાતની રણજી ટ્રોફી ટીમનું સુકાન સંભાળી ચૂક્યા છે. ભાર્ગવ મેરાઇ ગુજરાત માટે 63 રણજી ટ્રોફી, 41 વન-ડે, 6 ટી-20, મેહુલ પટેલ 18 રણજી ટ્રોફી, 16 વન-ડે, 16 ટી-20 મેચ રમી ચૂક્યો છે. તેમજ પાર્થ વાઘાણીનો બીજી વખત ગુજરાતની રણજી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભાર્ગવ મેરાઇની આ ટ્રોફીમાં ઇન્ડિયા-એ ટીમમાં પસંદગી થઇ હતી. ગુજરાતની ટીમ વતી બી.સી.સી.આઈ. દ્વારા આયોજિત જુદી જુદી ટુર્નામેન્ટમાં છ વખત વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યો છે. તેમાં અંડર-19 વીનુ માંકડમાં વર્ષ-2009 અને 2010, કૂચ બિહાર ટ્રોફીમાં વર્ષ-2010 અને 2012, સૈયદ મુસ્તાક અલી વર્ષ-2015, વિજય હઝારે ટ્રોફી વર્ષ-2016 અને રણજી ટ્રોફી વર્ષ-2017ની ગુજરાતની વિજેતા ટીમમાં સામેલ હતો. ભાર્ગવ મેરાઈને વર્ષ-2010માં કૂચ બિહાર ટ્રોફીમાં ઉત્કૃષ્ટ દેખાવના આધારે બી.સી. સી.આઈ. દ્વારા “અંડર-19 બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર”થી સન્માનિત કરવામાં આવ્યો હતો.

શુભેચ્છાઓ અપાઈ
આ તમામ ખેલાડીઓ એસ.ડી. સી.એ.ના ચીફ સિલેક્ટર મેહુલ પટેલ (સિનિયર), વિમલ પટેલ, હિરેન પટેલ, પ્રફુલ પટેલ તથા હેડ કોચ પ્રતીક પટેલ અને કોચ વિપુલ પટેલની દેખરેખ હેઠળ તાલીમ લે છે. આ ત્રણેય ખેલાડીને એસ.ડી.સી.એ.ના પ્રમુખ હેમંત કોન્ટ્રાક્ટર, કનૈયાભાઇ કોન્ટ્રાક્ટર, એસ.એ.રાવલ, મંત્રી હિતેશ પટેલ (ભરથાણા), ક્રિકેટ સેક્રેટરી ડો.નૈમેષ દેસાઇ તેમજ મેનેજિંગ કમિટી સભ્યો અને ક્રિકેટ કમિટી સભ્યોએ અભિનંદન સાથે શુભેચ્છાઓ આપી હતી.