કોરોના સુરત LIVE:25 મે પછી પહેલીવાર સુરતમાં 424 કેસ, એક જ દિવસમાં કેસ ડબલ, અઠવા ઝોનમાં સૌથી વધુ 166 કેસ, કુલ 341 ક્લસ્ટર ઝોન થયા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
15 વર્ષથી ઉપરના તમામને રસી મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
15 વર્ષથી ઉપરના તમામને રસી મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.(ફાઈલ તસવીર)
  • શહેરના અઠવા ઝોનમાં 166 અને રાંદેરમાં 106 કેસ નોંધાયા
  • શહેરમાં આજે અલગ-અલગ સ્કૂલોમાં કુલ 32 વિદ્યાર્થીઓ સંક્રમિત

વિશ્વમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવમાં પણ વધારો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં આજે કોરોનાના વધુ 424 કેસ નોંધાયા છે. જેથી સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં 1400ને પાર કરી 1413 પર પહોંચી ગઈ છે. 25 મે પછી આજે પહેલીવાર 400થી વધુ કેસ નોંધાયા છે. ગત રોજ 225 કેસ બાદ આજે ડબલ વધારો નોંધાયો છે. સુરત પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે, 45 દિવસ વધુ ગંભીર છે. હાલમાં બે ડોઝ લેનારાને પણ ચેપ લાગ્યો છે.

પોઝિટિવ કેસનો આંક 1,45,689 પર પહોંચ્યો
આજે શહેરમાં 415 અને જિલ્લામાં 9 કેસ સાથે વધુ 424 કેસ નોંધાયા છે. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 145689 થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક 2118 થયો છે. શહેરમાંથી 18 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં 142158 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1413 નોંધાઈ છે.

વયસ્કો માટે 124 સેન્ટર પર રસીકરણ
18થી વધુ વયના વયસ્ક નાગરિકો માટે રસીકરણની કામગીરી પાલિકા દ્વારા યથાવત રાખવામાં આવી છે. કોવિશિલ્ડ રસીના પહેલા ડોઝ માટે 30 સેન્ટર બીજા ડોઝ માટે 83 સેન્ટર અને વિદેશ જનારા માટે 2 સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જ્યારે કોવેક્સિન રસી માટે 9 સેન્ટર શરૂ કરાયા છે. કુલ 124 સેન્ટર પર રસીકરણની કામગીરી ચાલી રહી છે.

કેસમાં નોંધનીય વધારો થતાં હવે વહીવટીતંત્ર પણ સાવધાન
સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં પણ કોરોના સંક્રમણના આ કેસમાં નોંધનીય વધારો થતાં હવે વહીવટીતંત્ર પણ સાવધાન થઈ ગયું છે. ઇન્ડોર પેશન્ટને યોગ્ય સારવાર મળી રહે તેના માટેની તમામ તપાસ શરૂ કરવામાં આવી છે. કોરોના સંક્રમણ ના પહેલા અને બીજા તબક્કામાં જે રીતે કામગીરી કરવામાં આવી હતી તેનાથી પણ સારી રીતે કામગીરી થાય તેવું આયોજન કરવાની જરૂરિયાત જણાઈ રહી છે. ડોક્ટર દર્દી અને તેના સંબંધી વચ્ચે ઘણી વખત શંકરનો પણ અભાવ જોવા મળ્યો હતો અને તેના કારણે હોસ્પિટલોની અંદર સતત ઘર્ષણના બનાવો પણ સામે આવી રહ્યા હતા.

રસી લીધા બાદ પણ ઘણા બીજીવાર સંક્રમિત, 45 દિવસ ગંભીરઃ કમિશનર
સુરત પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે, 45 દિવસ વધુ ગંભીર છે. હાલમાં બે ડોઝ લેનારાને પણ ચેપ લાગ્યો છે. નવા વેરિએન્ટમાં હોસ્પિટલાઇઝેશન નથી તે માત્ર ભ્રમ છે. આરોગ્ય વિભાગે 132 ધન્વંતરી રથ દ્વારા 489 વિસ્તારોમાં સરવે કર્યો હતો. સ્કૂલોમાં ગાઇડલાઇનનું ઉલ્લંઘન થવા બાબતે કમિશનરે કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપી હતી.

બ્રેકથ્રુ ઇન્ફેક્શનના લીધે સંક્રમણ સપાટીએ
પાલિકા કમિશનરે કહ્યું કે, નવા સંક્રમિતોમાં બન્ને ડોઝ લેનારા તથા કોરોના થઇ ચુક્યો હોય તેવા પણ કેસ છે. આ બ્રેકથ્રુ ઇન્ફેક્શનની સ્થિતિના લીધે સામે આવી છે, જે હાલમાં વધતા કેસ વચ્ચે ગંભીર ગણી શકાય એમ છે.

અન્ય સમાચારો પણ છે...