તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લંડનની યુવતી બાદ નાનપુરાના હીરાવેપારી અને ઘોડદોડ રોડનો યુવક કોરોના પોઝિટિવ, નવા ચાર શંકાસ્પદ દાખલ

સુરતએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોરોનાના નવા શંકાસ્પદ દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે.તપાસ માટે સિવિલમાં લોકોએ લાઈન લગાવી છે. - Divya Bhaskar
કોરોનાના નવા શંકાસ્પદ દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે.તપાસ માટે સિવિલમાં લોકોએ લાઈન લગાવી છે.
 • સ્લોવેસ્કીયાથી આવેલા અઠવાના યુવક, ઈન્ડોનેશિયાથી આવેલી મહિલા સાથે અન્ય એક દાખલ
 • બે યુવકોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ડિસ્ચાર્જ કરાયા, તપાસ કરાવનારની સંખ્યા વધી
 • શ્રીલંકાથી વાયા દુબઈ થઈ આવેલો યુવક અને દિલ્હી-જયપુર ફરી આવેલા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
 • કેસ વધતા લોકોમાં સર્તકતા પણ વધી

સુરતઃ સમગ્ર વિશ્વમાં  હાહાકાર મચાવી રહેલા કોરોનાના શહેરમાં વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા છે. શ્રીલંકા થી વાયા દુબઈ થઈ આવેલા યુવકનો અને દિલ્હીથી જયપુર  ફરીને પરત આવેલા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે શહેરમાં વધુ 4 શંકાસ્પદ કેસો પણ સામે આવ્યા છે. જેના પગલે લોકોમાં સર્તકતા વધી ગઈ છે. સમગ્ર વિશ્વમાં કોહરામ મચાવી રહેલા કોરોનાએ ધીમે ધીમે શહેરમાં પણ અજગરી ભરડો કસવાનું શરૂ કર્યુ છે. શહેરમાં પણ હવે એક પછી એક પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે.

વધુ 4 શંકાસ્પદ કેસ નોંધાયા
પાર્લેપોઈન્ટ વિસ્તારમાં રહેતી યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શનિવારે વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે. ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા અને શ્રીલંકાથી વાયા દુબઈ થઈ ભારત પરત આવ્યા બાદ શંકાસ્પદ લક્ષણો જણાતા ગઈ તા.19મીથી સિવિલમાં દાખલ યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે થોડા દિવસ પહેલા જ દિલ્હી અને જયપુરનો પ્રવાસ કરી ગઈ તા.17મીએ સુરત પરત આવેલા નાનપુરાના 67 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે શહેરમાં વધુ ચાર કેસ શંકાસ્પદ નોંધાયા છે. જેમાં દ્વારકાનો પ્રવાસ કરી પરત ફરેલા વરાછાના 65 વર્ષીય વૃદ્ધામાં શંકાસ્પદ લક્ષણો જણાતા શુક્રવારે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે.

9 દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ
સાઉથ ઈસ્ટ ઝોન વિસ્તારમાં રહેતી 58 વર્ષીય વૃદ્ધામાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેને પણ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. તેવી જ રીતે વેસ્ટ ઝોન વિસ્તારમાં રહેતા અને દુબઈનો પ્રવાસ કરી પરત આવેલી 32 વર્ષીય મહિલાને શંકાસ્પદ લક્ષણો જણાતા સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ છે. જ્યારે વેસ્ટ ઝોન વિસ્તારમાં જ રહેતી 31 વર્ષીય મહિલા જેના પતિ દુબઈથી હાલમાં જ પરત ફર્યા હતા તેને શંકાસ્પદ લક્ષણો જણાતા તેને પણ સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ છે. આ સાથે શહેરમાં કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે શંકાસ્પદ દર્દીઓ પૈકીના 11નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હાલ 9 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ છે. જેની રાહ જોવાઈ રહી છે. 

સંકલન માટે 9 અધિકારીઓ નોડલ ઓફિસર તરીકે નિમાયા
કોરોના વાયરસ અંગેની હાલના સંજોગો વિપરિત થઈ રહ્યાં છે. વધુને વધુ શંકાસ્પદ કેસો સાથે 3 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે ત્યારે આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે ત્યારે પાલિકા કમિશનરે પણ કોરોના બાબતે કામગીરી સુવ્યવસ્થિત રીતે ચાલે અને ખાસ કરીને સંકલન જળવાઈ રહે તે માટે ચાર ડેપ્યુટી કમિશ્નરો અને બે ઇન્ચાર્જ ડે.કમીશનર, એડીશનલ સિટી ઈજનેર અને ચીફ સિક્યુરિટી ઓફિસર, નાયબ આરોગ્ય અધિકારી મળી 9 અધિકારીઓને નોડલ ઓફીસર તરીકે કામગીરી સોંપતો આદેશ કર્યો છે. તેમજ આ નોડલ ઓફિસરોએ દરરોજ સાંજે 6 કલાકે સમીક્ષા બેઠકમાં કામગીરીનો અહેવાલ રજુ કરવાનો રહેશે.

નવ અધિકારીઓને આ કામગીરી સોંપવામાં આવી 

 1. ડો.આશિષ નાયક (ડે.કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ) - કોરોના શંકાસ્પદ તેમજ આવનાર પોઝિટિવ કેસના કોન્ટેક્ટનું ફોલોઅપ
 2. સી.વાય.ભટ્ટ, (ડે. કમિશનર) - કોવિડ19 અન્વયે કમિશનરની મદદમાં તથા સંકલન
 3. કેતન પટેલ (ડે. કમિશનર) - રિસોર્સ એન્ડ મટીરીયલ મેનેજમેન્ટ
 4. રાજેશ પંડ્યા (ડે.કમિશનર) - ક્વોરોન્ટાઈન ફેસીલીટી આઈસોલેશન ફેસીલીટી તેમજ હોસ્પિટલની સ્વચ્છતાની કામગીરી
 5. ડી.સી.ગાંધી (એડી.સિટી ઈજનેર) - એરપોર્ટ પર પેસેન્જરનું સ્ક્રીનીંગ અને ક્વોરેન્ટાઈનની કામગીરીનું જિલ્લા સાથે સંકલન {કમલેશ નાયક (ઈ.ચા.ડે. કમિ.) - રિપોર્ટ
 6. જનરેશન, મીડિયા હેન્ડલિંગ
 7. ગાયત્રી જરીવાલા (ઈ.ચા.ડે. કમિ.) - પબ્લિક અને પ્રાયવેટ સેક્ટર હોસ્પિટલમાં પ્રી-એક્ટીવ સર્વેલન્સ અને આઈડીએસપી મોનીટરીંગ
 8. જાગૃત નાયક (ચીફ સિક્યુરીટી ઓફિસર) - પોલીસ વિભાગ સાથે સંકલન
 9. ડો.પ્રકાશ પટેલ (નાયબ આરોગ્ય અધિકારી) - ઈમ્પ્લીમેન્ટેશન ઓફ હોમ ક્વોરોન્ટાઈન

સુરત શહેર-જિલ્લામાં 2800 લોકો કવોરેન્ટાઇન હેઠળ છે
કોરોનાના વાઇરસ ન ફેલાઇ એ માટે જિલ્લા તંત્ર વિદેશથી આવતા નાગરિકો પર ચાંપતી નજર રાખીને બેઠું છે. હાલ સુધી આ વિદેશથી સુરત શહેર અને જિલ્લામાં આવેલા 2800 જેટલા લોકોને હજુ કવોરેન્ટાઇન કામગીરી કરવામાં આવી રહી છે. માર્ચ મહિના દરમિયાન વિદેશથી સુરત શહેર અને જિલ્લામાં આવેલા નાગરિકોને તેમના પાસપોર્ટ અને સરનામાના આધારે ઓળખી કાઢવામાં આ‌વ્યા છે. સુરત જિલ્લામાં 376 તથા સુરત શહેરમાં 3595 મળી કુલ 3971 લોકો વિદેશથી આવ્યા છે. જેમાંથી હાલ સુધીમાં 1100 લોકોને સ્કીંનીગ કે કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના 2800 જેટલા લોકોના સરનામા પરથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્ક્રીનીંગ અને કવોરેન્ટાઇન કરાઈ રહ્યા છે એમ શનિવારે આદિજાતિ મંત્રી ગણપત વસાવા અને આરોગ્ય મંત્રી કિશોર કાનાણી સાથે મળેલી કોરોના વાઈરસની તકેદારી અંગે મળેલી બેઠકમાં જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે જણાવ્યું હતું. આ બેઠકમાં શહેરમાં સોસાયટીના પ્રમુખ,મહામંત્રી તેમજ ગામના સરપંચ અને તલાટીને પોતાના વિસ્તારમાં વિદેશથી આવનારા નાગરિકોની માહિતી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

મનપાએ શાકભાજી-ફળોની ફ્રી હોમ ડિલિવરી સેવા શરૂ કરી 
એપીએમસી માર્કેટ સાથે સંકલન સાધી શાકભાજી, ફળફળાદીની ફ્રી હોમ ડિલિવરી સેવા શરૂ કરાવી છે. કોરોના ફેલાતો અટકાવવાે ‘સોશ્યલ ડિસ્ટન્સ’ જળવાય તે માટે મહાપાલિકાએ સહારા દરવાજા, સુરત- બારડોલી રોડ પર આવેલા કૃષિબજાર, એપીએમસી માર્કેટ મારફત શાકભાજી, અનાજ, કઠોળની ફ્રી હોમ ડીલીવરી સેવા આપવા તૈયારી કરી દીધી છે. મનપાએ લોકો માટે બે ફોન નંબરો-0261 2490170, 2490171 પણ જાહેર કરી દીધા છે. આ નંબર પર સંપર્ક કરવાથી જીવનજરૂરી ચીજવસ્તુઓ ઘર બેઠા મળી શકશે તેમ ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે જણાવ્યું છે.

બિન આવશ્યક સેવા બંધ કરવા કમિશનરનો આદેશ, શરદીના દર્દી માટે ડોર ટુ ડોર મેડિકલ ટીમ
કોરોના વાયરસ જે રીતે પ્રસરી રહ્યો છે ત્યારે ભયાનક સ્થિતિ નિર્માણ નહીં થાય તે માટે વધુ લોકો એકત્રીત થતાં હોય તેવા સ્થાનોને પાલિકા કમિશનરે બંધ રાખવા આદેશ કર્યો હતો. જેમાં, શહેરના તમામ હોટેલ, રેસ્ટોરંટો, ખાણીપીણીના સ્ટોલને બંધ રાખવાના હતાં પરંતુ દિવ્ય ભાસ્કરે તપાસ કરતાં કતારગામ, ચોક, ભાગળ, રાંદેર, વરાછા સહિતના વિસ્તારોમાં ઘણી ખરી રેસ્ટોરંટો, હોટલો, ચા-નાસ્તા સ્ટોલ ચાલુ જ રહી હોવાનું જણાયું છે. જ્યારે અઠવા-વેસુ વિસ્તારમાં ઘણી હોટલો બંધ રહી છે. પાલિકા કમિશનરે પણ બિન-આવશ્યક સેવાઓ બંધ કરવા માટે આદેશ કર્યો છે. માત્ર કરિયાણાની દુકાન, શાકભાજી સ્ટોર્સ, ફળોના સ્ટોર્સ અને દવાઓના સ્ટોર્સ જ ચાલુ રાખી શકાશે પરંતુ બાકીના બિનઆવશ્યક દૂકાનો, સ્ટોર્સોને બંધ રાખવાના રહેશે. કતારગામ વિસ્તારમાં આવેલી કુબેરનગર હાટ બજાર ધમધમતી રહી છે. ત્યાના મસાલા ભંડારમાં તો લાંબી લાઈનો લાગી હતી. કતારગામ મેઈન રોડ પર શ્રી જી આલુપુરી નામનો સ્ટોર પર ભીડ હતી.  શહેરના તમામ ઝોન વિસ્તારોમાં પાલિકાના આરોગ્ય વિભાગના પેરા મેડિકલ સ્ટાફ સહિતની ટીમને ઉતારવામાં આવી છે. આ ટીમ ડોર ટુ ડોર ફરી સરવે કરી રહી છે. તાવ, શરદી, ખાંસીના લક્ષણો ધરાવતાં દર્દીની વિગતો નોંધીને માર્ગદર્શન અપાશે.

એરપોર્ટ પર શનિવારે 1000થી વધુ પેસેન્જર્સોનું થર્મલ સ્ક્રિનિંગ, 10ને હોમ ક્વોરન્ટાઈનની સૂચના અપાઈ
કોરોનાને પગલે પાલિકાનુ આરોગ્ય તંત્ર એલર્ટ પર છે. શનિવારના રોજ સુરત એરપોર્ટ ખાતે તમામ ફ્લાઈટના પેસેન્જર્સનું થર્મલ સ્ક્રીનીંગ જારી છે મોડી સાંજ સુધીમાં 1 હજારથી વધુ પેસેન્જર્સનું હેલ્થ પરિક્ષણ કરવામાં આવ્યું છે. તેમાં 4 પેસેન્જર્સ તથા વિદેશથી આવેલા 10 થી વધુ પેસેન્જર્સને હોમ ક્વોરન્ટાઈનમાં રહેવા સુચના અપાઈ હતી. અને રજીસ્ટરમાં નોંધ કરવામાં આવી છે. 

પોલીસે સ્પીકર પર જનતા કર્ફ્યુમાં સહરાક આપવા જાહેરાત કરી
રવિવારે સવારથી જનતા કરફ્યૂ છે. તેથી લોકો જનતા કરફ્યૂમાં સહકાર આપે તે માટે શનિવારે સાંજે પોલીસે જાહેરાત કરી છે. પોલીસે વધારે ભીડવાળી જગ્યાએ વેન ફેરવીને સ્પીકરથી લોકોને જનતા કર્ફ્યુ દરમિયાન બહાર નહીં નીકળવા માટે વિનંતી કરી છે.

મસ્જિદોમાં નમાઝનો સમય એક કરાયો
હાલની કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને દારૂલ ઉલુમ અશરફીયા, રાંદેર દ્વારા મસ્જિદોમાં નમાઝનો સમય એક જ રાખવા અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે શહેરમાં પાંચ ટાઇમની નમાઝનો સમય જુદો-જુદો હોય છે. આથી એક જ સમય થઈ જાય તો અલગ-અલગ જગ્યાએ મસ્જિદોમાં નમાઝીઓની હાજરી ન રહે.

અન્ય સમાચારો પણ છે...