વરાછામાં રહેતા હીરાવેપારીના મામાએ કેનેડામાં સોશ્યિલ મીડિયા પર એક જાહેરાત વાંચી રૂપિયામાંથી કેનેડિયન ડોલર કન્વર્ટ કરી કેનેડા મોકલવાના ચક્કરમાં એક ગઠિયાની વાતમાં આવી 29 લાખ ગુમાવ્યા છે. હીરાવેપારી અલ્પેશ ઉકાણીએ ફરિયાદ આપતાં વરાછા પોલીસે 3 ગઠિયાને પકડી 17.50 લાખ રિકવરી કર્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર કેનેડામાં છે.
આ ટોળકીએ કેનેડામાં રહેતા મૂળ મહેસાણાના એક વ્યકિતને પણ આ જ રીતે ઠગી 27.81 લાખ પડાવ્યા હતા. આરોપીમાં મયુર ઉર્ફે મોહિત કિશોર આસોદરીયા (રહે, સચિન જીઆઇડીસી), કૌશિક રામજી શેલડીયા અને તેનો કાકાનો દીકરો આશિષ લાલજી શેલડીયા (બંને રહે, સિલ્વર નેસ્ટ, કેનાલ રોડ, સરથાણા, મૂળ રહે, ગડક બરવાળા, જૂનાગઢ) છે, જ્યારે સૂત્રધાર અંકિત કિશોર ઢાકેચા (સિદ્ધપરા)(રહે, કેનેડા, મૂળ રહે, મોટી પરબડી, રાજકોટ) છે. અંકિત અને તેની પત્ની વિરુદ્ધ અગાઉ વરાછા પોલીસમાં વિદેશ મોકલવાના નામે લાખોની ચીટીંગનો ગુનો દાખલ થયો છે. બાદમાં ફરિયાદી સાથે સમાધાન થયું હતું.
વરાછામાં કોડવર્ડની નોટ લઈ 29 લાખ આપ્યા
ભારતથી કેનેડામાં રૂપિયા મોકલવા હોય તો સંપર્ક કરો, આવી કેનેડામાં હીરા વેપારીના મામાએ પોસ્ટ જોઇ અંકિત સિધ્ધપરાનો સંપર્ક કર્યો હતો. 14મી ફેબુઆરીએ હીરાવેપારી પર કૌશિક નામના વ્યકિતનો કોલ આવ્યો અને 29 લાખના કેનેડીયન ડોલર કન્વર્ટ કરી કેનેડા આપવાના છે એમ કહ્યું હતું. પછી વેપારીને પહેલા 29 લાખ લઈ સચિન જીઆઇડીસી અને કેનાલ રોડ પર બોલાવ્યો, જોકે જોખમ હોવાથી વેપારીએ જવાની ના પાડતા આખરે વરાછા મિનીબજાર ખાતે બે ગઠીયા બાઇક પર આવ્યા હતા. જેમાં કૌશિક અને તેનો કાકાનો દીકરો આશિષ 29 લાખ લઈ ચાલ્યા ગયા હતા. વેપારીના મામાએ કેનેડામાં અંકિતનો સંપર્ક કર્યો, જોકે ફોન બંધ આવતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.