વરાછામાં ભૂતપુર્વ સેલ્સ ટેક્ષ ઇન્સ્પેક્ટર પરિવાર સાથે વતન ગયા ત્યારે અજાણ્યો તસ્કર તેમના ઘરમાં પ્રવેશ કરીને 2.10 લાખ રૂપિયાના ઘરેણાં ચોરી કરીને નાસી ગયો હતો. વરાછા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર વરાછામાં ઝોન ઓફિસ સામે માનસી પેલેસમાં રહેતા નરેન્દ્ર છગન પટેલ( મૂળ રહે. વાવલી ગામ, તા.જમ્બુસર,જિલ્લો ભરૂચ) યાર્નનો વેપાર કરે છે. પહેલા તેઓ સેલ્સ ટેક્ષ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ નોકરીમાંથી રાજીનામું આપીને સુરતમાં સહારા દરવાજા પાસે યાર્નનો વેપાર કરવા લાગ્યા હતા. 26 નવેમ્બરના રોજ નરેન્દ્ર પટેલ પત્ની સાથે તેમના વતનમાં એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયા હતા.
આ દરમિયાન કેટલાક અજાણ્યાએ નરેન્દ્ર પટેલના મકાનના દરવાજાને મારેલું તાળું તોડી ઘરમાં પ્રવેશીને સોનાનો હાર, સોનાની બુટી સહિત કુલ 2.10 લાખ રૂપિયાના ઘરેણાં ચોરી કરીને નાસી ગયા હતા. ચોરી વિશે વોચમેને ફોન કરીને નરેન્દ્ર પટેલને જાણ કરી હતી. તેઓએ વતનથી આવ્યા બાદ વરાછા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જે પગલે પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે, પરિવાર લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે વતન ગયો અને તસ્કરો હાથ ફેરો કર્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.