કાર્યવાહી:તબીબનો વીડિયો ફરતો કરવાની ધમકી આપીને 10 લાખ માંગનારા 3 ઝડપાયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમરોલીના ડોક્ટરે આરોપીને ફોન સેટ કરવા આપ્યો હતો
  • ક્લીનિકની નર્સના ભાઈએ વીડિયો ટ્રાન્સફર કરી લીધો હતો

અમરોલીમાં દાંતના ડોકટરને તેની ગર્લફ્રેન્ડ સાથેના અંગતપળોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપી 10 લાખની માંગણી કરતી ટોળકીના ત્રણને પોલીસે છટકું ગોઠવીને પકડી પાડ્યા છે. આ અંગે ડોકટરે અમરોલી ચાર રસ્તા પાસે છટકું ગોઠવી એકને પકડી લીધો હતો. અમરોલીના 44 વર્ષના દાંતના ડોક્ટર અરુણને તેની ગર્લફેન્ડ સાથેના અંગતપળોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી 10 લાખની માંગણી કરાતા તેણે અમરોલી પોલીસમાં ફરિયાદ કરી હતી.

પોલીસે છટકું ગોઠવી આરોપી દીપકની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં અન્ય બે જણાના નામો સામે આવ્યા હતા. અરૂણની ક્લીનિકમાં નોકરી કરતી નર્સનો ભાઈ હર્ષ વઘાસીયા આ કેસનો મુખ્ય સૂત્રધાર છે. એક વર્ષ પહેલા ડોક્ટરે તેના ક્લીનિકમાં નર્સના ભાઈને મોબાઇલમાં સેટિંગ કરવા આપ્યો હતો. ત્યારે તેણે ડોક્ટરના મોબાઇલમાંથી ગર્લફ્રેન્ડ સાથેનો અંગતપળોનો વિડીયો પોતાના મોબાઇલમાં લઈ લીધો હતો. આ વીડિયોના આધારે આરોપી હર્ષ વઘાસીયા અને તેના બે મિત્રોએ 10 લાખની રકમ પડાવવા ડોક્ટરને બ્લેકમેલ કરતા હતા.

પહેલા આરોપીઓએ ડોકટરને તેની અંગતપળોનો વિડીયો વોટસએપ કર્યો હતો અને પછી કોલ કરી તેને બ્લેકમેલ કરવા લાગ્યા હતા. આ ગુનામાં અમરોલી પોલીસે ડોકટરની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે નર્સનો ભાઈ હર્ષ ઉર્ફે સોસો રમેશ વઘાસીયા(19)(રહે,સંતકૃપા સોસા,હીરાબાગ,વરાછા), દિનેશ વિક્રમ મેર (29)(રહે,ઈન્દિરાનગર,કાપોદ્રા) અને દીપક રણછોડ ભરીયાદરા (19)(રહે,ભરવાડ ફળિયું,કાપોદ્રા)ની ધરપકડ કરી છે. ત્રણેય આરોપી રત્નકલાકાર છે અને મિત્રો છે.

અન્ય સમાચારો પણ છે...