વેસુ એક્સલુટ શોપર્સ બિલ્ડિંગમાં ત્રીજા માળે ઓફિસ ખોલી લેભાગુ એજન્ટે 2 યુવકોને વિદેશમાં નોકરીનાં સપનાં બતાવી 11.75 લાખની રકમ પડાવી છે. યુવકે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપતા પોલીસે સ્ટાર એશિયા પેસિફિક ઇમિગ્રેશનના લેભાગુ ડિરેક્ટરોમાં અકબરઅલી તઝુદીન શેખ ઉર્ફે અલી અને હારીસ રહીમ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.
ભાઠેનાનો ભાવેશ પટેલ (32) અગાઉ સ્ટીલની કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે સહકર્મીએ રેફરન્સ આપતા ભાવેશ અને તેના મામાનો દીકરો વિપુલ વેસુની ઓફિસ પર ગયા હતા. જ્યાં અકબરઅલીએ યુક્રેન નોકરી માટે મોકલવાની વાત કરી 4.50 લાખ થશે એવું કહ્યું હતું. આથી તેમણે કુલ 11.75 લાખ આપ્યા હતા. બાદમાં ભાવેશ પટેલ અમદાવાદથી પોતાની ટિકીટે યુક્રેન ગયો હતો.
જો કે, ત્યાં તેને કોઇ લેવા ન આવતા તેણે ભારત રિટર્ન આવવું પડ્યું હતું. ત્યાર બાદ અકબરઅલીનો સંપર્ક કરતાં તે દુબઈ હોવાની વાત કરતો હતો. યુવક દુબઈ ખાતે અકબરઅલીને મળવા પણ ગયો પરંતુ તે મળ્યો ન હતો અને ફોન પર પણ રિસીવ કર્યો ન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.