ભાસ્કર એક્સક્લુઝિવ:1800 ટીમ આજથી 90 હજારને શોધશે 81000 વ્યસ્ત, 70000 હવે રસી મુકાવશે

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મોબાઇલ કંપનીઓ પાસેથી પાલિકાએ ઘરનાં એડ્રેસ મેળવ્યાં
  • વેક્સિનનો બીજો ડોઝ બાકી હોય એવા 2.41 લાખ લોકો માટે પાલિકાનો સરવે

શહેરમાં 34 લાખ લોકોને વેકસિન આપવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ ડોઝ 100 ટકા લોકોને આપી દેવાયાનો દાવો પાલિકાએ વ્યકત કર્યો છે પણ બીજો ડોઝ 49 ટકા લોકોને અપાયો છે. પ્રથમ ડોઝ લીધો હોય અને બીજો બાકી હોય તેવા 2.41 લાખ લોકોનો પાલિકાએ સરવે હાથ ધર્યો હતો. આ 2.41 લાખ લોકોએ વેકસિનનો પ્રથમ ડોઝ લીધો હોવાને 100 દિવસ ઉપરાંતનો સમય થઈ ગયો છે. તેઓ બીજો ડોઝ કેમ લેતાં નથી તે માટે તમામ ઝોનના કર્મચારીઓ દ્વારા ટેલીફોનીક સરવે કરાયો હતો. જેમાં 90 હજાર લોકોના ફોન સ્વીચ ઓફ અથવા તો નોન રીચેબલ હોવાનું ખૂલ્યું છે.

81 હજાર લોકોએ પાલિકાના કર્મચારીઓએ કહ્યું હતું કે, અમે અત્યારે વ્યસ્ત છીએ અને અમારા સમયે વેકસિન લઈ લઈશું. જયારે 70 હજાર લોકોએ પાલિકાના ફોન પછી બીજો ડોઝ લેવાની શરૂઆત કરી દીધી છે. કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, જે 90 હજાર લોકો સંપર્કમાં નથી તેમના સરનામાં મોબાઈલ કંપનીઓ પાસેથી મેળવવામાં આવ્યા છે અને હવે તેમના ઘરે ઘરે જઈને સરવે કરવાનું નક્કી કર્યું છે. 1800 જેટલી ટીમો શુક્રવારથી આ કામગીરીમાં જોતરાશે.

બાકી રહી ગયેલા માટે વિશેષ સુવિધા

ટોલ ફ્રી નંં. 1800 123 8000 પર કોલ કરો અને ઘરઆંગણે રસી મેળવો પણ 11 લાભાર્થી જરૂરી
પાલિકાએ વેક્સિનથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓ માટે ટોલ ફ્રી નંબર-૧૮૦૦-૧૨૩-૮૦૦૦ જાહેર કર્યો છે. જે સોસાયટી, એપાર્ટમેન્ટ કે શેરી-મહોલ્લામાં 11થી વધુ લોકો રસી મેળવવા માંગતા હોય તે લોકો આ નંબર પર કોલ કરશે તો પાલિકા ઓનકોલ સ્પોટ વેક્સિનેશન સુવિધા આપશે. લોકોએ ઉત્સાહ પૂર્વક પ્રથમ ડોઝ મેળવ્યો હતો.

જોકે બીજો ડોઝ મેળવવામાં ઉદાસીનતાને ધ્યાનમાં રાખી પાલિકાએ લોકોના ઘરઆંગણે જ રસીકરણ થઇ જાય તેવી સુવિધા ઊભી કરી છે. પાલિકાએ કહ્યું કે, 11 લોકો એકસાથે રસી મેળવવા માંગતા હોય અને પાલિકાના ટોલ ફ્રી નંબર પર ઇચ્છા વ્યક્ત કરશે તો વેક્સિનેશન મોબાઇલ ટીમની વ્યવસ્થા કરી આપશે. આ સેવામાં વિકલાંગ, વ્યસ્ક વ્યક્તિઓને પણ પ્રાધાન્ય આપી ઘરઆંગણે જ વ્યવસ્થા કરી આપવાની પાલિકાએ જાહેરાત કરી છે.

મૃત્યુના 6 મહિને વરાછાના વૃદ્ધને બીજો ડોઝ! સર્ટિ. પણ ડાઉનલોડ થતાં ગોટાળાનો આક્ષેપ

પરિવારે પાલિકાને 4 વાર મૃત્યુની જાણ કરી છતાં બીજા ડોઝનો મેસેજ આવ્યો
પાલિકાની વધુ એક લાપરવાહી સામે આવી છે, જેમાં અવસાનના 6 મહિના બાદ એક વૃદ્ધને સેકન્ડ ડોઝ અપાયાનો મેસેજ કરી તેનું પ્રમાણપત્ર પણ જનરેટ કર્યું છે. વરાછાના હીરાબાગ સ્થિત ચિત્રકુટ સોસાયટીમાં રહેતાં 62 વર્ષિય રવજીભાઇ ગોઠડિયાએ 4 માર્ચે પહેલો ડોઝ લીધો હતો. જોકે 19 એપ્રિલે તેમનું કોરોનાથી મૃત્યુ થયું હતું. તેમનાં પુત્ર હેમંતભાઇએ કહ્યું કે, સપ્ટેમ્બરમાં પિતાજીના મોબાઇલ કોલ આવ્યાં હતાં કે, બીજો ડોઝ લેવા કેન્દ્ર ઉપર જઇને રસી મેળવી લેવી. તેમણે પિતાનું કોરોનામાં અવસાન થયું હોવાનું જણાવ્યું હોવા છતાં 4 વખત કોલ આવ્યા હતા. 4 ઓક્ટોબરે રવજીભાઈએ બીજો ડોઝ લઇ લીધો હોવાનો મેસેજ મળી લિંક પ્રમાણે ડાઉનલોડ થયેલા સર્ટિફિકેટમાં વરાછા ઝોન-એ ખાતે કોઇ સીમાબેને તેમના સ્વ. પિતાને સેકન્ડ ડોઝ આપ્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...