ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કરા સાથે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છમાં કરા સાથે બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે બનાસકાંઠા, માંડલ, હિંમતનગર અને ધાનેરામાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી કરી છે.
માંડવીમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો
સુરત જિલ્લામાં સતત ત્રીજા દિવસે માવઠાનો કહેર યથાવત્ રહ્યો છે. સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા અને માંડવી તાલુકામાં વાતાવરણે ફરી એકવાર પલટો લીધો હતો અને પવન ફૂંકાવાની સાથે બરફના કરા સાથે વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં માંડવીમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે માંગરોળમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે ઉમરપાડામાં 5 મિમી વરસાદ પડ્યો હતો.
બરફના કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો
સતત ત્રણ દિવસથી વરસતા વરસાદને કારણે ખેડૂતોના કૃષિ પાકને નુકસાન થયું હતું. કોસંબા તરસાડી સહિત તાલુકાનાં અન્ય ગામોમાં ભારે પવન સાથે બરફના કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પંથકમાં પહેલીવાર કરા સાથે પડેલા વરસાદને લઈ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. બારડોલી તાલુકામાં પણ કમોસમી વરસાદ છેલ્લા બે-ત્રણ દિવસથી પડી રહ્યો છે. તાલુકાના મોટી ફળોદ ગામે કરા પડ્યા બાદ કડોદ પંથકના રાયમ સમર્થન સહિતનાં ગામોમાં કરા પડ્યા હતા. કચ્છથી લઈને સુરત સુધી કરા સાથે વરસાદ પડ્યો હતો.
ખેતીમાં નુકસાનનો સર્વે શરૂ
સુરત જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીપાકને થયેલા નુકસાનનો સુરત જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉમરપાડા તાલુકામાં જોરદાર પવન અને કરા સાથે વરસાદ પડ્યો હોવાની જાણ થતાં જિલ્લા કલેક્ટર આયુષ ઓકની સૂચના મુજબ અગાઉથી રચાયેલી કૃષિ વિભાગની આઠ ટીમો દ્વારા પ્રાથમિક સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે અંદાજિત અસરગ્રસ્ત કુલ 395 હેક્ટર વિસ્તાર પૈકી 95 હેક્ટર વિસ્તારના પ્રાથમિક સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
આગામી બે દિવસ કરા સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ ગુજરાત સહિત દેશનાં 18 રાજ્યમાં વરસાદ અને કરા પડી શકે છે. આ રાજ્યોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, દિલ્હી, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુનો સમાવેશ થાય છે.
પાકને 25 ટકા સુધી નુકસાન
ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ સહિતનાં શહેરોમાં પણ દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ હળવો વરસાદ પડ્યો હતો. દેશભરમાં માર્ચ મહિનામાં કમોસમી વરસાદને કારણે ઘઉં, ચણા, બટાકા સહિતના પાકને 25 ટકા સુધી નુકસાન થયું હતું. મોટી સંખ્યામાં ખેતરોમાં કાપીને તૈયાર રાખવામાં આવેલા પાક પર પાણી ફરી વળ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.