સુરતના પુણા ગામ વિસ્તારમાં એમ્બ્રોઈડરીના ખાતામાં આવીને 3 બદમાશોએ ખાતેદારના પેટ પર ચપ્પુ મૂકીને 48 હજાર રૂપિયાની લૂંટ કરી હતી. પુણા પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટના આરોપીઓને ઝડપી પાડ્યા છે.
હત્યાની ધમકી આપી હતી
પોલીસે જણાવ્યું હતું કે, અમરોલીમાં રહેતા શૈલેશ રામજી ગામી એમ્બ્રોઈડરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. પુણા ગામમાં કુબેરનગરમાં માનસરોવર સ્કૂલ પાસે તેમનું ખાતું છે. શનિવારે રાત્રે બદમાશ સમીર ઉર્ફ બખૈયો, રવિ ગોહિલ અને મહેશ ઉર્ફે પપીયા આવ્યા અને શૈલેશ ગામી પાસેથી રૂ. 50 માંગ્યા હતા. શૈલેશ ગામી બદમાશોને ઓળખતા હતા તેથી રૂપિયા આપ્યા હતા. તે સમયે આરોપીઓએ શૈલેશ ગામી પાસે વધુ રૂપિયા જોઈ લેતા ત્રણેય જણાએ ફરીથી તેમના પાસે આવીને માર મારીને સમીરે મોટો છરો શૈલેશ ગામીના પેટે ચપ્પુ મૂકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે સોનુસિંગ ઠાકુરને પણ ધમકી આપી હતી.
રીઢા આરોપી ઝડપાયા
બાદ આરોપીઓ શૈલેશ પાસેથી રૂ.48 હજાર લૂંટીને નાસી ગયા હતા.શૈલેશ તત્કાલિક પુણા પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. બનાવવાળી જગ્યાએ તપાસ કરતા ત્યાં સીસીટીવી કેમેરામાં ઘટના દેખાતી હતી. ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરીયાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના ઇન્સ્પેક્ટર જે.એચ. રાજપૂતે તપાસ કરતા આરોપીઓ વિશે માહિતી મળી હતી. તેના આધારે પુણા પોલીસે આરોપીઓ મહેશ ઉર્ફ પપીયા ઉર્ફ દાઉદ દિલીપ મહાજન (રહે, પુણા ગામ), રવિકુમાર ગોહિલ(રહે, કાપોદ્રા) અને સમીર ઉર્ફ બખૈયા મનસુખ વાઘેલા(રહે, પુણા ગામ)ની ધરપકડ કરી છે. તમામ આરોપી રીઢા છે. તેમાં આરોપી સમીર ઉર્ફ બઐયા હત્યા અને લૂંટ સહિત 7 ગુનામાં સંડોવાયેલો છે. આરોપી રવિ મારામારી-ચોરીના ગુનામાં સંડોવાયેલો છે અને મહેશ મારામારી જેવા ગુનામાં સંડોવાયેલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.