સુરતમાં સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજથી 3 દિવસ સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન નેશનલ સમિટનો કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદિપસિંહ પૂરીએ પ્રારંભ કરાવ્યો હતો. સમિટમાં દેશના 100 શહેરના ડેલિગેટ્સ આવ્યા હતા. જ્યારે 24 સ્માર્ટ સિટીને એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ સાથે 22 પ્રોજેક્ટ એવોર્ડ મળી કુલ 51 આપવામાં આવ્યા છે. સુરતને સ્માર્ટસિટી સહિત પાંચ એવોર્ડ મળ્યા હતા. ઓવર ઓલ સિટી એવોર્ડ તરીકે સમગ્ર ભારતમાં સુરત અને ઈન્દોરની પસંદગી કરવામાં આવી છે.
આવતીકાલે એટલે કે બીજા દિવસે થીમેટીક સેશન્સ અને ત્રીજા દિવસે સુરતના વિવિધ પ્રોજેકટોની વિઝિટ કરવામાં આવશે. પ્રથમ દિવસે એવોર્ડ સેરેમનીમાં વિશેષ કામગીરી કરનારા શહેરોને સિટી એવોર્ડ, ઇનોવેટીવ એવોર્ડ અને પ્રોજેક્ટ એવોર્ડ સહિતના એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં સુરતને 5 એવોર્ડ મળ્યા હતા.
સિટી એવોર્ડ સુરત અને ઈન્દોરને ઓવરઓલ મળ્યા
સુરત પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આજે 24થી વધારે સ્માર્ટ સિટીને એવોર્ડ આપવામાં આવ્યા છે. આ સાથે 22 પ્રોજેક્ટ એવોર્ડ આપવામાં આવ્યા છે. જે સિટી એવોર્ડ આપવામાં આવ્યા છે તે સુરત અને ઈન્દોરને ઓવરઓલ મળ્યા છે. સુરતને બીજા ચાર પ્રોજેક્ટ એવોર્ડ મળ્યા છે. સુરતને કુલ પાંચ એવોર્ડ મળ્યા છે.
સ્માર્ટ સિટી યોજના એ ભવિષ્યલક્ષી યોજના
આ પ્રસંગે કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદિપસિંહ પૂરીએ જણાવ્યું કે, સ્માર્ટ સિટી યોજના એ ભવિષ્યલક્ષી યોજના છે, જેના થકી દેશમાં વિકાસસુવિધાઓ વધવાની સાથે ભાવિ જરૂરિયાતો પણ પૂર્ણ થશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટના મોનિટરીંગ માટે અતિ આવશ્યક એવા ICCC- ઈન્ટીટ્રેગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દેશના 100 શહેરો પૈકી 80 શહેરોમાં કાર્યરત થઈ ચૂક્યા છે, જ્યારે બાકી રહેલા સેન્ટરો આગામી 15 ઓગષ્ટ સુધીમાં કાર્યરત થઈ જશે.
સુરતે શહેરે સ્માર્ટ સિટી યોજના યથાર્થ રીતે લાગુ કરી
પૂરીએ સ્માર્ટ સિટી મિશન હવે 'મિશન ટુ મુવમેન્ટ' બન્યું હોવાનું જણાવતાં ઉમેર્યું કે, આ યોજના સાથે કેન્દ્ર, રાજ્ય સરકાર અને પ્રશાસનિક અધિકારીઓએ ખભેખભા મિલાવીને કાર્ય કરતાં આ યોજના સૌથી વધુ સફળ સાબિત થઈ રહી છે. સુરત મહાનગરપાલિકાને અભિનંદન આપતા મંત્રીએ જણાવ્યું કે, સુરતે શહેરે સ્માર્ટ સિટી યોજનાને જનસુખાકારીના ધ્યેય સાથે જમીન પર ઉતારીને યથાર્થ રીતે લાગુ કરી છે.
'સ્મોક ફ્રી, આલ્કોહોલ ફ્રી અને ડ્રગ્સ ફ્રી' બને તે પણ આવશ્યક
કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો વિભાગના રાજ્યમંત્રી કૌશલ કિશોરે જણાવ્યું હતું કે, દેશના સ્માર્ટ સિટીઝ 'સ્મોક ફ્રી, આલ્કોહોલ ફ્રી અને ડ્રગ્સ ફ્રી' બને તે પણ ખૂબ આવશ્યક છે. પ્રધાનમંત્રીએ સ્માર્ટ સિટી વિઝન માટે રૂ.48 હજાર કરોડની ફાળવણી કરી છે, પ્રત્યેક સ્માર્ટ સિટી માટે રૂ.500 કરોડની આવશ્યકતા રહે છે. સ્માર્ટ સિટી એવી સુવિધા ધરાવતા શહેરો જે માત્ર સુવિધાજનક જ નહીં, પણ ઈકો ફ્રેન્ડલી, રોજગારીના અવસરો પ્રદાન કરનાર અને ઈઝ ઓફ લિવિંગ વધારે તેવા હોવા જોઈએ.
ગુજરાત પેવેલિયન તૈયાર કરાયું
દેશના વિવિધ રાજ્યના મહાનગરોમાંથી આવનારા મહેમાનોને આવકારવા રાજ્યના ડેવલપમેન્ટથી વાકેફ કરાવવા ગુજરાત પેવેલિયન તૈયાર કરાયું છે. આ પેવેલિયનમાં રાજ્યની મુખ્ય ચાર મહાપાલિકા દ્વારા થયેલી વિકાસલક્ષી કામગીરીના મોડેલ રજૂ કરવામાં આવ્યા છે. સુરત મહાપાલિકા દ્વારા ડ્રીમ સિટી ગેઇટ તથા ગ્રીન ઓફિસ બિલ્ડિંગનું મોડેલ મૂકવામાં આવ્યું છે. તો, અમદાવાદ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ અને પબ્લિક સાયકલ શેરિંગ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યના પાટનગર ગાંધીનગર દ્વારા રિન્યૂએબલ એનર્જી અંતર્ગત સોલાર ટ્રીની કૃતિ રજૂ કરવામાં આવી છે.
કેટેગરીઓમાં એવોર્ડ એનાયત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.