નવરાત્રિ મેળાનું આયોજન:સુરતના સાયન્સ સેન્ટર ખાતે નવરાત્રિ મેળામાં માત્ર મહિલાઓએ 180 કરતા વધુ સ્ટોલ લગાવાયા

સુરત2 મહિનો પહેલા
નવરાત્રિના તહેવારમાં ઇમિટેશન જ્વેલરીની પણ ખૂબ મોટા પ્રમાણમાં માંગ ઊભી થતી હોય છે જેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું.
  • ટ્રેડિશનલ અને વેસ્ટર્ન ચણિયાચોળીના સ્ટોલ લગાવવામાં આવ્યા

આદ્યશક્તિ મા અંબેની આરાધનાનો પર્વ નવરાત્રિની શરૂઆત થવા જઇ રહી છે ત્યારે સુરત શહેરમાં તેની ઉજવણી દબદબાભેર થાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેના માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. સુરત કોર્પોરેશન દ્વારા સાયન્સ સેન્ટર ખાતે નવરાત્રિ મેળાનું આયોજન કરાયું છે. જેમાં નવરાત્રિમાં પહેરી શકાય તેવા તમામ પ્રકારના ટ્રેડિશનલ અને વેસ્ટર્ન ચણિયાચોળીના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. નવરાત્રિના તહેવારમાં ઇમિટેશન જ્વેલરીની પણ ખૂબ મોટા પ્રમાણમાં માંગ ઊભી થતી હોય છે જેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

સાયન્સ સેન્ટર ખાતે એક સપ્તાહ સુધી નવરાત્રિ મેળાનું આયોજન
નવરાત્રિ મેળામાં નવરાત્રિને લગતી તમામ પ્રકારની ચીજ વસ્તુઓનું પણ વેચાણ કરવામાં આવશે. સાયન્સ સેન્ટર ખાતે એક સપ્તાહ સુધી આયોજન કરાયું છે. તે દરમિયાન સુરતીઓ અહીંથી તેમણે મનગમતી તમામ ચીજવસ્તુઓ ખરીદી શકશે. સુરતીઓ કોઈ પણ તહેવારને ખૂબ જ રંગેચંગે ઉજવતા હોય છે. કોરોના સંક્રમણ બાદ હવે સરકારે જ્યારે નવરાત્રિની ઉજવણીમાં છૂટછાટ આપી છે ત્યારે સુરતીઓ નવરાત્રિને મન ભરીને માણી લેવાના મૂડમાં છે.

નવરાત્રિ મેળામાં મેયર હેમાલી બોઘાવાલાએ હાજરી આપી.
નવરાત્રિ મેળામાં મેયર હેમાલી બોઘાવાલાએ હાજરી આપી.

પારંપરિક વસ્ત્રો અને ઇમિટેશન જ્વેલરીનું આકર્ષણ
મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે મહિલાઓ દ્વારા ખૂબ જ સુંદર રીતે અલગ અલગ વેરાયટીઓથી ભરપુર નવરાત્રિના સ્ટોલ લગાવ્યા છે. જેમાં પારંપરિક વસ્ત્રો અને ઇમિટેશન જ્વેલરી જોવા મળી રહી છે. મહિલાઓને ખરા અર્થમાં આત્મનિર્ભર અને પગભર કરવા માટેનો અમારો આ પ્રયાસ છે. આ પ્રકારના આયોજનથી મહિલાઓ આર્થિક રીતે મજબૂત બને છે.

નવરાત્રિ મેળાના આયોજનથી મહિલાઓ આર્થિક રીતે મજબૂત બનાવવા પ્રયાસ.
નવરાત્રિ મેળાના આયોજનથી મહિલાઓ આર્થિક રીતે મજબૂત બનાવવા પ્રયાસ.