ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:સુરતમાં 2000ની 80 કરોડની નોટો રોજ બદલાય છે, 800 કરોડ જમા થયા

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેન્કોમાં 2 હજાર રૂપિયાની નોટોનો ભરાવો, 500ની નોટો ઘટવા લાગી
  • RBI દ્વારા 2000ની ચલણી નોટ પાછી ખેંચી લેવાની જાહેરાત થતાંની સાથે જ કાળું નાણું ધોળું કરવા માટે દોડાદોડી શરૂ થઇ ગઇ

રૂપિયા બે હજારની નોટ અંગે આરબીઆઇના નોટિફિકેશન બાદ ખાતેદારોએ નોટ બેન્કમાં બદલવાની સાથે જમા કરાવવાનું વધુ ઉચિત માન્યુ છે અને હાલ સુરત સિટી-જિલ્લામાં રોજ 110 કરોડ જેટલી રકમ જમા થઈ રહી રહી છે તો 80 કરોડ જેટલી બે હજારની નોટ રોજ બદલવામાં આવી રહી છે. આટલી જંગી માત્રામાં નોટ બદલવામાં આવી રહી હોવાથી અનેક બેન્કો પાસે રૂપિયા 500ના દરની નોટો ખુટવા લાગી છે. આરબીઆઇ તરફથી કેટલીક બેન્કોને રૂપિયા 500ના દરની નોટ આપવામાં ન આવી હોવાથી જે દરની નોટ બેન્કોમાં ઉપસ્થિત હોય તે બે હજારના નોટના બદલામા આપવામાં આવી રહી છે.

બેન્કો પાસે રૂપિયા 500ના દરની નોટો ખુટવા લાગી
શહેરના કેટલાંક એટીએમમાંપણ હવે 500ના દરની નોટો આવતી નથી. આવે છે તો ખાતેદારે માંગેલી રકમમાં 100 અ્ને 200ની નોટો પણ આવી રહી છે. બેન્કિંગ જગતના સૂત્રો કહી રહ્યા છે કે જો 500ના દરની નોટ જલદી આપવામાં નહીં આવે તો આવનારા સમયમાં સ્થિતિ બગડી શકે છે. બેન્કો માટે બે હજારના છુટા કેવી રીતે આપવા એ ઇશ્યુ પણ સામે આવી શકે છે. દરમિયાન છેલ્લાં શુક્રવાર બાદથી અત્યારુ સુધી બેન્કો, કેશ ડિપોઝિટ મશીન સહિતમાં કુલ 800 કરોડ જેટલી બે હજારની નોટ જમા થઈ છે.

ફાટેલી નોટો પણ લોકો આપી ગયા
કેટલીક બેન્કોમાં લોકો બે હજારની નોટ જમા કરાવતી વખતે ફાટેલી નોટો પણ આપી ગયા છે. બેન્કોએ નિયમ મુજબ જે નોટ લેવાઈ એમ હોય એ લીધી છે. ડિપોઝિટ કરવામાં હવે પહેલાં દિવસની જેમ હાલ વધુ ચહલપહલ બેન્કોમાં જોવા મળી રહી નથી. નોટ બદલીની જગ્યાએ નોટ જમા કરાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. પિપલ્સ બેન્કના એમ.ડી. જતીન નાયકે કહ્યુ કે બે હજારની નોટ સામે રૂપિયા 500ના દરની નોટ આપવી જરૂરી છે નહીં તો બેન્કોને મુશ્કેલીઓ પડશે.

500ની નોટ આવતી નથી,બે હજારની લેતા નથી
વરાછા કો.ઓપ.બેન્કના ચેરમેન્ કાનજી ભાલાણાએ કહ્યુ કે બેન્કો હાલ બે સમસ્યાઓનો સામનો કરી રહી છે. એક તો 500ના દરની નોટો આપવામાં આવતી નથી, ઉપરાંત એસબીઆઇ દ્વારા રૂપિયા બે હજારની નોટો જે જમા થઈ રહી છે તે પુરેપુરી લેવામાં આવતી નથી. એટલે નોટોનો ભરાવો થઈ રહ્યો છે, આવુ જો રહ્યુ તો આગામી સમયમાં લોકોને રૂપિયા આપવાની તકલીફ પડી શકે છે