મકરસંક્રાંતિ આવતાની સાથે જ ઘાતક પતંગની દોરીથી અનેક અકસ્માતો પણ સર્જાતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. દર વર્ષે રાજ્યભરની અંદર પતંગના માંઝાથી ગળું કપાઈ જવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે 20 વર્ષ અગાઉ ઓવરબ્રિજ પરથી પસાર થતાં મિત્રનું ગળું કપાઈ જતાં અવસાન થયા બાદ તેનો મિત્ર બીજા કોઈ સાથે આવું ન થાય તે માટે માનવતાનું કાર્ય કરી રહ્યો છે. બ્રિજેશ વર્મા કહે છે કે, આજે પણ મિત્રની માતાની આંખના આંસૂ સૂકાયા નથી. તેથી અન્ય કોઈને પોતાનો મિત્ર કે દીકરો ન ગૂમાવવો પડે તે માટે દરવર્ષે ઉતરાયણ અગાઉથી લોકોના ગળે સેફ્ટી બેલ્ટ બાંધવાનું કામ કરું છું.
જોખમી પતંગનો દોરો
વર્ષ 2003માં સુરતના પરવત પાટીયા વિસ્તારમાં આવેલી રંગ અવધૂત સોસાયટીમાં રહેતા કૃપાલસિંહ ચૌહાણ અકસ્માતના ભોગ બન્યા હતા. રીંગરોડ ઉપર બનેલા ફ્લાય ઉપરથી તેઓ પોતાના મોટરસાયકલ ઉપર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એકાએક જ પતંગનો દોરો તેમના ગળા ઉપર ફરી વળ્યો હતો. જેને કારણે ગળાના ભાગે ઇજા થઈ હતી. તેઓએ પોતાના વાહન ઉપરથી કાબૂ ગૂમાવતા રોડ ઉપર પટકાયા પણ હતા. જેના કારણે માથામાં ગંભીર ઈજા થઈ હતી. દોરો તેના ગળાના ભાગે આવતાની સાથે જ તે રોંગ સાઈડ ઉપર પટકાયો હતો અને સામેથી આવતી કાર સાથે પણ ટક્કર થઈ ગઈ હતી.
સારવાર દરમિયાન મોત નીપજ્યું
મોટર સાયકલ ઉપર પસાર થતી વખતે કૃપાલસિંહને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ઈજા ખૂબ જ ગંભીર હોવાને કારણે તેમનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. પતંગની દોરીના કારણે ગળાના ભાગે પણ ગંભીર ઈજા થઈ હોવાને કારણે તેમનો જીવ બચી શક્યો ન હતો. માતા પિતા એ પોતાનો દીકરો ગૂમાવ્યો અને બહેને પોતાના ભાઈને ગૂમાવ્યો હતો. આવા અનેક કિસ્સાઓ પતંગના દોરાના કારણે ઘણાને સ્વજન ગૂમાવવાનો વારો આવતો હોય છે.
મિત્રની માતાના આંખના આંસૂ આજે પણ છલકાય છે
રોડ સેફ્ટી કાઉન્સિલના પ્રમુખ બ્રિજેશ વર્માએ જણાવ્યું કે, કૃપાલસિંહ ચૌહાણ મારા ખાસ મિત્ર હતા. સુરતની આઈ. સી. ગાંધી સ્કૂલ ખાતે ધોરણ 11માં અમે કોમર્સમાં સાથે ભણતા હતા. મકરસંક્રાંતિના દિવસો ખૂબ નજીક હતા.પરંતુ એકાએક જ સમાચાર મળ્યા કે, મારા મિત્રનો ફ્લાય ઓવર બ્રિજ રીંગરોડ ખાતે અકસ્માત થયો છે. તેને ખૂબ જ ગંભીર ઈજા થઈ છે. હજી તો અમે તેને મળવા જઈએ. તેના ખબર અંતર પૂછીએ, એ પહેલા જ જાણવા મળ્યું કે, તેનું મોત નીપજ્યું છે. માથાના ભાગે તેને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. હું સમય અંતરે તેના ઘરે જતો. તેથી તેના પરિવારના તમામ લોકો મારા પરિચયમાં હતા. મિત્રને ગૂમાવતા હું જ્યારે પણ તેના ઘરે જતો ત્યારે તેની માના આંખમાં આંસૂ જોતો હતો. આજે પણ એક દિવસ મને યાદ છે અને તેની માતાનું રુદન અને આક્રંદ આજે પણ મારા કાનમાં ભણકારાની જેમ વાગ્યા કરે છે. મેં નક્કી કર્યું હતું કે, હવે હું રોડ સેફ્ટી માટે કામ કરીશ અને પતંગના દોરાથી એક પણ વાહન ચાલકનો જીવ બચાવી શકું. તો મારું કાર્ય સફળ માનીશ. શહેરમાં દર મકરસંક્રાંતિએ હજારો સેફ્ટી બેલ્ટનું વિતરણ અલગ અલગ એનજીઓ સાથે મળીને કરું છું.
રોડ સેફ્ટી વાહન ચાલકો માટે ખૂબ જરૂરી
મારો મિત્ર જ્યારે આ અકસ્માતમાં અમે ગૂમાવ્યો ત્યારથી રોડ સેફ્ટીને લઈને હંમેશા વિચારતો રહેતો હતો. રોડ સેફ્ટી કાઉન્સિલના હું હાલ પ્રમુખ તરીકે કામ કરું છું. આરટીઓ સાથે મળીને માર્ગ સેફ્ટી અવેરનેસ માટે કામ કરતો રહું છું. શાળા અને કોલેજોમાં જઈને જાગૃતિ લાવવા માટેના પ્રયાસો હાથ ધરવા ખૂબ જ જરૂરી છે અને એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. મકરસંક્રાંતિ દરમિયાન વધુમાં વધુ સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અમને આર્થિક મદદ કરવામાં આવે છે. તેના કારણે અમે આ કાર્ય કરી શકે છે. ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન એ જોખમ પૂરવાર થઈ શકે છે. તેથી તમામ વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોનું અચૂક પાલન કરવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.