પાંડેસરા ડી-માર્ટ પાસે ચાલુ ટેમ્પામાં એક બદમાશે સવા બે લાખની રોકડની બેગ છીનવીને તેના 2 સાગરિતો સાથે બાઇક પર ભાગી ગયો હતો. આ બનાવમાં પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકમાં જ ત્રણેય બદમાશોને પકડી પાડયા છે.
લાલગેટ રાણીતળાવ ખાતે સનાબિલ એપાર્ટમેન્ટમાં રહેતા નઇમભાઈ અ.રસીદ કાગઝી ચોકલેટ, સિગારેટ અને બિસ્કિટના ડિસ્ટ્રીબ્યુટરની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરે છે. 8મી તારીખે ઓફિસમાંથી 5 લાખનો સામાન ટેમ્પામાં ભરી ચાલક હુસેન અને ડિલીવરીમેન મુહમ્મદ આરીફ મનસુરી પાંડેસરા અને ભટારમાં સામાન ડિલિવરી કરવા નીકળ્યા હતા.
ડિલીવરીમેને માલની રોકડ 2.16 લાખ બેગમાં મુકી હતી. પછી ડિલીવરીમેને આ બેગ ટેમ્પામાં પાછળ મુકી આગળ ચાલક સાથે બેસી ઓફિસે જતા હતા. રસ્તામાં એક બદમાશે ચાલુ ટેમ્પામાં ચઢી પાછળ મુકેલી રોકડની બેગ તફડાવી તેના અન્ય બે સાગરિતો સાથે બાઇક ભાગી ગયો હતો.
બીજા ચાલકે બુમ પાડતા ચોરી થયાની ખબર પડી
ડી માર્ટ પાસે ટેમ્પોચાલકને બૂમ પાડી અન્ય ટેમ્પા ચાલકે ટેમ્પામાંથી કોઈ વસ્તુ ચોરી કરતો હોવાની કહ્યું હતું. આથી ચાલકે ટેમ્પો ઊભો રાખતા અંદર ચોરી કરવા ઘુસેલો ચોર ત્યાંથી બેગ લઈ ભાગી નીકળ્યો હતો. પાંડેસરા પોલીસે ે આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. સીસીટીવી કેમેરાના આધારે પોલીસ આરોપીના ઘર સુધી પહોંચી હતી. હાલમાં પાંડેસરા પોલીસે ત્રણેય બદમાશોને પકડી પાડી રોકડ રકમ કબજે કરી લીધી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.