વિકાસને વેગ:200 હીરા કંપનીઓ મુંબઈથી સુરતમાં શિફ્ટ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી મુંબઈથી અટકેલુ કંપનીઓનું સ્થળાંતર ફરી સુરતમાં શરૂ થયું

ગુજરાતનું આર્થિક પાટનગર સુરત આપત્તિઓમાં પણ અવસર શોધી લે છે અને અન્ય શહેરોની હાલત કથળી છે ત્યારે સુરતની રફતાર તેજ થઈ રહી છે. લોકડાઉનમાં કોરોના કારણે મુંબઈથી હીરા કંપનીઓનું સુરતમાં થતું સ્થળાંતર અટકી પડ્યું હતું, જે હવે ફરી શરૂ થઈ ચૂક્યું છે. ડાયમંડ બુર્સ બનીને શરૂ થાય તેની રાહ જોવાઈ રહી છે. ત્યારે બુર્સ બન્યા બાદ મોટાભાગની કંપનીઓ મુંબઈની જગ્યાએ સુરતથી હીરાનો ઉદ્યોગ ઓપરેટ કરે તેવી સમગ્ર હીરાઉદ્યોગમાં આશા છે.

લોકડાઉન પૂર્વે મુંબઈથી 100 જેટલી હીરા અને જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓ સુરતમાં સ્થાપિત થઈ છે. આ સાથો-સાથ વરાછા વિસ્તારમાં પોતાના એકમો પણ સ્થાપિત કર્યા છે. આ સ્થળાંતર પાછળનું મુખ્ય કારણ સુરતમાં ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ખજોદ ખાતે ડાયમંડ બુર્સ આકાર લઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. જીજેઈપીસી દ્વારા ઈચ્છાપોર જેમ એન્ડ જ્વેલરી પાર્ક ખાતે ડાયટ્રેડ સેન્ટર પણ શરૂ કરીને કસ્ટમની તમામ ઔપચારિક પરવાનગીઓ મેળવી લેવામાં આવી છે. ત્યારે આવનારા દિવસોમા વિદેશી ડાયમંડ કંપનીઓ દ્વારા ડાયમંડ વ્યુહીંગ શરૂ થઈ શકશે.

આવા સંજોગોમાં જે હીરાનું ટ્રેડિંગ મુંબઈથી થાય છે તેની જગ્યાએ તે જ ટ્રેડિંગ સુરત માર્કેટથી પણ શરૂ થાય તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. આ તમામ વચ્ચે માર્ચ માસથી શહેર અને દેશમાં કોરોનાનું સંક્રમણ વધવાનું શરૂ થયું હતું. જેના કારણે મુંબઈથી હીરાની કંપનીઓનું સ્થળાંતર અટકી પડ્યું હતું. જે ધીમી ગતિએ ફરી શરુ થયું છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનો જણાવે છે કે, આ વર્ષે અંદાજે 70 જેટલી કંપનીઓ સુરતમાં આવી ચૂકી છે. બુર્સ બની ગયા પછી મોટાભાગની કંપનીઓ સુરતમાં આવી જશે તેવી વકી છે.

દિવાળી પછી વધુ યુનિટ આવી શકે છે
હીરા ઉદ્યોગપતિઓની વાત માનીએ તો માત્ર હીરા કંપનીઓના કાર્યાલય જ નહીં, તેના મુંબઈ સ્થિત વિભિન્ન એકમો પણ સુરતમાં સ્થાળાંતર થવા લાગ્યા છે. થોડા સમયમાં આવેલી 70 હીરા કંપનીઓ સ્થળાંતર થઈ છે તેની સંખ્યા દિવાળી પછી બમણી થવાની શક્યતા છે. જેનો લાભ હીરાની સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ મળશે.

મુંબઈથી સ્થળાંતર હવે રૂટિન પ્રોસેસ છે
જીજેઈપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડિયા જણાવે છે કે, મુંબઈથી કંપનીઓનું સ્થળાંતર હવે એક રૂટિન પ્રોસેસ સમાન થઈ ગયું છે. બુર્સ બને ત્યાં સુધીમાં મોટાભાગની કંપનીઓ સુરત આવી જાય તેવી વકી છે. અત્યાર સુધી અંદાજે 200 કંપનીઓ સુરત સ્થળાંતર થઈ ચૂકી છે. હવે તો બેંક ગેરેન્ટી વગર સુરતથી હીરાનું સીધું એક્સપોર્ટ પણ શક્ય છે, ત્યારે કોરોનાની સ્થિતિ થાળે પડે ત્યારે રોકાણ શહેરમાં વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...