કાપોદ્રામાં કારમેળામાંથી કાર ખરીદવાના બહાને આવેલા બે ગઠિયા કાર લઈને ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ ખરીદતા પહેલા બારડોલીમાં કાર બતાવવા માટે લઈ જવાનું કહી કારમેળાના માલિક સાથે કાર લઈને નીકળ્યા હતા. રસ્તામાં આરોપીઓએ કાર મેળાના માલિકને ધમકી આપીને ઉતારી દઈ કાર લઈને નાસી છૂટ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સરથાણા જકાતનાકા પાસે કવિતા રો-હાઉસ-1માં રહેતા મિતુલ ચંદુભાઈ વેકરિયા કમીશનથી કાર લે-વેચનો વ્યવસાય કરે છે. તેઓનો નાના વરાછા ઢાળ પાસે અલખ કાર મેળાના નામથી કાર મેળો છે.
કાર મેળામાં મિતુલના પિતા અને પિતાના ઓળખીતા ધર્મેન્દ્ર વેકરિયા પણ પાર્ટનર છે. 11મી તારીખે સાંજે 2 જણા કાર મેળામાં આવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, તેમના કસ્ટમર બારડોલીમાં છે. તેમને એક કાર ખરીદવાની છે. ત્યારે અજાણ્યાઓએ કહ્યું હતું કે, તમારે કમીશન પેટે અમને 20 હજાર રૂપિયા આપવા પડશે. અજાણ્યાઓએ કાર બતાવવા માટે બારડોલી લઈ જવાનું કહેતા મિતુલ પણ તેમની સાથે કારમાં બેસી ગયો હતો. સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે આરોપીઓએ માવો ખાવા માટે કાર ઉભી રાખી હતી.
ત્યાં આરોપીઓએ મિતુલને માવો લાવવાનું કહ્યું હતું. મિતુલે કારમાંથી ઉતરવાની ના પાડતા અજાણ્યાઓએ મિતુલને ગાળો આપીને ઉતરી જા નહીં તો કારમાંથી ફેંકી દઈશું એવી ધમકી આપી હતી અને મિતુલને કારમાંથી નીચે ઉતારીને કાર લઈને કામરેજ તરફ ભાગી ગયા હતા. કારની હાલની કિંમત 4.65 લાખ રૂપિયા છે. મિતુલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કાર ચોરીની ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.