તંત્ર સાબદું:27મીએ મોદી સુરતમાં, પાલિકા રાત્રે 10 સુધી ખુલ્લી રહી, આખી રાત સભારૂટની સ્ટ્રીટલાઇટ રિપેર થઈ

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અઠવાલાઈન્સ, રિંગ રોડ સહિતના રૂટ પર સફાઈ અભિયાન
  • એક પણ લાઇટ બંધ ન રહે તેની તકેદારી રાખવા અધિકારીઓને સૂચના

આગામી 28મીએ સૂર્યાસ્ત પછી ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં દિગ્ગજ નેતાઓની સભા અને રોડ શોની ભરમાર લાગી ગઈ છે. 27મીએ વડાપ્રધાન મોદી અબ્રામા ખાતે આવેલા ગોપીન ફાર્મમાં જાહેર સભાને સંબોધન કરશે. ત્યારે પાલિકાએ એરપોર્ટથી લઈને અબ્રામા સુધીના આખા રૂટ પર એક પણ સ્ટ્રીટ લાઇટ બંધ ન રહે તે માટે રાતે 10 વાગ્યે કચેરી ખોલી કર્મચારીઓની અને અધિકારીઓની બેઠક બોલાવી હતી.

આ અંગે પાલિકાના સ્ટ્રીટ લાઇટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી રવિવારે 27મીના રોજ શહેરના મહેમાન બનનાર વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે એરપોર્ટથી લઈને અબ્રામા સભા સ્થળ સુધીના તેમના સંભવિત રૂટ પર તાકીદની કામગીરી પ્રોટોકોલ હેઠળ પૂર્ણ કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી.

પાલિકાએ સુરત એરપોર્ટ રોડ પર સાફ-સફાઇ તેમજ ડિવાઇડરને રંગ-રોગાન કરવાની કામગીરી મોડી રાતથી જ શરૂ કરી દીધી હતી. આ સાથે જ પાલિકાના સ્ટ્રીટ લાઇટ વિભાગને પણ સક્રિય કરવામાં આવ્યાં હતાં. જેમાં અધિકારીઓની ઉચ્ચ કક્ષાએથી તાકીદની કામગીરી અંગે જાણ થયાની સાથે જ સ્ટ્રીટ લાઇટ વિભાગના કર્મીઓને બુધવાર રાતે 10 વાગ્યે પાલિકા કચેરીએ વિશેષ મિટિંગ માટે બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

જ્યાં કર્મીઓને વડાપ્રધાનના સંભવિત રૂટ પર એક પણ લાઇટ બંધ ન રહી જાય તેની ખાસ તકેદારી લેવાની ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ રૂટ પર સોડિયમ લાઇટ હોય તો LED ફિટિંગ્સ પણ લગાડી દેવાની કર્મીઓને નોંધ કરાવવામાં આવી હતી. ઉપરાંત ડિવાઈડરોને રંગરોગાન પણ શરૂ કરાયા હતા. ટૂંકમાં, વડાપ્રધાનની મુલાકાત ટાણે તંત્ર એકદમ સાબદુ થઈ દોડતું થઈ ગયું છે.

600 ફિટિંગના ડ્રાઇવર ચેક કરી રિપ્લેસ કરાયા
કાપડ માર્કેટના ગીચ વિસ્તારમાં લાઇટ પોલનું મેઇન્ટેનન્સ હાથ ધરાયું હતું. આશરે 600 ફિટિંગ્સના ડ્રાઇવર ચેક કરી ખામીયુક્ત ડ્રાઇવરને રિપ્લેસ કરી બંધ લાઇટોને તાત્કાલિક ચાલુ કરાવવામાં આવી રહી છે. જ્યારે પાલિકાએ સંભવિત રૂટ પર સફાઇ અભિયાન તો કેટલાક ડિવાઇડરોનું રંગરોગાન પણ હાથ ધર્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...