નશાના કારોબારીઓને સજા:વડોદરામાં 7 વર્ષ પહેલા 1.20 કરોડના નશીલા પોશડોડાના જથ્થા સાથે ઝડપાયેલા બેને 20 વર્ષની સખત કેદ ફટકારતી કોર્ટ

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા કોર્ટની ફાઈલ તસવીર. - Divya Bhaskar
વડોદરા કોર્ટની ફાઈલ તસવીર.
  • એક આરોપીને શંકાના અભાવે નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો હુકમ કર્યો
  • આરોપીને એક લાખ રૂપિયાનો દંડ ફટકારતો કોર્ટે હુકમ કર્યો

સાત વર્ષ પૂર્વે વડોદરા હાલોલ રોડ ઉપર આવેલી સુપ્રીમ હોટલ પાસેથી પોલીસે વાહન ચેકિંગની કામગીરી દરમિયાન નંબર પ્લેટ વગરના ટેમ્પોમાં પશુ આહારની આડમાં સંતાડેલો રૂપિયા 1.20 કરોડની કિંમતનો પોશડોડાના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જે અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં અદાલતે ડ્રાઇવર તથા ક્લીનરને એનડીપીએસના આ ગુનામાં કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદ તથા પ્રત્યેક આરોપીને એક લાખ રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. જ્યારે અન્ય એક આરોપીને શંકાના અભાવે નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, પોશડોડાએ નારકોટીક્સ પદાર્થ છે તેનો ઉપયોગ નશીલુ દ્રવ્ય બનાવવા થાય છે. જેના પર નશાબંધી વિભાગે પ્રતિબંધ લગાવેલો છે.

પશુ આહારની આડમાં સંતાડેલો પોશડોડાના જથ્થા મળ્યો હતો
વર્ષ 2014 દરમિયાન પોલીસની ટીમ હાલોલ રોડ પર આવેલા લીલોરા ગામની સીમમાં વાહન ચેકિંગની કામગીરીમાં હતા. તે સમયે હાલોલ તરફથી આવતા ટેમ્પોની પાછળ તથા આજુબાજુ નંબર પ્લેટ ન હોય, પોલીસને શંકા જણાતા તપાસ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ટેમ્પો ડ્રાઇવર બલદેવસિંગ ઉર્ફે ગુરુદેવસિંગ અરજણસિંગ જાટ (રહે- તરણતારણ, પંજાબ ), ક્લીનર જશબીદરસિંગ ગુરુચરણ સિંગ મજબીશીખ (રહે- બોડીપુરા, ભટીંડા, પંજાબ) અને બિયાતસિંગ મહેન્દ્રસિંગ મજબીશીખ (રહે- બાજાપતિ, મોગા, પંજાબ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ટેમ્પાની તપાસ કરતાં તેમાં પશુ આહારની આડમાં લઈ જવાતો નશીલા પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પશુઆહારમાં ચણાના ફોતરા ભરેલી 100 થેલી તથા પોશડોડાની 150 થેલી કબજે કરી હતી. તપાસ દરમિયાન 150 થેલાઓમાંથી પ્રતિ કિલો 4 હજાર લેખે પોશડોડાનો રૂપિયા 1.20 કરોડની કિંમતનો 3 હજાર કિલો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું. ઉપરોક્ત આરોપીઓ હાલ જેલમાં છે.

પરપ્રાંતમાંથી ગુજરાતમાં માદક પદાર્થની હેરાફેરી
આ અંગેના કેસની વડોદરાના સ્પેશ્યલ જજ ( એનડીપીએસ ) અને બીજા અધિક સેશન્સ જજ એચ. આઈ. ભટ્ટની અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો તથા લેખિત અને મૌખિક પુરાવા ચકાસ્યા બાદ અદાલતે હુકમ કર્યો હતો કે, આરોપી બલદેવસિંગ અને જસબિંદરસિંગએ વાહનની નંબર પ્લેટ બદલી પરપ્રાંતમાંથી ગુજરાતમાં માદક પદાર્થની હેરાફેરી કરી હોવાનું સાબિત થાય છે. જેથી તેમને આ ગુનામાં કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદ તથા પ્રત્યેક આરોપીઓને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. જ્યારે અન્ય આરોપી બિયાગસિંગ મજબીશીખને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.

નશીલા પદાર્થો વેચી નાગરિકોનું જીવન ખોખલું કરવાનો પ્રયાસ
આ કેસ અંગે કોર્ટે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સમગ્ર રાષ્ટ્ર જુદા જુદા પ્રકારના આતંકવાદનો સામનો કરી રહ્યું છે. તેના ભાગરૂપે પાડોશી દેશોમાંથી નશાકારક પદાર્થો ભારતની સીમમાં ગેરકાયદેસર રીતે ઘુસાડી તેનું વેચાણ કરી દેશના યુવાધનને બરબાદ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. જેની વિપરીત અસર દેશની આર્થિક સ્થિતિ પર થાય છે. આ પ્રકારના નશીલા પદાર્થોને દેશમાં વેચી નાગરિકોનું જીવન ખોખલું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

સજાનો આશય સમાજમાં કાયદાનું શાસન જળવાઇ રહે
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ પોતાના વ્યક્તિગત ફાયદા માટે દેશમાં અરાજકતાનો અને અસુરક્ષિતતાનો માહોલ ઉભો કરી રહ્યા છે. જે પ્રમાણે દેશની સીમાઓ સેનાના જવાનોથી સુરક્ષિત છે. તેવી જ રીતે સીમાઓની અંદરનું ભારત પોલીસ કામગીરીથી સુરક્ષિત છે. વાહન ચેકિંગની કામગીરી દરમિયાન પ્રતિબંધિત પોશડોડાનો વિશાળ જથ્થો પકડવામાં પોલીસને સફળતા મળી છે. સજાનો આશય સમાજમાં કાયદાનું શાસન જળવાઇ રહે તથા ગુનેગારોને ગુનાઓ આચરતા પહેલા કાયદાનો ડર જળવાઈ રહે તેવો છે.