તમને જાણીને આશ્ચર્ય થશે કે બળાત્કાર-પોક્સોના કેસમાં કોર્ટ પીડિતાઓને વળતર ચૂકવવાનો હુકમ કરે છે, જે આરોપીએ જ ચૂકવવાનું હોય છે પરંતુ એ પહેલાં સરકાર આ રૂપિયા ચૂકવી ભોગ બનનારને આર્થિક મદદનો પ્રયાસ કરે છે.
બાદમાં આ નાણાંની વસૂલાત આરોપીઓ પાસે થાય એ માટે સિવિલ કોર્ટમાં દાવા કરવામાં આવે છે, પરંતુ જેલમાં મજૂરી કરીને રોજના માંડ રૂ.100 કમાતા કેદીઓ આ નાણાં ક્યારેય ચૂકવતા નથી. સુરત સિવિલ કોર્ટમાં રૂ.10 કરોડ વસૂલવા માટે 200થી વધુ દાવા થયા છે. કેદીઓને કોર્ટ તરફથી નોટિસ પણ ઇશ્યૂ કરાઈ છે.
દાવા કર્યા છે પણ આરોપીઓ પાસેથી વળતર વસૂલવું અઘરું છે : સરકારી વકીલ
APP કિશોર રેવલીયા કહે છે કે, આરોપીઓ પાસેથી વળતર વસૂલવું અઘરું એટલાં માટે છે કે તેઓ જેલમાં એટલું કમાતા નથી. નિયમ મુજબ તો આરોપીઓની મિલકત વેચી વસૂલાત કરી શકાય છે. જેલ સત્તાવાળા કહે કે, કાચા કામના અને પાકા કામના એમ બે આરોપી હોય છે. સામાન્ય કામ હોય તો રોજના રૂા. 70 અને કુશળ કામ કરી શકતા હોય તો 100 રૂપિયા મળે છે. જેમની સામે ટ્રાયલ ચાલતી હોય તે કાચા કામના કેદી હોય છે. સરકાર જવાબદારી સમજીને પીડિતાના પુનર્વસન માટેના પ્રયાસ કરે છે.
તાજેતરના 13 કેસમાં સરકારે રૂ. 60 લાખ ચૂકવ્યા
પોક્સો - રેપના છેલ્લાં 10 કેસમાં જ 40 લાખથી વધુના વળતરની ચૂકવણી થઈ છે. જેમાં બાળાની ઉંમરના આધારે તેને અમુક રૂપિયા પહેલાં મળે છે. બાકીના બેન્કમાં રાખવામાં આવે છે, જેનું વ્યાજ પીડિતાને મળે છે. ફિક્સ ડિપોઝિટના પણ હુકમ થાય છે અને બાળા 18 વર્ષ પૂરા કરે પછી તેને આ રૂપિયા મળે છે. છેલ્લાં 3 કેસમાં 20 લાખથી વધુ અને 10 કેસમાં 40 લાખથી વધુના આદેશ થયા છે.
લોકડાઉનમાં બળાત્કારના 28 કેસમાં સજા થઈ
છેલ્લાં એક વર્ષમાં રેપના કેસમાં 28ને સજા થઈ છે. એ પહેલાં એક ફાંસીનો ચુકાદો પણ આવ્યો છે. ઉપરાંત જીવનના અંતિમ શ્વાસ સુધી જેલ કાપવાની સજા અને આજીવન કેદની સજા પણ આરોપીને થઈ છે. લોકડાઉનમાં જ્યારે કોર્ટે બંધ હતી ત્યારે ટ્રાયલ પૂરી થવા આવી હોય તેવા કેસનો નિકાલ કરવા પ્રયાસ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.