ફરિયાદ:વેસુના વેપારીને 18.59 લાખનો ચૂનો ચોપડી 2 ઠગ વેપારી ફરાર

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કતારગામના 2 ઠગે માલ ખરીદી નાણાં ન આપ્યા

વેસુ વીઆઈપી રોડ પર રહેતા આંજણાના એચટીસી માર્કેટના વેપારી પાસે કતારગામના 2 ઠગ વેપારીએ રૂ. 18,59,313નો સાડીના કાપડનો માલ ખરીદ્યો હતો. બાદમાં પોતાનું ખાતુ અને ફોન બંધ કરી બંને ઠગ ફરાર થઈ ગયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વેસુ વીઆઈપી રોડ પર એલ.પી.સવાણી સ્કૂલ પાસે એવન્યુ 77માં રહેતા નીતિન વિનય અગ્રવાલ આંજણા ફાર્મ ખાતે આવેલા એચટીસી માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન નં. જી-124માં સ્વરાજ સિલ્ક નામની દુકાનમાં કાપડ વેપાર કરે છે.

કતારગામમાં આરોગ્ય કેન્દ્ર પાસે વિશાલનગર સોસાયટીમાં રહેતા અશોક કરમશી ચોવટીયા અને ખુશાલ કુંભાણી ભાગીદારીમાં હરી એન્ટરપ્રાઈઝના નામથી તૈયાર સાડી ખરીદી તેના પર જોબવર્ક કરાવી તેને વેચવાનો ધંધો કરતા હોવાથી માર્કેટમાં અવરનવર નીતિનને મળતા હતા. તા.6 ઓક્ટોબર 2021ના રોજ બંનેએ મોટા પાયે વેપાર કરતા હોવાનું અને માલ બહારના શહેરોમાં પણ સપ્લાઈ કરતા હોવાનું જણાવી ટાઈમ પર પેમેન્ટ કરી દેવાની ખાતરી આપી હતી.

જેથી નીતિન પાસે રૂ. 18.59 લાખ સાડીના કાપડનો માલ લઈ ગયા હતા. મુદત પૂર્ણ થતા પેમેન્ટ માંગતા બંને મંદીનું બહાનુ કાઢી નાણાં આપતા ન હતા. બાદમાં તેમના ખાતા પર તપાસ કરી તો હરી એન્ટરપ્રાઈઝ બંધ હતુ અને મોબાઈલ પણ સ્વીચ ઓફ હતા. સ્થાનિક અન્ય વેપારીઓએ કહ્યું કે, બંને ઠગ અન્ય લોકોના પણ પૈસા લઈને ભાગી ગયા હતા. નીતિને 2 ઠગ વેપારી વિરૂધ્ધ સલાબતપુરામાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...