તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:સુરત કોરોનાના જ્વાળામુખી પર, UK સ્ટ્રેન ફેલાતા ત્રણ મહિના પછી 179 કેસ

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદેશથી આવતા તમામ લોકોને સાત દિવસ કોરોન્ટાઇન રહેવા માટે તાકીદ
  • કમિશનરે કહ્યું, લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે તો સ્થિતિ ગંભીર બનશે

શહેર-જિલ્લામાં કોરોનાએ ફરીથી કહેર મચાવવાનું શરૂ કર્યુ છે. ત્રણ મહિના બાદ ફરીથી કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો વધીને 179 સુધી પહોંચી ગયો છે. ગઈ તા.12 ડિસેમ્બરના રોજ શહેર જિલ્લામાં કોરોનાના 178 કેસ પોઝિટિવ નોંધાયા હતા. ત્યાર બાદ કેસમાં સતત ઘટાડો થયો હતો અને ગઈ તા.8 ફેબ્રુઆરીના રોજ કેસની સંખ્યા 25 સુધી પહોંચી ગઈ હતી. જોકે ચુંટણીની જાહેરસભાઓ અને સામાજીક પ્રસંગો વચ્ચે કેસમાં વધારો શરૂ થયો હતો. જેમાં બુધવારે ફરીથી ત્રણ મહિના પહેલાની સ્થિતીમાં પહોંચાડી દીધા છે. બુધવારે શહેરમાં 161 અને જિલ્લામાં 18 કેસ સાથે શહેર જિલ્લામાં 179 કેસ પોઝિટિવ નોંધાયા છે.

આ સાથે શહેર- જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 55 હજારની નજીક પહોંચીને 54990 થઈ ગઈ છે. તેની સામે શહેરમાંથી 89 અને જિલ્લામાંથી 4 મળી 93 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને બુધવારે રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 52987 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. પાલિકા કમિશનર બંચ્છાનિધિ પાનીએ કહ્યું કે સુરતમાં યુકેનો સ્ટ્રેન ફેલાઇ ગયો છે. લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન નહીં કરે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં યુ.કે સ્ટ્રેન વાઇરસના પાંચ લોકો અને સા.આફ્રિકા સ્ટ્રેન વાઇરસનો એક કેસ સુરતમાં મળી ચુક્યો છે.

આ કારણે શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો
આરોગ્ય અધિકારી ડો.પ્રદીપ ઉમરીગર કહે છે કે ‘શહેરમાં કોરોના કેસ વધવા પાછળ મુખ્યત્વે યુ.કે અને દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેનના ફેલાવાને લઇ થઇ રહ્યો હોવાનું તારણ બહાર આવી રહ્યું છે. બીજું કારણ શાળા-કોલેજો શરૂ થતાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોમાં કેસ તો મળી રહ્યા છે. પરંતુ આ વિદ્યાર્થીઓ ઘરે જઇ પરિવારના સભ્યોને પણ સંક્રમિત કરી રહ્યા છે. જેથી હાલમાં શાળા-કોલેજો શરૂ થયા બાદ મહિલાઓમાં કેસનું પ્રમાણ વધી ગયું છે. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં મોટાપ્રમાણમાં લગ્નપ્રસંગો થયા હતા તેમજ ટ્રાવેલીંગ કરનારાની સંખ્યા વધી છે.

સિવિલના કોવિડમાં બંધ કરી દેવાયેલા બે માળ ફરીથી શરૂ કરી દેવાયા
શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં જાન્યુઆરી બાદ સતત ઘટાડો થતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. જેથી કોવિડના એક બીજા માળથી લઈ 10માં માળ સુધીના ખાલી પડેલા તમામ માળ બંધ કરી દેવાયા હતા અને માત્ર પહેલા માળે જ કોરોનાના દર્દીઓ તેમજ શંકાસ્પદ દર્દીઓને દાખલ કરી સારવાર અપાતી હતી. જોકે ફરીથી કેસમાં વધારો થતા અને દર્દીઓની સંખ્યામાં પણ વધારો થતાં કોવિડમાં વધુ બે માળ પર દર્દીઓને દાખલ કરવાનું શરૂ કરાયું છે. જેમાં 7માં માળ પર શંકાસ્પદ દર્દીઓ માટે અલાયદો વોર્ડ શરૂ કરી દેવાયો છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો સંક્રમીત થાય તો તેમને દાખલ કરવા માટે ત્રીજા માળે સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો છે.

50 સ્કૂલ-કોલેજોમાં ટેસ્ટિંગ કરાયા, 5 વિદ્યાર્થી પોઝિટિવ
પાલિકાની ટીમે શહેરની 50 શાળા અને કોલેજોમાં ટેસ્ટિંગ કર્યું હતું. જેમાં 2746ના ટેસ્ટ કરવામાં આવતાં પાંચ કેસ પોઝિટીવ મળ્યા છે. જેમાં સેન્ટ્રલ, વરાછા અને અઠવા ઝોનમાં 1-1 અને લિંબાયત ઝોનમાં 2 કેસ મળ્યા છે. આજે વધુ 45 ક્લસ્ટરમાં વધારો થતાં કુલ ક્લસ્ટરની સંખ્યા 617 પર પહોંચી છે. જેમાં 12484 ઘરના 47679 લોકોને હોમ ક્વોરન્ટાઇન છે. કોટ વિસ્તારમાં હરીપુરામાં આવેલ વી.ટી.ચોકસી સાર્વજનિક હાઇસ્કૂલમાં એક વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે વરાછા હીરાબાગ વિસ્તારમાં આવેલ ડો.વિક્રમ સારાભાઇ સ્કૂલમાં શિક્ષક તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો વિદ્યાર્થી પણ સંક્રમિત થયો છે. જ્યારે લિંબાયત ઝોનમાં ડુંભાલમાં આવેલ એસ.વી.પબ્લીક સ્કૂલમાં બે સ્ટુડન્ટ પોઝિટિવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...