સચિન સેઝ ખાતે ત્રણ યુનિટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા પાડવામાં આવેલાં દરોડામાં નવો વળાંક આવ્યો છે. સાગર ડાયમંડના વૈભવ શાહના છેડા ચાઇનાથી ઓપરેટ થતી પાવર બેન્ક એપ સાથે જોડાયા છે. વૈભવે રૂપિયા 2.60 કરોડ હવાલા મારફત મોકલ્યા હતા. આ હકીકત પટયાલા ખાતે ઇડીની ગીરફતમાં આવેલાં જીતેન્દ્ર પ્રસાદ અને દિનેશ સિંહની પુછતાછ દરમિયાન સામે આવી હતી. ત્યારબાદ ઇડીએ સુરતમાં તપાસ આદરી હતી જેમાં રૂપિયા 25 લાખ કેસ અને રૂપિયા દસ કરોડનો સ્ટોક સિઝ કર્યો હતો જેની ચોપડે કિંમત હજારો કરોડની હતી. નોંધનીય છે કે પાવર બેન્ક એપની ચિટિંગમાં અનેક રાજ્યોમાં ફરિયાદ નોંધાઈ છે અને કાંડ રૂપિયા 250 કરોડથી વધુનો છે.
સુરતમાં જે તપાસ થઈ છે તેમા સાગર ડાયમંડ, આરએચસી ગ્લોબલ એક્સપોર્ટનો સમાવેશ થાય છે. ઇડીએ સુરત અને અમદાવાદ ઉપરાંત મુંબઇ ખાતેના કુલ 14 ઠેકાણે તપાસ કરી હતી. આ કંપનીઓ બીએસઇમાં પણ લીસ્ટેડ છે. ઇડીના ધ્યાને આવ્યું હતું કે ચાઇનીઝ નેશનલ કનેક્શન ધરાવતી પાવર બેન્ક એપના છેડા ભારતમાં અન્ય લોકોની સાથે વૈભવ સાથે પણ જોડાયેલા છે. તપાસ દરમિયાન જે ડોકયુમેન્ટ જપ્ત કરાયા તેનું વેરિફિકેશન ચાલી રહ્યુ છે. નોંધનીય છે કે, સચિન સેઝમાં ત્રણ કંપનીઓ દ્વારા રૂબી સ્ટોનના નામે રૂબી પેન્ડન્ટ વિદેશ મોકલી 1 હજાર કરોડનું કૌભાંડની આશંકાથી તપાસ કરાય હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.