ધરપકડ:ભેસ્તાનમાં જમીન પચાવવા મામલે નવસર્જન ટ્રસ્ટના યુસુફ પઠાણ સહિત 3ની ધરપકડ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભેસ્તાનના ઉમ્મીદનગરમાં આવેલા ચાર પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવીને પ્લોટ પર લગાવેલી પતરાની દિવાલ તોડી જમીન પચાવી પાડનાર નવસર્જન ટ્રસ્ટના પ્રમુખ યુસુફ પઠાણ તેના ભાઇ સહિત 3ની સચિન પોલીસે ધરપકડ કરી છે. માનદરવાજા ટેનામેન્ટમાં રહેતા સાજીદ શેખ અને તેની દીકરી અફસાના કટલરીનો ધંધો કરે છે. વર્ષ 2013માં સાજીદભાઇએ ભેસ્તાનના ઉમ્મીદનગર કો.ઓ.હાઉસિંગ સોસાયટીમાં પ્લોટ નં.91/એ, 92/એ તથા 131/એ અને 132વાળો પ્લોટ વેચાણથી રાખ્યા હતા. આ પ્લોટના તેમણે રૂ.7.20 લાખ પણ ચૂકવી દીધા હતા. કબજા રસીદના આધારે તે પાલિકામાં વેરો પણ ભરે છે. આ પ્લોટની ફરતે તેમણે પતરાની દિવાલ બનાવી હતી.

આ જમીન પોતાની હોવાનો દાવો કરીને નવસર્જન ટ્રસ્ટના પ્રમુખ યુસુફ રસુલખાન પઠાણ તેના ભાઇ ઇબ્રાહિમ રસુલખાન પઠાણ (રહે,તાંતવાડા, ભરવાડ ફળિયું, ગોપીપુરા) અને કલીમશા મુનાફશા (રહે,મીઠી ખાડી,લિંબાયત)એ પતરાની દિવાલ તોડીને બાંધકામ શરૂ કરી દીધું હતું. જોકે, આરટીઆઇમાં યુસુફ અને તેના સાથીઓએ બોગસ દસ્તાવેજ બનાવીને કબજો કર્યો હોવાનું જણાતા પાલિકાએ બાંધકામ બંધ કરાવી દીધું હતું. બનાવ અંગે અફસાનાએ સચિન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બોગસ દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરવાનો ગુનો નોંધી યુસુફ, ઇબ્રાહીમ અને કલીમશાની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...