સુરત સત્તાનો સંગ્રામ LIVE:પ્રથમ તબક્કાની ચૂંટણી માટે સુરતની 16 બેઠકો માટે 195 ઉમેદવારોએ 362 ફોર્મ ભર્યા, આજે ફોર્મની ચકાસણી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉમેદવારોના ફોર્મ ભરાઈ જતાં હવે પ્રચારમાં એડિચોટીનું જોર લગાવી રહ્યાં છે. - Divya Bhaskar
ઉમેદવારોના ફોર્મ ભરાઈ જતાં હવે પ્રચારમાં એડિચોટીનું જોર લગાવી રહ્યાં છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે ઉમેદવારો અને સમર્થકોના ધાડે ધાડા રિટર્નિંગ ઓફિસરની કચેરી પર ઉતરી આવ્યા હતા. છેલ્લા દિવસે 138 ઉમેદવારોએ 276 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લાની કુલ 16 વિધાનસભાની બેઠક પર કુલ 195 ઉમેદવારોએ 362 ફોર્મ ભર્યા છે. આજે ઉમેદવારી ફોર્મ ચકાસણી થઈ રહી છે. 17મીએ ફોર્મ પરત ખેંચી શકાશે. જેથી 17મીએ જ સુરતની 16 વિધાનસભા બેઠક પર ઉમેદવારોનું ફાઇનલ ચિત્ર સ્પષ્ટ થશે.બીજી તરફ ઉમેદવારોએ પ્રચાર જોર શોરમાં શરૂ કરી દીધો છે.

ટોકન આપવા પડ્યા
સુરત શહેર અને જિલ્લાની 16 વિધાનસભા બેઠક માટે સોમવારે ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં લિંબાયત બેઠક પર ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ 66 ફોર્મ ભરાયા હતા. શુક્રવારે 9 ફોર્મ ભરાયા બાદ સોમવારે 40 જેટલા ઉમેદવારો પોતાના કાર્યકરો સાથે ફોર્મ ભરવા માટે રિટર્નિંગ ઓફિસરની કચેરી પર પહોંચી ગયા હતા. બપોરે ૩.૦૦ વાગ્યા સુધી જ ફોર્મ ભરવાની સમય મર્યાદા હોય અને ઉમેદવારો વધારે હોવાથી આ સમય સુધી આવી ગયેલા ઉમેદવારોને ટોકન આપવામાં આવ્યા હતા. જ્યારે ફોર્મ સ્વિકારવાની કામગીરી મોડે સુધી ચાલી હતી.

ભાજપ પ્રમુખ ખુદ રિટર્નિંગ ઓફિસરને મેન્ટેડ આપ્યા
કોઇ પણ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવવા માટે મેન્ટેડ મહત્વનું રહે છે. ત્યારે ભાજપ દ્વારા મેન્ટેડ આપવા માટે ખુદ શહેર પ્રમુખ આવ્યા હતા. સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ ઉમેદવારો ફોર્મ ભરવા આવ્યા ત્યારે ઉમેદવારાનો નામના મેન્ટેડ પોતાના હસ્તે રિટર્નિંગ ઓફિસરોને સુપ્રત કર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીએ વિધાનસભા મત વિસ્તાર મુજબ ટીમ બનાવીને કન્વીનરોને વિશ્વાસમાં લઇને ઉમેદવારોને મેન્ટેડ આપ્યા હતા. જ્યારે કોંગ્રેસે સીધા ઉમેદવારોને મેન્ટેડ આપી દીધા હતા.

ખાલીસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા
જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી નોંધાવવા માટે ભાજપના ઉમેદવારો લગભગ નજીક નજીકના સમયે આવી જતા ભાજપના કાર્યકરોનું સેવાસદન બહાર મોટુ ટોળુ થઇ ભેગુ થઇ ગયું હતું. આ સમયે આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેમના કાર્યકરો સાથે ત્યાંથી પસાર થયા હતા. આ જોઇને અચાનક ભાજપના કાર્યકરોએ ખાલીસ્તાન મુર્દાબાદના નારા લગાવવા લાગતા વાતાવરણ ગરમાયું હતું. જોકે, બાદમાં મામલો થાળે પડી ગયો હતો.

વાજતે-ગાજતે પ્રચાર શરૂ
ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ હવે વાજતે ગાજતે સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે રેલીસ્વરૂપે, વાહનોમાં તથા પગપાળા પ્રચાર-પ્રસાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. મતદારોને રિઝવવા માટે થઈને અલગ અલગ તરકીબો પણ અજમાવવામાં આવી રહી છે. કાર્યકરો અને નેતાઓ દ્વારા લોકોને વાયદાઓ અને વચનો આપવામાં આવી રહ્યા છે.

વયસ્કો માટે વ્યવસ્થા
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મહત્તમ મતદાન થાય અને ૮૦ વર્ષથી વધુ વયના વડીલો પણ તેમના મતાધિકારનો સમાન રીતે ઉપયોગ કરી શકે એ હેતુથી જિલ્લા ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત ૮૦ વર્ષથી વધુની વયના વૃદ્ધો ઘરઆંગણે મતદાન ટુકડીના નિરીક્ષણમાં પોતાનો મત આપી શકે છે. સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાના ૬૨,૦૩૭ જેટલા ૮૦ વર્ષથી ઉપરના વરિષ્ઠ મતદારોને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા BLOના માધ્યમથી ઘરે ઘરે જઈ પોસ્ટલ બેલેટ માટે અરજી કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...