તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરંભે શૂરા:ગુજરાતમાં 18+ની વેક્સિનેશનની સ્પીડ 10 દિવસમાં 53% ઘટી ગઈ, 1 મેએ 55,235 તો 10 મેએ 29,817નું રસીકરણ થયું

સુરત3 મહિનો પહેલાલેખક: સુનિલ પાલડિયા
  • કૉપી લિંક
  • 1 મેના રોજ 55 હજાર અને 9 મેએ 13 હજારનું વેક્સિનેશન થયું
  • 5 મેથી છેલ્લા 5 દિવસમાં વેક્સિનેશનમાં 3 ગણો ઘટાડો નોંધાયો

ગુજરાતમાં 18થી 44 વર્ષ સુધીની ઉંમર ધરાવતા લોકોનું રસીકરણ 1 મેથી શરૂઆત કરવામાં આવ્યું હતું. પહેલા દિવસે તો 55 હજાર યુવાનોનું રસીકરણ કરવામાં આવ્યું હતું, જોકે ત્યાર બાદ 1 મેથી છેલ્લા 10 દિવસમાં વેક્સિનેશન 53 ટકા જેટલું ઘટી ગયું છે, જેને પગલે મોટી-મોટી જાહેરાત સાથે 18+નું વેક્સિનેશનનું અભિયાન શરૂઆતમાં ખોરંભે ચડી ગયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

અત્યારસુધીમાં 18+ 3 લાખ લોકોએ રસી લીધી
રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, 18+ના વેક્સિનેશનના પ્રથમ દિવસે 55,235નું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2 અને 3 મેના રોજ અડધોઅડધ અટલે કે 25 અને 27 હજાર જેટલું વેક્સિનેશન થયું હતું. 4 મેના રોજ 52,528 યુવાનોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ છેલ્લા 5 દિવસથી સતત ઘટાડો થઈ રહ્યો હતો. 9 મેના રોજ તો માત્ર 13 હજારનું જ વેક્સિનેશન થયું હતું. ત્યાર બાદ 10 મેના રોજ 29,817નું વેક્સિનેશન થયું હતું. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર ગુજરાતમાં અત્યારસુધીમાં 18થી 44ની વય ધરાવતા કુલ 309853 લોકો દ્વારા રસી લેવામાં આવી છે.

1.35 કરોડ લોકોએ કોરોના રસી લીધી
ગુજરાતમાં 10327556 વ્યક્તિએ પ્રથમ ડોઝ, જ્યારે 3214079 વ્યક્તિએ બીજા ડોઝની કોરોના વેક્સિન લીધેલી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર 2020ની સ્થિતિએ ગુજરાતની વસતિ 6.94 કરોડ છે. ગુજરાતમાં 16 જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ થયો હતો અને રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, અત્યારસુધી 1.35 કરોડ લોકો કોરોના રસીના ડોઝ લઇ ચૂક્યા છે.

રાજ્યને અત્યારસુધીમાં 1.42 કરોડ ડોઝ મળ્યા
કેન્દ્ર સરકાર તરફથી અત્યારસુધીમાં ગુજરાતને 14221790 ડોઝ મળ્યા છે, જેમાંથી 1.49 ટકા જથ્થો વેસ્ટ થયો છે. એમાંથી વેસ્ટ થયેલા ડોઝ સહિત 1.37 કરોડનો વપરાશ થયો છે, જ્યારે 501396 ડોઝનું બેલેન્સ છે, જ્યારે 8 લાખ ડોઝ આગામી સમયમાં પ્રાપ્ત થશે. આમ, 13 લાખ જેટલા ડોઝની વ્યવસ્થા છે.