શહેરના પાંડેસરાના પ્રેમનગરમાંથી સોમવારે બપોરે 10 વર્ષની બાળકી પર પડોશમાં રહેતા 24 વર્ષીય યુવાને દાનત બગાડી રેપના ઈરાદે અપહરણ કરી હત્યા કરી હતી. પાંડેસરા પોલીસે આરોપી પડોશી દિનેશ ઉર્ફે પ્રદીપ ઉર્ફ ડિંગ્યા જીભો બૈસાણે(ઉં.વ.24)ની ધરપકડ કરી છે. પાંડેસરા પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં બાળકીને વડાપાંઉ અપાવવાના બહાને અવાવરૂ જગ્યાએ લઈ ગયો, બાળકીએ બૂમાબૂમ કરતાં તેની હત્યા કર્યા બાદ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.
બાળકી સાથે આચરાયેલી હેવાનિયતનો આખો ઘટનાક્રમ
પાંડેસરાના ભેદવાડ-પ્રેમનગરમાં સોમવારે બપોરે ધો.4માં અભ્યાસ કરતી 10 વર્ષની બાળકી ગુમ થઈ હતી, જેથી પરિવારે શોધખોળ હાથ ધરી પોલીસને જાણ કરી હતી. બાળકીને તેની પાડોશમાં જ રહેતો દિનેશ વડાપાંઉ આપવાની લાલચે લઈ ગયો હતો. બાળકીને ભેદવાડ દરગાહ પાસે નાસ્તાની દુકાનમાં વડાપાંઉ અપાવ્યું હતું. ત્યાર બાદ પ્રેમનગર ઝૂંપડપટ્ટીના નાકા પરથી ઓટોરિક્ષામાં બેસાડી ઉધના બીઆરસી નજીક લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચ્યો હતો. ઇન્ડસ્ટ્રીઝના પાછળના ભાગે અવાવરૂ જગ્યા, જ્યાં મોટા પ્રમાણ ઘાસ ઊગેલું છે ત્યાં લઇ ગયો હતો.
અત્યંત ક્રૂરતાપૂર્વક માસૂમને મોતને ઘાટ ઉતારી
ઊંચા ઊગેલા ઘાસ તરફ લઈ જતાં વેંત પોતાની સાથે અઘટિત ઘટનાનો અંદેશો આવી જતાં બાળાએ બૂમાબૂમ કરી દીધી હતી, જેથી દિનેશે બાળકીનું મોઢું દબાવી દીધું હતું અને ત્યારે બાળકીએ જમણા હાથ પર બચકું ભર્યું હતું. બાળાએ એટલું જોરથી બચકું ભર્યું હતું કે નરાધમને ત્રણથી ચાર ટાંકા લેવાની ફરજ પડી હતી. બાળકીએ બચકું ભરી પ્રતિકાર કર્યો હતો અને બૂમાબુમ ચાલુ રાખતાં કોઇક આવી જશે એવા ડરથી તેને જમીન પર પટકી દઇ માથામાં ઇંટના ઘા માર્યા બાદ ગળું દબાવ્યું હતું. અત્યંત ક્રૂરતાપૂર્વક માસૂમને મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવાને પોતાની હવસ સંતોષવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માથામાં ઇજા થવાથી લોહીથી લથબથ માસૂમના મૃતદેહ સાથે અધમ કૃત્ય કરતાં કોઇ જોઇ જશે એવા ડરથી ત્યાંથી ભાગીને પરત ઘરે પહોંચી ગયો હતો. દિનેશની કબૂલાતને પગલે પોલીસે અપહરણ-હત્યાની સાથે દુષ્કર્મની કલમનો પણ ઉમેરો કર્યો છે.
રિક્ષાચાલકની શોધખોળ કરતી પોલીસ
દુષ્કર્મના ઇરાદે વડાપાંઉ અપાવવાના બહાને બાળાનું અપહરણ કરનાર દિનેશ બૈસાણે શરૂઆતમાં પોલીસને ગોળ-ગોળ ફેરવી હતી. આરોપીએ મિત્ર આનંદના કહેવાથી હત્યા કરવાનું કૃત્ય કર્યું હોવાનું શરૂઆતમાં રટણ કર્યું હતું, પરંતુ પોલીસે અસ્સલ મિજાજ બતાવતાં વડાપાંઉ અપાવ્યા બાદ રિક્ષામાં ઉધના બીઆરસી સુધી ગયો હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે રિક્ષાચાલકની શોધખોળ હાથ ધરી છે. પાંડેસરા પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. ફોરેન્સિક પુરાવા મેળવા પ્રયાસ શરૂ કર્યા છે. આવતીકાલે કોર્ટમાં હાજર કરાશે.
બચવા માટે આરોપીએ 17 વર્ષની ઉંમર જણાવી
આરોપી દિનેશે પોલીસથી બચવા માટે ઉંમર 17 વર્ષની જણાવી હતી. આ બાબતે પોલીસે તેના ઘરેથી કેટલાક પુરાવા હાથ લાગ્યા હતા, જેમાં તેની ઉંમર 24 વર્ષની હોવાની વાત બહાર આવી છે. દિનેશ મહારાષ્ટ્રના અમલનેરનો વતની છે અને પાંડેસરામાં મજૂરીકામ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.