ટ્રેડિશનલ કપડાં પહેરી વિરોધ:ગરબાના પાસ પર 18% GST લાગતા સુરતમાં AAPનો ગરબા રમી વિરોધ, કોર્પોરેટર સહિત 50 કાર્યકર્તાઓની ટીંગાટોળી સાથે અટકાયત

સુરત14 દિવસ પહેલા
ગરબાના પાસ પર 18% જેટલી જીએસટી લાગુ થતા આમ આદમી પાર્ટી એ ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

ગરબા આયોજકો દ્વારા જે પાસ ખેલૈયાઓને આપવામાં આવે છે. તેના પર સરકાર દ્વારા 18 ટકા જેટલી જીએસટી લગાડવામાં આવતા વિરોધ જોવા મળી રહ્યો છે. વેડરોડ વિસ્તારમાં બહુચરા માતાના મંદિરના પ્રાંગણમાં આમ આદમી પાર્ટીએ પ્લે કાર્ડ લઈને ગરબા રમી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે પોલીસે કોર્પોરેટર સહિત 40થી 50 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.

બહુચરા માતાના મંદિરના પ્રાંગણમાં આમ આદમી પાર્ટીએ પ્લે કાર્ડ લઈને ગરબા રમી પોતાનો વિરોધ નોંધાવ્યો.
બહુચરા માતાના મંદિરના પ્રાંગણમાં આમ આદમી પાર્ટીએ પ્લે કાર્ડ લઈને ગરબા રમી પોતાનો વિરોધ નોંધાવ્યો.

ગરબાની ટીકીટો ઉપર જીએસટી લાગતા વિરોધ
ગુજરાતમાં નવરાત્રી દરમિયાન મા દુર્ગાની આરાધના થાય છે. ગુજરાતની ઓળખ એવા ગરબાનું આયોજન ખૂબ મોટાપાયે અલગ અલગ શહેરોમાં થતું હોય છે. ઘણા આયોજકો જે પાસ રાખતા હોય છે તેના ઉપર જીએસટી લેવાનો નિર્ણય કરાયો છે. જેને લઈને આમ આદમી પાર્ટીએ પોતાના હાથમાં જીએસટીના વિરોધમાં પ્લે કાર્ડ લઈને ગરબા રમવાનું શરૂ કર્યું હતું. અનોખી રીતે વિરોધ શરૂ થતાની સાથે જ પોલીસ દ્વારા 40થી 50 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ટીંગાટોળી સાથે અટકાયત.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ટીંગાટોળી સાથે અટકાયત.

પારંપરિક ગરબા ઉપર પણ સરકાર કમાણી કરશે
આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ જણાવ્યું કે માત્ર હિન્દુત્વની વાતો કરતી આ સરકાર ધર્મ વિરોધી લાગે છે. નવરાત્રિમાં મા અંબેની આરાધના કરવાનો પર્વ છે અને તેમાં ગુજરાતીઓ ગરબા રમીને માની પૂજા અર્ચના કરતા હોય છે. સરકારને કમાણી કરવાની એટલી લહાય છે કે ગરબાના પાસ ઉપર પણ 18% જેટલી મોટી જીએસટી લાગુ કરી છે. અમે વિરોધ કરી રહ્યા હતા અને ત્યારે અમારા મહિલા કાર્યકર્તાઓની તેમજ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી છે. સરકાર જે તાઈફાઓ પાછળ ખર્ચ કરે છે તેની વસૂલી જાણે આ નવરાત્રિમાંથી કરવા તત્પર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...