વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના આખરી દિવસે સોમવારે ઉમેદવારો-સમર્થકોના ધાડે ધાડા રિટર્નિંગ ઓફિસરની કચેરી પર ઉતરી આવ્યા હતા. જેમાં 137 ઉમેદવારોએ 276 ફોર્મ ભર્યા હતા. અત્યાર સુધીમાં શહેર-જિલ્લાની કુલ 16 બેઠક પર કુલ 257 ઉમેદવારોએ 362 ફોર્મ ભર્યા છે. મંગળવારે ફોર્મ ચકાસણી થશે અને બુધવારે ફોર્મ પરત ખેંચી શકાશે. જેથી 17મીએ જ ફાઇનલ ચિત્ર સ્પષ્ટ થશે. સોમવારે સવારથી અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી નોંધાવવા મોટી સંખ્યામાં ઉમેદવારો-કાર્યકરો આવતાં બપોર સુધી ભારે ટ્રાફિક રહ્યો હતો.
છેલ્લા દિવસે કુલ 195 ઉમેદવારોએ 362 ફોર્મ ભર્યા હતા. જેમાં સૌથી વધુ લિંબાયત બેઠક માટે કુલ 54 ઉમેદવારોએ 66 ફોર્મ ભર્યા છે. જ્યારે મજુરા બેઠક પર 7 ઉમેદવારોએ કુલ 16 ફોર્મ ભર્યા છે. ઓલપાડ બેઠક પર 19 ઉમેદવારોએ 26 ફોર્મ, માંગરોળ બેઠક પર 8 ઉમેદવારોએ 12 ફોર્મ, માંડવી બેઠક પર 11 ઉમેદવારોએ 14 ફોર્મ, કામરેજ બેઠક પર 17 ઉમેદવારોએ 23 ફોર્મ, સુરત પૂર્વ બેઠક પર 25 ઉમેદવારોએ 33 ફોર્મ, વરાછામાં 9 ઉમેદવારોએ 15 ફોર્મ, કરંજમાં 12 ઉમેદવારોએ 21 ફોર્મ, લિંબાયતમાં 54 ઉમેદવારોએ 66 ફોર્મ, ઉધનામાં 20 ઉમેદવારોએ 29 ફોર્મ, કતારગામમાં 14 ઉમેદવારોએ 18 ફોર્મ, સુરત પશ્ચિમ બેઠક પર 15 ઉમેદવારોએ 22 ફોર્મ, ચોર્યાસીમાં 18 ઉમેદવારોએ 23 ફોર્મ, બારડોલીમાં 8 ઉમેદવારોએ 15, મહુવામાં 8 ઉમેદવારોએ 10 ફોર્મ અને સુરત ઉત્તર બેઠક પર 12 ઉમેદવારોએ 19 ફોર્મ ભર્યા હતા.
બેઠક પ્રમાણે થયેલી ઉમેદવારી | ||
વિધાનસભા | ઉમેદવાર | ફોર્મ ભરાયા |
ઓલપાડ | 19 | 26 |
કામરેજ | 17 | 23 |
સુરત પૂર્વ | 25 | 33 |
વરાછા | 9 | 15 |
કરંજ | 12 | 21 |
લિંબાયત | 54 | 66 |
ઉધના | 20 | 29 |
મજુરા | 7 | 16 |
કતારગામ | 14 | 18 |
સુરત પશ્ચિમ | 15 | 22 |
ચોર્યાસી | 18 | 23 |
સુરત ઉત્તર | 12 | 19 |
માંગરોળ | 8 | 12 |
માંડવી | 11 | 14 |
બારડોલી | 8 | 15 |
મહુવા | 8 | 10 |
કુલ | 257 | 362 |
ઉમેદવારો ઘોડા પર, પગપાળા અને ઇ-બાઇક પર સમર્થકો સાથે પહોંચ્યા
ઉમેદવારો સમર્થકો સાથે રેલીસ્વરૂપે, વાહનોમાં તથા પગપાળા ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જેને લઇ બહુમાળી, કલેકટર કચેરી અને અડાજણ સ્પીપા કચેરી પાસે ટ્રાફિક જામ રહ્યો હતો. મજૂરાના ઉમેદવાર હર્ષ સંઘવી પારલેપોઇન્ટથી પગપાળા કલેકટર કચેરી ખાતે આવ્યા હતા. વરાછાના ભાજપા ઉમેદવાર કુમાર કાનાણી ઘોડા પર ફોર્મ ભરવા પહોંચ્યા હતા તો કોંગ્રેસના કરંજના ઉમેદવાર અશોક અધેવાડ ઇ-બાઇક પર ફોર્મ ભરવા આવ્યા હતા. જ્યારે પૂર્વ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલા પગપાળા આવ્યા હતા.
લિંબાયતના ઉમેદવારોને તો ટોકન આપવા પડ્યા
લિંબાયત બેઠક પર ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ 66 ફોર્મ ભરાયા હતા. સોમવારે 40 ઉમેદવારો કાર્યકરો સાથે પહોંચી ગયા હતા. બપોરે 3.00 વાગ્યા સુધી જ સમય મર્યાદા હોય અને ઉમેદવારો વધારે હોવાથી સમયમાં આવી ગયેલા ઉમેદવારોને ટોકન આપવામાં આવ્યા હતા. જ્યારે ફોર્મ સ્વિકારવાની કામગીરી મોડે સુધી ચાલી હતી.
આપ સામે ભાજપે ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા
જિલ્લા સેવા સદન ખાતે ભાજપના કાર્યકરોનું સેવાસદન બહાર મોટુ ટોળુ થઇ ભેગુ થઇ ગયું હતું. આ સમયે આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેમના કાર્યકરો સાથે ત્યાંથી પસાર થયા હતા. આ જોઇને અચાનક ભાજપના કાર્યકરોએ ખાલીસ્તાન મુર્દાબાદના નારા લગાવવા લાગતા વાતાવરણ ગરમાયું હતું. જોકે, બાદમાં મામલો થાળે પડી ગયો હતો.
હર્ષે 12.39 નહીં, પણ માતાએ કહ્યા મુજબ 1 વાગ્યે ફોર્મ ભર્યું
કોઇ પણ ચૂંટણી હોય ત્યારે ભાજપના ઉમેદવાર સામાન્ય રીતે બપોરે12.39ના વિજય મૂહૂર્ત પર ઉમેદવારી કરતા આવ્યા છે. જોકે, મજુરા વિધાનસભાના ઉમેદવાર અને સિટીંગ એમએલએ એ માતાની વાત માની હતી. તેમની માતાએ બપોરે 1 કલાક અને 5 મિનીટ પર ફોર્મ ભરવાનું કહ્યું હતું. હર્ષ સંઘવીએ એ જ સમયે પોતાનું ઉમેદવારી પત્ર રિટર્નિંગ અધિકારીને સુપ્રત કર્યું હતું.
આપના પીવીએસ શર્મા પત્ની સાથે એકલા ફોર્મ ભરવા આવ્યા
ભાજપમાં કોરાણે મૂકાઇ ગયેલા પીવીએસ શર્માએ હાલમાં જ ભાજપમાંથી રાજીનામું આપી દીધુ હતું અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પીવીએસ શર્માને આપ એ મજુરા વિધાનસભા બેઠક પર ટીકીટ આપી છે. આજે શર્મા કોઇ સમર્થકો વગર પત્ની સાથે આવ્યા હતા. અને ચુપચાપ ફોર્મ ભરીને ચાલી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.