• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 25,000 People From South Gujarat Including Surat Canceled 1250 Tour Packages Worth Rs 35 Crore Abroad, Loss Of Millions To Travelers

ઓમિક્રોન ઈફેક્ટ:સુરત સહિત દક્ષિણ ગુજરાતના 25 હજાર લોકોએ વિદેશના 35 કરોડના 1250 ટૂર પેકેજ કેન્સલ કરાવ્યા, ટ્રાવેલર્સને લાખોનું નુકસાન

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • યુરોપ માટે બુક થયેલા હનીમૂન પેકેજ, હીરા વેપારીઓની બિઝનેસ ટૂર, લગ્નપ્રસંગે જનારાઓની ટૂરો રદ થઈ ગઈ
  • યુરોપના દેશો તેમજ સાઉથ આફ્રિકામાં ફસાયેલા અનેક સુરતીઓ હવે વાયા દુબઈ કે શારજહા થઈ પરત આવી રહ્યા છે

કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી વિદેશ પ્રવાસે જનારાઓ પર ભારે અસર પડી છે. સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ્સ એજન્ટ્સના જણાવ્યા મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતના 25 હજાર લોકોએ 35 કરોડના 1250 ટૂર પેકેજ કેન્સલ કરાવ્યા છે. જેમાંથી મોટાભાગના યુરોપમાં બુક કરાવાયેલા હનીમૂન પેકેજ હતા.

ટ્રાવેલ એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ મોહન ચકલાસિયાએ જણાવ્યું કે, છેલ્લા 3 દિવસમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી વિદેશના 1250 ટૂર પેકેજ કેન્સલ થયા છે. શહેરની નાની-મોટી હીરા કંપનીના વેપારીઓ વેપાર અર્થે યુરોપ સહિતના જુદા-જુદા દેશોમાં જતા હોય છે. તે સાથે હાલમાં લગ્ન સિઝન પણ ચાલી રહી હોઈ વિદેશ લગ્ન પ્રસંગમાં જવા માગતા લોકોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે.

આ પેકેજીસમાં સરેરાશ 15થી 30 મુસાફરો હોય છે. આમ કુલ 25 હજાર લોકોએ ટૂર કેન્સલ કરાવી છે. યુરોપમાં સ્વિત્ઝરલેન્ડ, નેધરલેન્ડ, જર્મની, સ્પેન, ઓસ્ટ્રીયા, પોલેન્ડ જેવા પેકેજ 2.50 લાખથી શરૂ થતા હોય છે જ્યારે સાઉથ આફ્રિકામાં ઘાના, ઝીમ્બાબ્વે, તાન્ઝાનિયા જેવા ટુર્સ પેકેજ રૂ. 1 લાખથી શરૂ થતા હોય છે. બીજીતરફ, યુરોપ કે સાઉથ આફ્રિકામાં ફસાયેલા સુરતીઓ હવે વાયા દુબઈ કે શારજહા થઈ પરત આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...