20 વર્ષ પહેલા એક મિત્રને પતંગની દોરીથી ગુમાવ્યો, કોઇ પણ પ્રકારની સેફ્ટી વિના જ બહાર નીકળેલા મિત્રનું ગળું પતંગની દોરીથી કપાઇ ગયું, આજે જ્યારે કોઇ વ્યક્તિને પતંગના દોરાથી ઇજા થાય ત્યારે તે હૃદયદ્રાવક દૃશ્ય આજે પણ યાદ આવી જાય છે, આ વાત કહેનાર અડાજણના યુવક મિત્રની યાદમાં લોકોને રોડ સેફ્ટી અને પતંગના દોરાથી બચવા માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમ કરે છે. ચાર વર્ષ પહેલા આ યુવકે ગળાની સેફ્ટી માટે વિનામૂલ્યે સેફ્ટી બેલ્ટ આપવાનું નક્કી કર્યું હતું, 1000થી શરૂ કરીને આજે 10 હજાર લોકો સુધી સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવાનો નિર્ધાર કરાયો છે.
શહેરના સૌથી લોકપ્રિય તહેવાર ગણાતા ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, યુવાઓ અત્યારથી જ માંજા તૈયાર કરીને પતંગ ચગાવવા લાગી ગયા છે. તેની સાથે જ ડિસ્ટ્રીક્ટ ટ્રાફિક એજ્યુકેશન અને વેલફેર સોસાયટી દ્વારા રોડ સેફ્ટી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય ચાર રસ્તા ઉપર વાહનચાલકોને પતંગના દોરાથી અકસ્માત ન થાય તે માટે વિનામૂલ્યે સેફ્ટી બેલ્ટ વિતરણનો કાર્યક્રમ શરૂ કરાયો છે.
સાત દિવસના આ કાર્યક્રમનું આયોજન કરનાર અને રોડ સેફ્ટી કાઉન્સીલના પ્રમુખ બ્રિજેશ વર્માએ માહિતી આપતા કહ્યું કે, 20 વર્ષ પહેલા પુણાના પરવત પાટીયા પાસે રંગઅવધૂત સોસાયટીમાં રહેતા મારા પરમિત્ર કૃપાલસિંહ ચૌહાણનું પતંગના દોરાથી ગળું કપાઇ ગયું હતું અને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જ્યારે પણ ઉત્તરાયણ પર્વ આવે ત્યારે મને મારો મિત્ર યાદ આવે છે. લોકોને પતંગના દોરાથી જેટલા બચાવી શકાય તેટલા બચાવવા માટે પ્રયત્ન કરાઇ છે. મિત્રની યાદમાં જ મે અલગ અલગ રોડ સેફ્ટી અને જનજાગૃતિ કાર્યક્રમો પણ હાથ ધર્યા હતા.
છેલ્લા ચાર વર્ષથી ગળાના સેફ્ટી બેલ્ટનું વિતરણ શરૂ કર્યું છે. ચાર વર્ષ પહેલા એક હજાર સેફ્ટી બેલ્ટનું વિતરણ થયું હતું, ત્યારબાદ બે હજાર, ત્યારબાદ 5 હજાર અને આ વર્ષે 10 હજાર બેલ્ટનું વિતરણ કરવામાં આવશે.હજુ પણ વિતરણનો આંક વધી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.