અમરોલીમાં સોસાયટીમાં કિન્નરનો સ્વાંગ ધરીને પહોંચેલા ગઠીયાઓએ મહિલા પાસેથી વિધી કરવાના બહાને રૂ.96 હજારના દાગીના તફડાવી લીધા હતા. મંગળવારે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં કિન્નરના સ્વાંગમાં ઠગાઈ કરતા ગઠીયાઓને ઝડપી પાડ્યા હતા.અમરોલી સાયણ રોડ સાંઈ રો હાઉસમાં રહેતા અશ્વિનભાઈ શેલીયા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમના પત્ની ભાવનાબેન મંગળવારે સવારે ઘરે હતા. ત્યારે 2 કિન્નર તેમના ઘરે આવ્યા હતા.
જેથી ભાવનાબેને પાડોશી પાસેથી લાવી તેમને રૂ.100 દાપુ આપ્યું હતું. જોકે બન્ને કિન્નરોએ ભાવનાબેનને તારા મનમાં ધારેલા બે કામ થઈ જશે પરંતુ તેના માટે અમારે એક વિધી કરવી પડશે તે વિધી કરવા માટે તમારા પાંચ સોનાના દાગીના લઈ આવો અને અમે ચાર રસ્તે જઈ વિધી કરી આપીશુ` તેવી વાતો કરી તેમને વિશ્વાસમાં લઈ લીધા હતા.
કિન્નરોની વાતોમાંં આવીને ભાવનાબેને તેમને રૂ.96,750ની કીમતના સોનાના દાગીના આપી દીધા હતા. દાગીના લઈ કિન્નરો વિધી કરીને અડધો કલાકમાં પરત આપી જશું તેવું કહી પલાયન થઈ ગયા હતા. ત્રણ કલાક બાદ પણ તેઓ પરત નહી આવતા ભાવનાબેને તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. આખરે બુધવારે તેમણે અમરોલી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
બાબુ સામે 9, મહેશનાથ સામે 15 ગુના નોંધાયા
ભાવનાબેનની ફરીયાદ બાદ અમરોલીના પીએસઆઈ જે.કે. બારીયા અને તેમની ટીમે સીસી ટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં કિન્નરો જે રિક્ષામાં આવ્યા હતા તેના નંબરના આધારે રિક્ષા ચાલકને ઝડપી પુછપરછ કરતા કિન્નરો સ્ટેશન નજીકની હોટેલમાં રોકાયા હોવાનું સામે આવતા પોલીસે હોટેલોમાં શોધખોળ કરી કિન્નરોનો સ્વાંગ ધરી ઠગાઈ કરતા રાજકોટના તરઘડીના બાબુ પરમાર(42) અને મહેશનાથ પરમાર(37)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાગીના કબ્જે કર્યા હતા. બાબુ સામે 9 અને મહેશનાથ સામે અલગ અલગ 15 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.