સુરતના કડોદરામાં સમ્રાટ મીલ પાછળ જાહેરમાં ત્રણ અજાણ્યા ઈસમોએ એક શ્રમજીવીને પેટ,ગરદન અને હાથ પર ચપ્પુના ઘા મારી રોકડ, મોબાઇલની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવાનને તત્કાલિક સારવાર માટે 108ની મદદથી સારવાર માટે સિવિલ લવાતા ઓપરેશનમાં લેવાની ફરજ પડી હતી. નજરે જોનાર આદિલે કહ્યું કે,500 મીટર દૂર જ ત્રણ જણા એકને ચપ્પુ મારતા જોઈ ધ્રુજારી આવી ગઈ છતાં બૂમાબૂમ કરી દોડી જતા હુમલાખોરો ભાગી ગયા હતા.
ત્રણ મહિનાથી કામે લાગ્યો હતો અમિત ઉપાધ્યાય (ઇજાગ્રસ્તના મિત્ર)એ જણાવ્યું હતું કે, રાજુભાઇ ઠુમજીભાઈ ભરવાડ (ઉ.વ. 25 (રહે. શાંતિનગર નિલમ હોટેલ પાછળ) સદા બહાર મીલમાં મજૂરી કામ કરે છે. આજે સવારે નાઈટ પાળી કરી ઘરે જતી વખતે મીલ નજીકની એક ઝૂંપડપટ્ટી બહાર ત્રણ અજાણ્યા ઈસમોએ રાજુનો ઘેરાવ કરી મારઝૂડ કરી હતી. ત્યારબાદ અચાનક ત્રણ પૈકી એક એ રાજુના પેટમાં ચપ્પુ મારતા આંતરડા બહાર લાવી દીધા હતા. ત્યારબાદ ફરી મારી નાખવાના ઇરાદે ગરદન, અને હાથ પર ઘા મારી લૂંટારૂઓ મોબાઇલ, હજાર બે હજારની રોકડની લૂંટ ચલાવી ભાગી ગયા હતા.રાજુ ત્રણ મહિનાથી જ કામે લાગ્યો હતો. મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. માતા-પિતા, પત્ની અને બાળકો વતનમાં રહે છે.
લૂંટ ચલાવાઈ
આદિલ મહમદ (નજરે જોનાર) એ જણાવ્યું હતું કે સવાર નો સમય હતો. હું મિલની પાછળ ફ્રેશ થવા ગયો હતો. અચાનક જોયું તો ત્રણ અજાણ્યા ઈસમો એક સાથે લડી રહ્યા હતા ત્યારબાદ એકના ઈશારે બીજા એ શ્રમજીવીને પેટમાં ચપ્પુ ઘુસાડી દીધું, આ જોઈ હું ચોકી ગયો, બૂમાબૂમ કરી દોડી જતા હુમલાખોર ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત કહેતો હતો મારો મોબાઈલ અને રૂપિયા લઈ ગયા, મેં તાત્કાલિક 108 અને પોલીસ ને જાણ કરી ઇજાગ્રસ્તને સારવાર માટે સુરત મોકલી આપી કામે લાગી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.