અકસ્માત:જોળવામાં ફ્લેટ જોઈને પરત થતા ડિંડોલીના 3ને ડમ્પરે ઉડાવ્યા, માતા-3 વર્ષના પુત્રનું મોત

પલસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાતીથૈયા પાસે હાઇવે પર અકસ્માત સર્જી ડમ્પરચાલક ભાગી છૂટ્યો, ગુનો દાખલ
  • મહિલા અને તેનો ભાઈ બાઇક પર જતા હતા ત્યારે ડમ્પર બેફામ ધસી આવ્યું

ડિંડોલીમાં રહેતા એક પરિવારે થોડા દિવસ અગાઉ જોળવા ખાતે ફ્લેટ ખરીદ્યો હતો. આ ફ્લેટને જોવા રવિવારે યુવક, તેની બહેન અને 3 વર્ષીય ભાણેજ સાથે બાઇક પર જોળવા આવ્યો હતો. મોટરસાઇકલ પર પરત ફરતી વખતે તાંતીથૈયા ગામની સીમમાં હાઇવે પર મોટરસાઇકલને પાછળથી ડમ્પરે અડફેટે લેતા મોટરસાઇકલ પર સવાર માતા-પુત્રનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ચાલકને સામાન્ય ઇજાઓ થઈ હતી.

ડિંડોલીમાં આવેલ આંગન રેસિડેન્સીમાં રહેતા રોહિત મિશ્રાએ પલસાણા તાલુકના જોળવા ગામ ખાતે બંસીપાર્ક સોસાયટીમાં ફ્લેટ ખરીદ્યો હતો. રવિવારના રોજ રોહિત મિશ્રાનો સાળો વિનય તિવારી બાઇક પર બહેન મનીષા રોહિત મિશ્રા (25) અને ત્રણ વર્ષીય ભાણેજ વિવાનને લઈ જોળવા ખાતે ફ્લેટ જોવા આવ્યા હતા. બપોરે 2: 30 વાગ્યે પોતાના ઘરે પરત ફરતી વખતે તાંતીથૈયા ગામની સીમમાં બારડોલી- કડોદરા રોડ પર શિવદયા વે બ્રિજની સામેની બાજુએ બારડોલી તરફથી બેફામ દોડી આવતા અજાણ્યા ડમ્પરના ચાલકે મોટરસાઇકલને પાછળથી ટક્કર મારી હતી. ગમખ્વાર અકસ્માત સર્જી ડમ્પર લઈ તેનો ચાલક ભાગી છૂટ્યો હતો. બનાવને પગલે મૃતકના ભાઇ વિનય તિવારીએ કડોદરા પોલીસ મથકમાં અજાણ્યા ડમ્પરચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો છે.

ભાઇ ફેંકાઈ ગયો, માતા-પુત્ર રોડ પર પટકાયા
અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક વિનય તિવારી રોડની બાજુમાં ફેંકાઈ ગયો હતો. જ્યારે મોટરસાઇકલ પર જતા મનીષા મિશ્રા અને તેની સાથે રહેલો 3 વર્ષીય બાળક વિવાન રોડ પર પટકાતાં શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. માતા-પુત્ર બન્નેને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે બન્ને માતા-પુત્રને મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...