ખર્ચાઓ ઘટવા ને બદલે બેફામ:લિંબાયતમાં લાઇબ્રેરીના ઇન્ટિરિયર પાછળ 2.36 કરોડનો ધૂમાડો કરાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તિજોરીનું તળિયુ દેખાતા ખર્ચ પર કાપ મૂકવા પાલિકા કમિશનરે બનાવેલી કમિટીએ હજુ સુધી એક પણ રિપોર્ટ રજૂ કર્યો નથી

ખર્ચાઓ પર કાપ મુકવાને બદલે વધુ ને વધુ ખર્ચાઓ વગર વિચાર્યે થઇ રહ્યાં હોવાની હાલ પાલિકાની સ્થિતિ છે. લિંબાયતમાં નિર્માણાધીન લાઇબ્રેરીમાં ઇન્ટિરીઅર-ફર્નિચર પાછળ જ 2.36 કરોડ ખર્ચાશે તેની મંજૂરી પણ સ્થાયીએ આપી દીધી છે.

એક તરફ બિલકુલ તળિયે આવી ગયેલી તિજોરીને પગલે સુરત મહાનગર પાલિકા ખર્ચાઓ પર કાપ મુકવાની મોટી મોટી વાતો કરે છે તે માટે સમિતિની રચના પણ કરાઈ હતી અને અધિકારીઓની ખર્ચાઓ કરવાની સત્તાઓ પર કાપ પણ મુકી દેવાયો હતો તેમ છતાં ખર્ચાઓ ઘટવા ને બદલે બેફામ બની ગયાં છે! પાલિકા લિંબાયત-ડિંડોલી ખાતે નિર્માણાધિન અદ્યતન લાઈબ્રેરીના નામે ઇન્ટિરીયર અને ફર્નિચર પાછળ જ 2.36 કરોડનો ખર્ચો કરશે. પિતૃકૃપા વુડન વર્કસનું ટેન્ડર રકમ 2.63 લાખથી 10.36 ટકા નીચું એટલે કે ૨.૩૬ કરોડના ટેન્ડરને મંજુરી આપી દેવાઇ છે. લાયબ્રેરીના ઇન્ટિરિયર પાછળ પાણી ની જેમ ખર્ચાઓ કરાશે.

વિવિધ ખાતાઓમાં 55 લાખ ખર્ચે નવું ફર્નિચર લેવાશે
વિવિધ ખાતાઓ-ઝોન માટે પણ ફરી 55.48 લાખના ખર્ચે જુદા જુદા પ્રકારના ફર્નિચરો અમદાવાદની જુદી જુદી બે કંપની પાસેથી ખરીદવાની દરખાસ્ત પર ગત સ્થાયી સમિતિમાં ચેરમેન પરેશ પટેલે મંજૂરી આપી છે. ખર્ચાઓ વધતાં પાલિકા કમિશનરે સ્થાયી સમિતિની સૂચનાએ એક કમિટિની પણ રચના કરી હતી પરંતુ હજુ સુધી કોઈ રિપોર્ટ રજુ કરાયો નથી.

અન્ય સમાચારો પણ છે...