સૂરીશાન્તિના ચરમપટ્ટધર જૈનાચાર્ય જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજા (મોટા સાહેબજી)ની પ્રથમ વાર્ષિક સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ-અધ્યાત્મ પરિવાર દ્વારા અધ્યાત્મ નગરી દયાળજી આશ્રમ મજૂરાગેટ ખાતે સૂરીશાંતિ જિન સંયમ કૃપાપાત્ર આ. યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રીય પથદર્શનથી 5 દિવસનો જિન સંગમ ઉત્સવ યોજાયો છે, જેમાં બુધવારે ભવ્ય ગુણાનુવાદ અને મહાપૂજા થશે તેમજ છેલ્લા દિવસે શુક્રવારે 54થી વધુ મુમુક્ષુઓને દીક્ષાના મુહૂર્ત અપાશે.
આ દીક્ષા સમારોહની ખાસ વાત એ છે કે એમાં 7 વર્ષથી લઈ 70 વર્ષ સુધીના લોકો સંયમ માર્ગે જવા માટે દીક્ષાનું મુહૂર્ત ગ્રહણ કરશે. સુરતના 21 વર્ષના મહિલા ફિઝિયોથેરાપિસ્ટ પણ ભૌતિક સુખ ત્યાગ કરી સંયમના માર્ગે જશે. એન્જિનિયર યુવાન તેમજ 33 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી ચૂકેલા 55 વર્ષના સીએ પણ સંયમના માર્ગે જશે.
‘ટેકનોલોજીના યુગે લોકોની શાંતિ છીનવી’
સગાં ભાઈ-બહેનની સાથે સાથે 5થી 6 એવા પરિવાર પણ છે, જેઓ ઘરને તાળું મારી સમગ્ર પરિવાર સાથે સંયમના માર્ગે ચાલી નીકળશે. આ પ્રસંગે આ. મુક્તિપ્રભસૂરીશ્વરજી, આ. યોગતિલકસૂરીશ્વરજી, આગમનિપુણ આ. તપોરત્નસૂરીશ્વરજી આદિ ચારસોથી વધુ ચારિત્રધરો શ્રેષ્ઠચારિત્રધર મોટા સાહેબજીને ચારિત્રની અંજલિ અર્પશે, જેમાં સવારે 8 વાગ્યે મુમુક્ષુ પ્રવેશયાત્રા, સવારે 9 વાગ્યે મુહૂર્ત પ્રદાન અને ઉછામણી બોલાશે. આ. યોગતિલકસૂરીશ્વરજીએ જણાવ્યું હતું કે દુનિયાનું સૌથી ઉત્તમ કામ સારો માણસ બનાવવાનું છે. દીક્ષા લેનાર ઉત્તમ માણસ બની બીજાઓને પણ સારા રસ્તે લઈ જાય છે. ટેક્નોલોજીને કારણે લોકો દુનિયાની નજીક આવી ગયા, પરંતુ પરિવાર અને સ્વજનોથી દૂર જતા રહ્યા છે. એ જ કારણ છે કે હાલ શાંતિની શોધમાં વધુમાં વધુ લોકો સંયમના માર્ગે જઈ રહ્યા છે. અગાઉ પરિવારમાં પ્રેમ અને શાન્તિ હોવાથી ઓછા લોકો દીક્ષા લઈ રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.