અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ રિલાયન્સ નગર સોસાયટીમાં સોમવારે તસ્કરો ત્રાટક્યાં હતાં.પ્રમુખ ક્રિએશન નામના સાડીઓ પર થતાં વર્ક કરવાના બંધ કારખાનામાં ત્રાટકેલા તસ્કરોએ 2.43 લાખની મત્તા ચોરી કરી હતી. ચોરી અંગેની જાણ થતાં કારખાનાદારે પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં ઓટોરિક્ષામાં ચાર તસ્કરો ચોરી કરવા આવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.
તાળું તોડી તસ્કરો અંદર ઘુસ્યા
હિંમતભાઈ બચુભાઈ પાંડવ ઉ.વ.45 (રહે.અમરોલી છાપરાભાઠા રોડ સ્ટાર ગેલેક્ષી એપાર્ટમેન્ટ) એ જણાવ્યું હતું કે, તેઓ અમરોલી ગુજરાત હાઉસીંગ બોર્ડ રિલાયન્સ નગર સોસાયટીમાં આવેલા પ્રમુખ ક્રિયેશન નામનું ખાતું ધરાવે છે. 8 મી ઓગસ્ટના રવિવારના રોજ રાત્રે બે વાગ્યાથી સાડા ત્રણ વાગ્યાના સમયગાળામાં છ જેટલા તસ્કરો તેમના ખાતામાં ત્રાટક્યા હતા. તસ્કરોએ ખાતામાં મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર ઘુસ્યાં હતાં.
ઘરફોડ ચોરીનો ગુનો નોધાયો
ખાતામાંથી તૈયાર લેડીઝ ડ્રેસ મટીરીયલ નંગ-240 જેની કિંમત રૂપિયા 1,84,800 તથા 50 નાની પ્લાસ્ટીકની સ્ટોન ભરેલી થેલી કિંમત રૂપિયા 22500 અને 2 મોટી પ્લાસ્ટીકની સ્ટોન ભરેલી થેલી કિંમત રૂપિયા 15800 તથા હોટ ફિક્સ મશીન કિંમત રૂપિયા 20 હજાર મળી કુલ રૂપિયા 2,43,100 ની મતાની ચોરી કરી રીક્ષામાં બેસી નાસી ગયાં હતાં.બનાવને પગલે તેમણે અમરોલી પોલીસને જાણ કરી હતી. અમરોલી પોલીસે ફરિયાદ લઇ ચોર ઈસમો સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી પીઆઇ આર.પી.સોલંકીએ વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.