કોરોના શિક્ષણ ક્ષેત્ર માટે ઘાતક:દક્ષિણ ગુજરાતની 2600 ખાનગી શાળાના શિક્ષકો-કર્મચારીઓની અવદશા, 35 હજાર શિક્ષકોને પગારકાપ અને છટણીનો ડર

સુરત6 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર.
  • ધોરણ-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત થયા બાદ સ્થિતિ વધુ વિકટ બની

સુરત કોરોનારૂપી વૈશ્વિક મહામારી શિક્ષણ ક્ષેત્ર માટે ઘાતક પુરવાર થઇ રહી હોય એમ શાળા અને કોલેજોએ વિવિધ ચિંતા, ડર, પડકારો સાથે એક વર્ષનો સમયગાળો પસાર કર્યો છે. જ્યારે શાળાઓમાં ધોરણ-1થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત થયા બાદ સ્થિતિ વધુ વિકટ બની છે. જેમાં હવે નવા શૈક્ષણિક સત્રની અનિશ્ચિતતા અને અનિશ્ચિત પડકારો વચ્ચે દક્ષિણ ગુજરાતની 2600 ખાનગી શાળામાં ફરજ બજાવી રહેલા 35 હજાર શિક્ષકોના માથે પગારકાપ અને છટણીની તલવાર લટકી રહી છે.

35 હજાર શિક્ષકોને પગારકાપ અને છટણીનો ડર
દક્ષિણ ગુજરાતમાં સુરતમાં 1619, ભરૂચમાં 320, નર્મદામાં 60, નવસારીમાં 210, તાપીમાં 68, ડાંગમાં 27, વલસાડમાં 301 મળીને અંદાજે 2605 ખાનગી શાળા કાર્યરત છે. જ્યારે સુરતની ખાનગી શાળામાં 22769, ભરૂચમાં 4175, નવસારીમાં 2585,નર્મદામાં 525, તાપીમાં 757, ડાંગમાં 194 વલસાડમાં 4641 મળીને અંદાજે 35600 શિક્ષકો સેવા આપી રહ્યા છે. શિક્ષકોની સાથે વહીવટી કર્મચારીઓ, રિક્ષા-વાનચાલક, બસ ડ્રાઇવર પણ મોટી સંખ્યામાં ફરજ બજાવી રહ્યા છે. જોકે, આ તબક્કે શિક્ષકોને કેન્દ્રમાં રાખીએ તો આ 35 હજાર શિક્ષકોને પગારકાપ અને છટણીનો ડર સતાવી રહ્યો છે.

ખાનગી શાળાઓએ અનેક પડકારોમાંથી પસાર થવાની નોબત
શાળા વર્તુળમાંથી મળેલી માહિતી મુજબ, ગત 2020-21ના શૈક્ષણિક સત્રમાં ખાનગી શાળાઓએ અનેક પડકારોમાંથી પસાર થવાની નોબત આવી હતી. જ્યારે ગ્રાન્ટેડ શાળામાં પણ પ્રવેશ સહિતના પ્રશ્ને બૂરા હાલ જોવા મળ્યા હતા. વળી, હાલમાં માસ પ્રમોશનની જાહેરાત કર્યા બાદ હજુ નવું સત્ર ક્યારે શરૂ થશે એ અંગે સ્પષ્ટતા થઇ નથી અને નવા સત્રમાં પ્રત્યક્ષ શિક્ષણ ક્યારે શરૂ થશે એ સહિતની અનિશ્ચિતતા થથાવત હોઈ મે-જૂન માસમાં અનેક શિક્ષકોને પગારકાપ અને છટણી માટેની હલચલ શરૂ થઇ ગઇ છે.

પરિણામ વખતે ફી ન આવે તો આગામી વર્ષે શું કરવું એ ચિંતા
સવજી હુણ (પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-સુરત) એ જણાવ્યું હતું કે, સરકારની અસ્પષ્ટ ભૂમિકાને લીધે ઘણું વેઠ્યું છે. હજુ 2020-21ની 30થી 50 ટકા ફી આવી નથી. જો પરિણામ વખતે ફી ન આવે તો આગામી વર્ષે શું કરવું એ ચિંતા છે. નિભાવ ખર્ચનો પ્રશ્ન પણ મોટો પ્રશ્ન ઊભો છે. આગામી 3 વર્ષ સુધી આ અસર વર્તાશે તો નવાઇ નહીં.

પાર્ટટાઇમ શિક્ષકો, વધારાના સ્ટાફની છટણી કરી
શાળા સંચાલકોના જણાવ્યા મુજબ, સુરતમાં જ અનેક શાળાઓમાં શિક્ષકોએ આખું વર્ષ પગારકાપ સાથે કામ કરવાની નોબત આવી છે. શાળામાં ઓનલાઇન-ઓફલાઇન વર્ગોની અનિશ્ચિતતા વચ્ચે પ્રવેશાર્થીની ટકાવારી, સંખ્યા પણ ઘટી ગઇ હતી. જ્યારે શાળાઓમાં સમયસર ફી ન આવતા ગૌણ વિષયના શિક્ષકોને પગારકાપનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, શાળામાં સ્પોર્ટ્સ, ચિત્રકામ સહિતની એક્સ્ટ્રા કરીક્યુલમ એક્ટિવિટી કરાવતા તેમજ પાર્ટટાઇમ શિક્ષકો, વધારાના સ્ટાફની તો છટણી કરી દેવામાં આવી હતી.

બાળકોનું ભવિષ્ય જોખમાય રહ્યું છે
ઉમેશ પંચાલ (વાલી મંડળ સુરત ) એ જણાવ્યું હતું કે, સ્વનિર્ભર શાળા સંચાલકો નિર્ણય વખોડીયે છીએ, આવા નિર્ણયોથી બાળકોનું ભવિષ્ય જોખમાય રહ્યું છે. જો શિક્ષકોને યોગ્ય પગાર નહીં મળે, છટણી કરવામાં આવશે તો એની અસર બાળકો પર જ પડશે. હાલ ઓન લાઈન શાળાના ક્લાસમાં પણ બાળકો યોગ્ય અભ્યાસ નથી કરી શકતા. આવા સંજોગોમાં બિન અનુભવી શિક્ષકોને લઈ બાળકો-વિદ્યાર્થીઓ પર એની માનસિક અસર પણ પડી શકે છે. જો ખરેખર એમને આર્થિક તકલીફો પડતી હોય તો ઓડિટ રિપોર્ટ જાહેર કરે, ચોક્કસ વાલીઓ અને સરકાર પણ એમની મદદે આવશે.