ઓમિક્રોનનો પ્રકોપ:સુરતમાં આખેઆખા પરિવારને જ લીધા ઝપેટમાં, 11 દિવસમાં 29 પરિવાર કોરોનાગ્રસ્ત, 162 સભ્ય કોરોનાની 'કેદ'માં

સુરત9 દિવસ પહેલા
 • 4 જાન્યુઆરીના રોજ સૌથી વધુ 5 પરિવાર એકસાથે પોઝિટિવ આવ્યા હતા
 • મનપા કમિશનરે કહ્યું, હવેના 25 દિવસ સુરત માટે ભારે

ઓમિક્રોન વેરિયન્ટના કેસો આવ્યા બાદ સુરતમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યું છે. હવે ઓમિક્રોન દર્દીની વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તોપણ ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ સુરતમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 11 દિવસમાં જ 29 જેટલા આખેઆખા પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ પરિવારોના 162 સભ્ય કોરોનાને કારણે હોમ આઈસોલેશનમાં છે.

સુરતમાં છેલ્લા 11 દિવસમાં નોંધાયેલા કેસ
સુરતમાં જાન્યુઆરી 2022થી કેસમાં વધારો થવા લાગ્યો છે. છેલ્લા 11 દિવસમાં 11927 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે આ 11 દિવસમાં ત્રણ દર્દીઓના મોત પણ થયા છે. 1 જાન્યુઆરીએ 164 કેસ બાદ 13 ગણા વધારા સાથે ગત રોજ 2124 કેસ નોંધાયા હતા.

પાલિકા કમિશનરે કહ્યું- આગામી 25 દિવસ હાઈ રિસ્ક
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, આગામી 25 દિવસ સુરત શહેર માટે ખૂબ જ મહત્વના છે. કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર ઉભા કરવા તૈયારી થઈ રહી છે. કોમ્યુનિટી સેન્ટરના કારણે કોરોના સંક્રમણ રોકી શકાય છે. તેમજ જેને વધુ તકલીફ હોય તેને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં ખસેડી શકાય છે. કોમોર્બિડ દર્દીઓએ કોરોના સંક્રમિત ના થવાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. જેથી કરીને તેઓની તબિયત ન બગડે. અગત્યના કામ સિવાય હમણાં બહાર નીકળવું નહીં.

પાલિકા દ્વારા ઠેર-ઠેર ચેતવણીરૂપી બોર્ડ મૂકાયા છે.
પાલિકા દ્વારા ઠેર-ઠેર ચેતવણીરૂપી બોર્ડ મૂકાયા છે.

એક્ટિવ કેસમાં 4 ગણો વધારો
સુરતમાં દિવસે ને દિવસે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની સામે રિકવરી આંક ઓછો હોવાના કારણે એક્ટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યા છે. છેલ્લા 11 દિવસમાં 10 હજાર એક્ટિવ કેસનો વધારો થયો છે. હાલ સુરત શહેર જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 10587 પર પહોંચી ગયો છે. 1 જાન્યુઆરીના રોજ 531 એક્ટિવ કેસનો વધારો થયો હતો. જ્યારે ગત રોજ 2 હજાર જેટલા એક્ટિવ કેસમાં વધારો થયો છે.

બાળકો વધુ સંક્રમિત
શહેરમાં 1થી 18 વર્ષના વયજૂથમાં સંક્રમણના કેસ વધ્યા છે. છેલ્લા 8 દિવસમાં શહેરમાં 1થી 18 વર્ષનાં 904 બાળકો સંક્રમિત થયાં છે. શરૂઆતમાં સ્કૂલોમાં કેસ આવી રહ્યા હતા, જેને કારણે ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. જોકે ધો. 10થી 12ના વિદ્યાર્થીઓમાં હવે સંક્રમણ પ્રસરી રહ્યું એવું લાગી રહ્યું છે.

સોસાયટીઓમાં પાંચથી વધુ કેસ આવતા ક્લસ્ટર જાહેર કરવામાં આવે છે.
સોસાયટીઓમાં પાંચથી વધુ કેસ આવતા ક્લસ્ટર જાહેર કરવામાં આવે છે.

કિશોરોને રસીકરણની ગતિ ધીમી
15થી 18 વર્ષના કિશોરો માટે વેક્સિનેશન શરૂ કરાયું હતું. સુરત શહેરમાં 1.94 લાખ બાળકોને વેક્સિન મૂકવા માટે ગણતરીમાં લેવાયાં હતાં. પહેલા એક સપ્તાહમાં ખૂબ જ ઝડપથી વેક્સિનેશન કામગીરી થઇ હતી. જોકે વેક્સિનનો જથ્થો ખૂટવાની સાથે સાથે રજાઓને કારણે રસીકરણની ગતિ ધીમી પડી ગઈ છે. એક તરફ વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે ધીમા રસીકરણને લઈને વાલીઓમાં ચિંતા પ્રસરી છે.

કોરોના કેસ અપડેટ
ગત રોજ શહેરમાં નવા 1988 અને જિલ્લામાં 136 કેસ નોંધાયા હતા. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,56,580 થઈ ગઈ છે. આ સાથે એક કોરોના દર્દીનું મોત નીપજ્યું હતું. અત્યારસુધીમાં કોરોનાનો કુલ મૃતાંક 2121 થયો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 10 હજારને પાર કરી ગઈ છે.

સુરતના ઝોન પ્રમાણે કેસ.
સુરતના ઝોન પ્રમાણે કેસ.

આ એરિયા રેડ ઝોન

 • વીઆઇપી રોડ, એસ.ડી.જૈન શાળા પાસે, વેસુ
 • ઇ-3 બ્લોક વેસુ
 • લીલા આર્કેડ,વેસુ
 • ચંદ્રમાણી સોસાયટી, ન્યૂ સિટી લાઇટ, અલથાણ
 • જીવકાર નગર, કેનાલ રોડ
 • જોગર્સ પાર્ક પાસે, અઠવા
જિલ્લાના તાલુકા પ્રમાણે કેસ.
જિલ્લાના તાલુકા પ્રમાણે કેસ.

હાઇરિસ્ક ઝોન

 • કેનાલ રોડ, વેસુ
 • વેસુ મેઈન રોડ, વેસુ
 • સ્વીટ હાઉસ કોમ્પ્લેક્સ, સિટી લાઇટ ટાઉન, અઠવા,
 • A/6, ઉધના- મગદલ્લા રોડ, સિટી લાઇટ ટાઉન, અઠવા
 • મહર્ષિ દધિચી રોડ, સિટીલાઇટ ટાઉન, અઠવા
 • વરાછા ગામ
 • અલથાણ-ભીમરાડ, ભીમરાડ-અલથાણ રોડ
 • વેસુ, સુરત
 • ચોપાટી, અઠવાલાઇન્સ
 • સુકુમ પ્લેટિનમ, રત્નજ્યોતિ એપાર્ટમેન્ટની સામે, વેસુ
 • એટલાન્ટા શોપર્સ, સામે. પૂજા અભિષેક રેસીડેન્સી, રિલાયન્સ માર્કેટની બાજુમાં, વેસુ
 • ડુમસ
 • વેસુ, રૂંઢ
 • અંબિકા નગર, હરિનગર-૨,, કાશી નગર, ઉધના
અન્ય સમાચારો પણ છે...